Saturday 25 June 2016

માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. જરા અંતરદ્રષ્ટિ કરજો ક્યાંક આપણે આપણા સ્વર્ગથી બહું દુર તો નથી જતા રહ્યાને ?



એક શાળામાં એક શિક્ષકને એના વર્ગના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા કહ્યુ, “ સર , બીજા બધા વર્ગમાં શિક્ષકો વિદ્યાર્થીઓને નવા-નવા પ્રોજેક્ટ આપે છે. આપ તો માત્ર ભણાવો જ છો. અમને પણ કંઇક નવો પોજેકટ આપોને જેથી અમે પણ બીજા વર્ગના વિદ્યાર્થીઓની જેમ કંઇક પ્રેકટીકલ કરવાની મજા લઇ શકીએ.

શિક્ષકે બધી જ વાત ધ્યાનથી સાંભળ્યા પછી કહ્યુ , “ સારુ, હું તમને બધાને એક સરસ મજાનો પ્રોજેક્ટ આપુ છું આવતી કાલે તમારે બધાએ સ્વર્ગની માટી લાવવાની છે બસ આ તમારા માટેનો પ્રોજેક્ટ.વિદ્યાર્થીઓ તો વાત સાંભળીને મુંઝાયા કે આવો તે કંઇ પ્રોજેક્ટ હોતા હશે ! સાહેબ આપણને બધાને મુર્ખાઓ સમજતા લાગે છે.

બીજા દિવસે વર્ગ ચાલુ થયો એટલે શિક્ષકે આવીને કહ્યુ , “ તમને કાલે એક કામ સોંપવામાં આવ્યુ હતું. જેટલાએ એ કામ પુરુ ન કર્યુ હોય તે ઉભા થાવ.બધા જ વિદ્યાર્થીઓ ઉભા થઇ ગયા પરંતું શિક્ષકનું ધ્યાન ગયુ કે વચ્ચે બેઠેલો એક વિદ્યાર્થી ઉભો નથી થયો. શિક્ષકે ગુસ્સા સાથે કહ્યુ, “ તું કેમ ઉભો ન થયો ?”

વિદ્યાર્થી આગળ આવ્યો અને પોતાના દફતરમાંથી એક નાની ડબી કાઢી અને એ ડબીમાં રહેલી માટી બતાવીને કહ્યુ , “ સર , પણ હું તો સ્વર્ગની માટી લાવ્યો છું !શિક્ષકે ખીજાઇને કહ્યુ, “ તું શું મને મુરખ સમજે છે ? મે તો કાલે તમને મજાકમાં કહ્યુ હતુ કે સ્વર્ગની માટી લઇ આવજો મને ખબર જ હતી કે બધા ધોયેલા મુળાની જેમ જ આવવાના છે કારણ કે મર્યા વગર સ્વર્ગે ન જવાય તો માટી ક્યાંથી આવે ?”

વિદ્યાર્થીએ કહ્યુ, “ સર, થોડા દિવસ પહેલા જ સવારની પ્રાર્થના વખતે આપ કહેતા હતા કે માતાના ચરણોમાં સ્વર્ગ છે. ખેતરમાં કામ કરતી મારી માં ના પગમાં ચોંટેલી આ માટી છે તો એને સ્વર્ગની માટી કેમ ન કહેવાય ?”

મિત્રો , માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. જરા અંતરદ્રષ્ટિ કરજો ક્યાંક આપણે આપણા સ્વર્ગથી બહું દુર તો નથી જતા રહ્યાને ?
 

No comments: