Friday 25 December 2015

નિષ્ફળ અને સફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત.

જપાનમાં ડૉ. એસ. હિરોટોએ કોલેજીયનોના એક જુથ પર એક વિશિષ્ટ પ્રયોગ કર્યો. કોલેજના અમુક વિદ્યાર્થીઓને એક મોટા રૂમમાં ભેગા કર્યા. રૂમને બહારથી બંધ કરી દેવામાં આવ્યો. રૂમમાં મ્યુઝીક સીસ્ટમ હતી. બધાને પહેલેથી જ કહેવામાં આવ્યુ હતું કે સમય જતા મ્યુઝીકનું વોલ્યુમ વધશે પરંતું જો તમને પસંદ ના હોય તો દરેક વ્યક્તિને વોલ્યુમ કંટ્રોલર આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને તે વોલ્યુમ ઓછુ કરી શકશે.

થોડા સમય પછી મ્યુઝીક શરુ કરવામાં આવ્યું. બધા સંગીતની મસ્તીમાં ડુબી ગયા. ધીમે ધીમે વોલ્યુમ વધારવામાં આવ્યું. હવે તો એ સંગીતને બદલે ઘોંઘાટ લાગવા માંડ્યુ એટલે દરેક કોલેજીયને પોતાને આપવામાં આવેલા વોલ્યુમ કંટ્રોલરને હાથમાં લઇને વોલ્યુમ ઘટાડવા માંડ્યું. પણ વોલ્યુમ ઘટે જ નહી. બધાએ ખુબ પ્રયાસ કર્યા પણ કોઇ સફળ ન થયું. વોલ્યુમ કંટ્રોલર કોઇ કામ જ આપતું ન હ્તું છેવટે બધાએ કંટાળીને કંટ્રોલરને નીચે મુકી દીધું.

થોડા સમયના વિશ્રામ બાદ ફરીથી આ જ જુથને રૂમમાં મોકલવામાં આવ્યુ અને ફરીથી એ જ ઘોંઘાટ વાળો અવાજ શરુ થયો. બધાને વોલ્યુમ ધીમુ કરવાની ઇચ્છા થઇ પણ કોઇએ વોલ્યુમ કંટ્રોલર હાથમાં લીધુ જ નહી. આ વખતે વોલ્યુમ કંટ્રોલર કામ કરતા હતા પરંતું કોઇએ તેનો ઉપયોગ જ ન કર્યો. એક વખત મળેલી નિષ્ફળતાથી તેઓ એમ નક્કિ કરી બેઠા કે વોલ્યુમ કંટ્રોલર કામ નથી કરતા અને હવે નહી જ કરે.

આપણા બધાના જીવનમાં પણ આવું જ બને છે. નોકરી ધંધો વ્યવસાય કે પછી પરિક્ષામાં એક વખત નિષ્ફળ જઇએ એટલે પેલા વિદ્યાર્થીઓએ વોલ્યુમ કંટ્રોલર નીચે મુકી દીધા તેમ આપણે પ્રયાસો કરવાનું મુકી દઇએ છીએ. મિત્રો દરેક વખતે પરિસ્થિતી એક સમાન નથી હોતી. ક્યારેક વોલ્યુમ કંટ્રોલર ચાલતા પણ હોય છે.

નિષ્ફળ અને સફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત માત્ર એટલો જ છે કે નિષ્ફળ વ્યકતિ એક વખતના અનુભવથી વોલ્યુમ કંટ્રોલર નીચે મુકી દે છે અને સફળ વ્યક્તિ એને હાથમાં જ પકડીને દર વખતે પ્રયાસ કરે છે અને બસ જ્યારે આ વોલ્યુમ કંટ્રોલર ચાલતું હોય ત્યારે તે ક્ષણે તે માણસ સફળ બની જાય છે.

No comments: