Friday 31 August 2018

ડાંગ જિલ્લાના કરાડીઆંબા નામના નાનકડા ગામના આ ઝુંપડા જેવા ઘરમાં રહેનારી સરિતા ગાયકવાડે ગઈકાલે એશિયન રમતોત્સવમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો.


ડાંગ જિલ્લાના કરાડીઆંબા નામના નાનકડા ગામના આ ઝુંપડા જેવા ઘરમાં રહેનારી સરિતા ગાયકવાડે ગઈકાલે એશિયન રમતોત્સવમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો.
"મન હોય તો માળવે જવાય" આવું આપણે સાંભળ્યું કે વાંચ્યું છે પણ ડાંગની દીકરી સરિતા ગાયકવાડે એ સાબિત કરી બતાવ્યું છે. સાવ ગરીબ પરિવારની આ દીકરીને પહેલેથી જ રમતગમત પ્રત્યે ખૂબ રુચિ હતી. શિક્ષકોએ પ્રેરણા આપી અને સરિતાએ રમતગમતમાં દોડ વિભાગમાં દુનિયાને પોતાનું કૌવત બતાવવાનું સપનું જોયું. લોકો એવું કહેતા કે આ આપણું કામ નહીં આમાં તો પૈસાવાળા અને પહોંચવાળા જ આગળ આવી શકે પણ આ દીકરીએ મનમાં દ્રઢ નીર્ધાર કર્યો હતો કઠિન પરિશ્રમથી મારે મારા સપનાને પૂર્ણ કરવું છે.
સરિતાને એના અભણ માતા-પિતા અને ભાઈએ સાથ આપ્યો. દિવસ-રાત મજૂરી કરીને જે કાંઈ થોડી બચત થાય એ દીકરીની કારકિર્દી માટે ખર્ચી નાંખતા. 18માં એશિયાઈ રમતોત્સવમાં સરિતા ગાયકવાડે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ભારેરસાકસી વચ્ચે 4 * 400 મીટરની રિલે દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.
સરિતાના પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે મોઢું મીઠું કરવાની મીઠાઈ પણ ઘરમાં નહોતી. એનો ભાઈ દ્રોણેશ્વર એના ગામથી 35 કિલોમીટર દૂરના ગામેથી મીઠાઈ લઇ આવ્યો અને ગામના લોકોએ સરિતાએ પ્રાપ્ત કરેલી ભવ્ય સફળતાની ઉજાણી કરી.
મિત્રો, માણસ ધારે અને પોતાની જાત પોતાના ધ્યેયને સમર્પિત કરે તો આ જગતમાં કશું જ અશક્ય નથી.

No comments: