Saturday 26 December 2015

એક બહેન તો હોવી જ જોઈએ…

એક બહેન તો હોવી જ જોઈએ
જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે
જે નવા વર્ષના દિવસે તમારા તૂતિયારા વેળાને” લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય
જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય
જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે મારો ભાઈ બાકી છે એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય
તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય
બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ. 
જો એક બહેન હોય….
તો જ સંવેદનાની અનુભૂતિ આવે
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
તો જ ઘરમા તમને સતત
ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે
બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક
માં સમાન. મોટી બહેનના હાલરડા સાંભળો તો એ
માં થી કમ નથી હોતા અને નાની બહેનને
ખોળામાં સુવડાવવાનો આનંદ એ દિકરીથી કમ
નથી હોતો.

આપણા પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર જ ટાંગવા માટે એક નાનો છોડ કે ખીંટીની જરુર છે!!!!!!!!!!!!

એક ખેડુતે પોતાના ફાર્મ હાઉસ પર પાઇપનું રીપેરીંગ કરવા માટે એક પમ્લરને બોલાવ્યો. પમ્લરે આવીને જોયુ તો ઘણા વર્ષોથી આ ફાર્મ હાઉસબંધ હોય એવું લાગ્યું. પમ્લરે પાઇપને ખોલવાના ખુબ પ્રયાસ કર્યા પાઇપ તો ના ખુલ્યો ઉલ્ટાના પમ્લરના પાના-પકડ તુટી ગયા. પાઇપ કાટી ગયો હતો આથી થોડું વધુ બળ લગાડ્યુ તો પાઇપ જ તુટી ગયો.

પમ્લરે પોતાનું કામ ચાલુ રાખ્યુ થોડી વાર પછી કામ કરતા કરતા એના હાથ પર જ હથોડી વાગી એ ગુસ્સામાં કંઇક બડબડ કરતો રહ્યો અને માંડ માંડ પોતાનું કામ પુરુ કર્યો. હવે તો એ ખુબ થાકી ગયો હતો અને સાંજ પણ પડી ગઇ હતી આથી એ ઝડપથી પોતાનો સરસામાન લઇને પોતાના વાહન પાસે આવ્યો એણે જોયુ તો પોતાના સ્કુટરમાં પણ પંચર હતું. એણે ફાર્મ હાઉસના માલીકને પોતાના ઘરે મુકી જવા માટે વિનંતી કરી એટલે ફાર્મ હાઉસનો માલિક એને પોતાની કાર લઇને ઘેર મુકવા ગયો.

રસ્તામાં કાર માલિકે જોયુ કે પેલો પમ્લર ખુબ જ ગુસ્સામાં હતો. આજનો આખો દિવસ એના માટે ખરાબ રહ્યો હતો એ ગુસ્સામાં કંઇ બોલતો પણ ન હતો પણ એના ચહેરા પરની તંગ રેખાઓ બતાવતી હતી કે એ ખુબ જ ગુસ્સામાં છે. પમ્લરનું ઘર આવ્યું એટલે એણે પેલા ખેડુતને પોતાના ઘરમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. ખેડુતે નિમંત્રણનો સ્વિકાર કર્યો અને એની સાથે જ દરવાજામાં પ્રવેશ કર્યો.

ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરે એ પહેલા એ પમ્લર ફળિયામાં આવેલા એક ઝાડ પાસે ગયો એણે ઝાડને પ્રેમથી સ્પર્શ કર્યો અને એના ચહેરા પરના ભાવ બદલાવા લાગ્યા એનુ ગુસ્સો જણે કે અદ્રશ્ય થઇ ગયો અને ચહેરા પર સ્મિત આવી ગયું. પછી એણે ડોરબેલ વગાડી દરવાજો ખુલતા જ એ હસતા ચહેરે અંદર પ્રવેશ્યો અને પોતાના બાળક તથા પત્નિને પ્રેમથી ભેટ્યો. આ બધુ જોઇને ખેડુતતો વિચારમાં પડી ગયો. જ્યારે ચા-પાણી પીધા પછી પમ્લર ખેડુતને એની કાર સુધી મુકવા આવ્યો આવ્યો ત્યારે એ પમ્લરને પુછ્યા વગર અન રહી શક્યો કે આ ઝાડમાં એવી તે શું જાદુઇ શક્તિ હતી કે એને સ્પર્શ કરતા જ તારા ચહેરા પરનો ગુસ્સો સ્મિતમાં પલટાઇ ગયો ?

પમ્લરે કહ્યુ , “ માલિક , હું કામ પરથી જ્યારે ઘરે આવું છું ત્યારે મારી સાથે અનેક સમસ્યા અને પ્રશ્નોના પોટલા પણ લાવું છું. પરંતું મારી આ સમસ્યાઓ કે પ્રશ્નોની અસર મારા પરિવારના બીજા સભ્યો પર ન પડે તેની પણ તકેદારી રાખુ છું અને એટલે ઘરમાં પ્રવેશતા પહેલા મારા તમામ પ્રશ્નો આ ઝાડ પર જ ટાંગી દઉં છુ અને સવાર સુધી એ પ્રશ્નો પ્રભુના હવાલે કરી દઉં છું. આનંદની વાત તો એ છે કે જ્યારે સવારે ઝાડ પર ટાંગેલા મારા પ્રશ્નોનું પોટલું લેવા માટે જાઉં ત્યારે મોટા ભાગના પ્રશ્નો તો પોટલામાંથી ભાગી પણ ગયા હોય છે અને ક્યારેક તો પોટલું સાવ ખાલી હોય છે.

મિત્રો એવું નથી લાગતુ કે આપણે પણ આ પમ્લરની જેમ આપણા પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર જ ટાંગવા માટે એક નાનો છોડ કે ખીંટીની જરુર છે!!!!!!!!!!!!

વાસ્તવમાં આપણા આચરણના મુળ આપણા વિચારમાં જ હોય છે.

સ્વામી રામતિર્થ એકવાર જાપાન ગયા. ત્યાં જાપાનના સમ્રાટનો બાગ જોવા માટે ગયા ત્યારે એમને આશ્વર્ય થયુ કે 100 વર્ષ જુના વૃક્ષોની ઉંચાઇ માંડ થોડા ફુટની જ હતી. રામતિર્થ વિચારવા લાગ્યા કે આવું કેમ બને 100 વર્ષ જુનુ પુરાણું વૃક્ષ તો કેવુ મહાકાય હોય! આ તો કદમાં સાવ નાના છોડ જેવા જ લાગે છે.

સ્વામીજીએ કુતુહલવશ આ વાત માળીને પુછી કે આ વૃક્ષો આટલા જુના હોવા છતા એની ઉંચાઇ કેમ સાવ ઓછી છે ? માળીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એ હસવા લાગ્યો અને એણે પ્રતિઉતરમાં કહ્યુ કે મને એવુ લાગે છે કે આપને વૃક્ષોની બાબતમાં કોઇ વિશેષ જ્ઞાન નથી.

આગળ બોલતા માળીએ સમજાવ્યુ કે આપ માત્ર વૃક્ષને જુવો છો જ્યારે અમે તો એ વૃક્ષના મુળને જોઇએ છીએ. અમે મુળને વધવા જ નથી દેતા. સતત મુળને નીચીથી કાપ્યા કરીએ છીએ. અને મુળ કપાવાને કારણે વૃક્ષો ઉપર વધી શકતા નથી.
મુળ જેટલા ઉંડા જાય વૃક્ષ એટલુ મોટું થાય આમ વાસ્તવમાં વૃક્ષોનો પ્રાણ ઉપર નહી જમીનની નીચે રહેલા મુળમાં હોય છે.

આપણા બધાની પણ આ જ હાલત છે આપણને લોકોનું બાહ્ય વ્યક્તિત્વ અને આચરણ દેખાય છે પરંતું તેના વિચારો દેખાતા નથી. વાસ્તવમાં એના આચરણના મુળ એના વિચારમાં જ હોય છે. આપણે આપણા સદવિચારો પર એવો કુઠારાઘાત કર્યો છે કે જીવનવૃક્ષ સાવ સંકોચાઇને નાના છોડ જેવું બની ગયુ છે.

કુહાડાથી કાપેલું ઝાડ ફરીથી ઉગે છે પણ કુહાડા જેવી જીભથી બોલાયેલા કડવા શબ્દો દ્વારા કોઇના દિલ પર પાડેલા ઉઝરડાઓ ક્યારેય ઋઝાતા નથી.

એક યુવાનનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો હતો. એને નાની નાની વાતમાં પણ બહું ગુસ્સો આવે અને ન બોલવાનું બોલી જાય પાછળથી મોટા ભાગે પસ્તાવો પણ થાય. એના પિતાને એક દિવસ એને પોતાની પાસે બેસાડીને કહ્યુ , " બેટા તું ગુસ્સામાં ગમે તે બોલી જાય છે તે યોગ્ય નથી ગુસ્સા પર કાબુ મેળવવા માટે હું તને એક નાનો પ્રયોગ કરવાનું સુચન કરું છું. તને હવે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તારે તારા રૂમની દિવાલ પર એક ખીલી લગાવવાની."

પ્રથમ દિવસે જ દિવાલ પર ઘણી બધી ખીલી લાગી ગઇ. રાત્રે જ્યારે એ યુવાન પથારીમાં પડયો ત્યારે તેનું ધ્યાન દિવાલ પર લાગેલી આ ખીલી પર ગયુ એણે નક્કી કર્યુ કે મારે આ ખીલેની સંખ્યા ઘટાડવી છે. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ દિવાલ પર લાગતી ખીલીઓની સંખ્યા ઘટતી ગઇ.

એક દિવસ એવો આવ્યો કે સવારથી સાંજ સુધીમાં દિવાલ પર એક પણ ખીલી મારવાની જરૂરીયાત ઉભી ન થઇ. તે દિવસે પેલો યુવક સાંજે નાચતો કુદતો પોતાના પિતા પાસે આવ્યો અને કહ્યુ , " પાપા આજે દિવસ દરમ્યાન મને એક પણ વખત ગુસ્સો આવ્યો નથી." એના પિતા યુવક પર ખુબ રાજી થયા અને અભિનંદન આપ્યા.

પિતાએ દિકરાના રૂમની દિવાલ પર જોયુ તો આખી દિવાલ પર ખીલીઓ લાગેલી હતી.પિતાએ દિકરાને કહ્યુ કે બેટા હવે જ્યારે તને પસ્તાવો થાય ત્યારે આ ખીલીઓ કાઢ્તો જજે. અમુક સમય પછી દિવાલ પરની બધી જ ખીલી નીકળી ગઇ. યુવાને પિતાને પોતાના રૂમમાં બોલાવીને દિવાલ બતાવતા કહ્યુ , " પાપા, જુઓ મને એટલો પસ્તાવો થયો કે બધી જ ખીલી નિકળી ગઇ છે.

પિતાએ યુવાનને એટલું જ કહ્યુ કે બેટા હવે જરા દિવાલ સામે જો ખીલી લાગ્યા પહેલાની દિવાલ કેવી હતી અને હવે દિવાલ કેવી છે. પહેલા જે ખુબ સારી દેખાતી હતી તે દિવાલમાંથી ખીલી તો નિકળી ગઇ છે પણ કાણા પડી ગયા છે.

આપણે પણ જ્યારે કોઇ સાથે ગુસ્સામાં અયોગ્ય વર્તન કરીએ છીએ ત્યારે તેના દિલ પર ઉંડા ઘાવ પડે છે જે પાછળથી માફી માંગવા છતા પણ ઋઝાતા નથી. વિદુરનિતીમાં વિદુરજીએ બહું યોગ્ય જ કહ્યુ છે , " કુહાડાથી કાપેલું ઝાડ ફરીથી ઉગે છે પણ કુહાડા જેવી જીભથી બોલાયેલા કડવા શબ્દો દ્વારા કોઇના દિલ પર પાડેલા ઉઝરડાઓ ક્યારેય ઋઝાતા નથી."

આપણામાં સફળ થવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાને કારણે પ્રયાસો જ છોડી દઇએ છીએ.

એક ખુબ મોટા શહેરમાં એક હાથી લાવવામાં આવ્યો હતો. માત્ર ચિત્રોમાં અને ફિલ્મોમાં જ હાથી જોવા ટેવાયેલા મહાનગરના માણસો આ હાથીને પ્રત્યક્ષ જોવા માટે પણ આવતા હતા. હાથી જોવા માટે આવી રહેલા લોકો પૈકી એક વ્યક્તિનું ધ્યાન ગયુ કે હાથીને પગથી બાંધવામાં આવ્યો હતો અને એ પણ સાવ નાના અને પાતળા દોરડા દ્વારા.

આ જોઇને પેલા ભાઇ તો આશ્વર્યમાં પડી ગયા કે આ હાથીને સાવ સામાન્ય દોરડા દ્વારા બાંધવામાં આવ્યો છે. આવા વિશાળકાય અને મહાબળવાન પ્રાણીને આવા સાવ સામાન્ય દોરડાથી કેમ બાંધવામાં આવ્યુ છે. જો હાથી ઇચ્છે તો માત્ર એક જ ઝાટકામાં આ બંધન તોડી શકે અને આઝાદ થઇ શકે.

હાથીના મહાવતને એ ભાઇએ આ બધુ પુછ્યુ , “ તમે, હાથીને સાવ પાતળા દોરડાથી બાંધેલો છે તો એ દોરડું તોડીને ભાગી ના જાય ? એના માટે આ દોરડું તોડવું બહું જ સામાન્ય છે!

મહાવતે કહ્યુ , “ આપનો પ્રશ્ન બિલકુલ વાજબી છે પણ આવું ક્યારેય ના થાય. કારણ કે હાથી જ્યારે નાનો હોય એટલે કે એ મદનિયુ હોય ત્યારે એના પગ આ જ દોરડાથી બાંધેલા હોય એ વખતે એ દોરડાને તોડવાના ખુબ પ્રયાસ કરે પરંતું તેની ઉંમરને કારણે એ દોરડું તોડવામાં સફળ ન થાય. પછી તો એ મનમાં એવી ગાંઠ વાળી લે કે મારાથી આ દોરડું તુટવાનું જ નથી અને એ દોરડાને તોડવાના પ્રયાસ છોડી દે છે. હાથીમાં દોરડું તોડવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાના કારણે એ પ્રયાસ જ કરતો નથી.

મિત્રો, આપણા બધાનું પણ આ હાથી જેવું જ છે. નાનીનાની નિષ્ફળતાને કારણે એવા તારણ પર આવી જઇએ છીએ કે હવે હું આ બાબતમાં સફળ નહિ થઇ શકું જ્યારે વાસ્તવિકતા એ હોય છે કે આપણામાં સફળ થવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાને કારણે પ્રયાસો જ છોડી દઇએ છીએ.

માઇન્ડનો ઉપયોગ કરવો જરૂરી છે પણ તે કરતા હદયનો ઉપયોગ વધુ કરવો....

એક નગરમાં એક અત્યંત ભલો માણસ રહેતો હતો. એ દરજીકામ કરતો હતો અને સ્વભાવનો ખુબ જ સારો હતો. અમુક સમય પછી એમણે દરજીનો વ્યવસાય છોડીને સન્યાસીનું જીવન વ્યતિત કરવાનું શરુ કર્યુ અને સન્યાસી તરિકે બધા એમને ખુબ માન સન્માન આપતા હતા.

સમગ્ર રાજ્યમાં આ સન્યાસીના ખુબ વખાણ થતા હતા. બધા એમને ખુબ આદર આપતા હતા. એક દિવસ રાજ્યનો સમ્રાટ આ સન્યાસીને મળવા માટે આવ્યો. એમને ખબર હતી કે સન્યાસી પહેલા દરજીકામ કરતા હતા એટલે સમ્રાટ મળવા માટે આવ્યા ત્યારે સન્યાસી માટે એક હિરા જડીત સોનાની કાતર લાવ્યા હતા. એમણે સન્યાસીને વંદન કરીને રાજ્ય તરફથી આ વિશિષ્ટ કાતર સન્યાસીને ભેટ ધરી.

સન્યાસીએ વિનમ્રતા પૂર્વક કાતર સ્વિકારવાની ના પાડી. સમ્રાટ ખુબ દુ:ખી થયા કે મારા રાજ્યના આ સન્યાસીને હું કંઇ આપી શકતો નથી સમ્રાટ હોવા છ્તા આ સન્યાસીને કંઇ મદદ કરી શકતો નથી. એમણે સન્યાસીને પુછ્યુ , " હું આપને કંઇક આપવા માંગું છું આપ જ મને જણાવો કે હું આપને શું આપુ જે આપના ઉપયોગમાં આવે ? "

સન્યાસીએ સમ્રાટની સામે જોઇને એટલું જ કહ્યુ કે મહારાજ આપ કંઇ આપવા માંગતા હોય તો માત્ર એક નાની એવી સોઇ આપો. રાજાએ તુરંત સોઇ મંગાવીને સન્યાસીને આપી અને પછી કહ્યુ કે આપે સોઇ કેમ માંગી અને કાતરનો કેમ અસ્વિકાર કર્યો. સન્યાસીએ કહ્યુ કે કાતર કાપવાનું અને ભાગ પાડવાનું કામ કરે છે જ્યારે સોઇ સાંધવાનું અને ભેગા કરવાનું કામ કરે છે.

માઇન્ડ એ કાતરનું કામ કરે છે અને હદય એ સોઇનું કામ કરે છે. માઇન્ડનો ઉપયોગ કરવો જરૂરી છે પણ તે કરતા હદયનો ઉપયોગ વધુ કરવો.......

નામના મેળવવા ગાંડા થાય છે અને બધા પસ્તાયા પણ છે.

એક રાજ્યમાં એવી માન્યતા હતી કે જે આ રાજ્યનો સમ્રાટ બને તે સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં સૂવર્ણના પર્વત પર એનું નામ લખાય. એક યુવકે નક્કી કર્યુ કે મારે સ્વર્ગમાં સૂવર્ણ પર્વત પર મારુ નામ લખવું છે. આ માટે રાજયના સમ્રાટ બનવું જરૂરી હતું. એણે આ માટે ખુબ પ્રયાસો કર્યા. પોતાના આનંદ અને ખુશી સાથે પણ કોમ્પ્રોમાઇઝ કરીને એ યુવક રાજ્યનો સમ્રાટ બન્યો.

જ્યારે એ મૃત્યું પામ્યો ત્યારે તે સ્વર્ગમાં ગયો. એ તો કંઇ કેટલાય વિચારો સાથે આગળ વધી રહ્યો હતો એને તો એમ જ હતું કે સ્વર્ગના દરવાજા પર મારા સ્વાગતની ભવ્ય તૈયારીઓ હશે પરંતું દરવાજા પર તો ગેટકીપર સિવાય બીજુ કોઇ જ નહોતું.

સમ્રાટે ગેટકિપર સામે જોઇને જરા કડકાઇ થી કહ્યુ , " તું જાણે છે હું કોણ છું? " ગેટકિપરે તો જવાબ આપવાની પણ પરવા ન કરી એટલે સમ્રાટ ગુસ્સે થયો અને પોતાનો પરિચય આપતા કહ્યુ કે હું સમ્રાટ છું. ગેટકિપરે તો ઠંડા કલેજે એટલું જ કહ્યુ કે હું જ્યારથી અહિંયા નોકરી કરું છું ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય સમ્રાટો આવી ચુક્યા છે અહિંયા.

સમ્રાટને તો આ સાંભળીને આંચકો લાગ્યો એણે ગેટકિપરને પુછ્યુ , " પેલો સોનાનો પર્વત કયાં છે ? મારે તેના પર મારું નામ લખવાનું છે." ગેટકિપરે કહ્યુ, "બસ સામે ની બાજુ થોડા આગળ જઇને ડાબી બાજુ વળી જજો ત્યાં જ એ સોનાનો પર્વત છે."

સમ્રાટ પોતાનું નામ સ્વર્ગના સોનાના પર્વત પર લખાશે તે વિચારથી જ આનંદિત થઇ ગયો અને ઝડપથી સૂવર્ણપર્વત તરફ ગયો. સોનાના પર્વત પાસે જઇને એણે જોયુ તો આખા પર્વત પર અસંખ્ય નામ લખાયેલા હતા હવે નો નામ લખવાની કોઇ જગ્યા જ નહોતી. સમ્રાટ તો મુંઝાયો કે મારે મારું નામ હવે ક્યાં લખવું?

એ પાછો ગેટકિપર પાસે આવ્યો અને કહ્યુ કે પર્વત પર નામ લખવાની કોઇ જગ્યા જ નથી હવે મારે મારું નામ કેવી રીતે લખવું. ગેટકિપરે હસતા હસતા એટલું જ કહ્યુ કે સમ્રાટજી આપ કોઇનું લખાયેલું નામ ભૂંસી નાખો અને આપનું નામ એની જગ્યા પર લખી નાખો.

લોકો પણ આ સમ્રાટની જેમ નામના મેળવવા ગાંડા થાય છે. આ માટે પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાઓ, બધા સાથેના સ્નેહપૂર્ણ સંબંધના ભોગે એ નામના મેળવે છે અને જ્યારે નામ મળે ત્યારે સમજાય છે કે મારા જેવા તો બીજા કેટલાય ગાંડાઓ આવું કરી ચુક્યા છે અને બધા પસ્તાયા પણ છે.

Friday 25 December 2015

માત્ર વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ પણ સમજવી.

એકવાર માનસરોવરનું એક હંસ અને હંસલીનું જોડું ઉડતા ઉડતા બહું જ દુર નિકળી ગયુ અને કોઇ સાવ ઉજ્જડ અને વેરાન પ્રદેશમાં આવી ગયું. માનસરોવરના પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા ટેવાયેલા આ જોડાના શ્વાસ રુંધાવા માંડયા. હંસલીએ રડતા રડતા કહ્યુ કે હું અહિંના વાતાવરણમાં મરી જઇશ મને જલ્દી પાછા આપણા પ્રદેશમાં લઇ જાવ.

હંસે પોતાની પત્નિને સાંત્વના આપતા કહ્યુ કે ગાંડી બહું ચિંતા ના કર બસ જેમ તેમ કરીને આજની રાત પસાર કરીલે કાલે સુર્યોદય થતા જ આપણે આપણા વતન જવા નીકળી જઇશું. બંને એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા. થોડી વારમાં ઝાડ પરથી જોર જોર થી હસવાનો અવાજ આવવા લાગ્યો. હંસ અને હંસલીએ ઉપર જોયુ તો કોઇ ઉલ્લુ બેઠો બેઠો સાવ બિન જરુરી અવાજ કરીને જોડાને હેરાન કરી રહ્યો હતો. હંસ અને હંસલી બીજા ઝાડ પાસે ગયા તો પેલો ઉલ્લુ પણ ત્યાં ગયો.

હંસ અને હંસલી ખુબ પરેશાન થઇ ગયા અને બોલ્યા કે હવે સમજાય ગયુ કે આ પ્રદેશ ઉજ્જ્ડ કેમ છે અને કોઇ અહિંયા કેમ નથી આવતું. આવા ઉલ્લુઓ હોય ત્યાં વેરાન વગડા સિવાય બીજી શું આશા રાખી શકાય! જેમ તેમ કરીને સવાર પડી અને હંસ તથા હંસલી પોતાના પ્રદેશ જવા માટે તૈયાર થયા. પેલા ઉલ્લુએ રાડા રાડી ચાલુ કરી એટલે ગામના બધા જ લોકો ભેગા થઇ ગયા.

જેવા લોકો આવી ગયા કે ઉલ્લુએ કહ્યુ આ હંસ મારી પત્નિને એની સાથે ભગાડીને લઇ જાય છે. પેલા હંસે કહ્યુ કે જરા વિચાર તો કર આ હંસલી છે મારી પત્નિ છે હું એને સાથે લઇને જ આવ્યો હતો. આ તારી પત્નિ કેમ બની ગઇ. ઉલ્લુ તો એક જ વાત પકડીને બેસી ગયો કે આ મારી પત્નિ છે અને મને મારી પત્નિ અપાવો.

હંસ અને હંસલીને પકડી લેવામાં આવ્યા. ગામમાં પંચાયત બોલાવવામાં આવી. પંચો ન્યાય કરવા બેઠા. હંસ અને હંસલીએ રડતા રડતા ખુબ આજીજી કરીને સત્ય વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. પંચે અંદરો અંદર ચર્ચા કરી કે આ હંસ હંસલી તો કાલે જતા રહેશે. ઉલ્લુ તો આપણો છે અને કાયમ આપણી સાથે જ રહેવાનો છે તો ચાલો આપણે ઉલ્લુની તરફેણમાં જ ચુકાદો આપીએ. અને પંચાયતે પોતાનો ચુકાદો આપ્યો કે હંસલી ઉલ્લુની પત્નિ છે અને હંસે તત્કાલ આ પ્રદેશ છોડીને ભાગે જવું ફરી ક્યારેય આ પ્રદેશમાં ના આવવું.

હંસ અને હંસલી બંને ખુબ રડ્યા. હંસ જતો હતો કે પેલા ઉલ્લુએ એને ઉભો રાખ્યો અને કહ્યુ કે ભાઇ આ તારી પત્નિને સાથે લેતો જા મારે નથી જોઇતી. હંસ તો આ સાંભળીને આશ્વર્યમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે તો પછી તે આ બધી માથાકુટ કેમ કરી! ઉલ્લુએ કહ્યુ ભાઇ તમે કહેતા હતાને કે આ પ્રદેશ મારા જેવા ઉલ્લુઓને કારણે વેરાન અને ઉજ્જડ છે પણ એમ નથી વાસ્તવિકતા એ છે કે અમારું પંચ અમારા જેવા ઉલ્લુઓની તરફેણમાં જ ચુકાદાઓ આપે છે અને એટલે આ પ્રદેશ વેરાન વગડા જેવો છે.

મિત્રો છેલ્લા 67 વર્ષથી આ દેશ પણ સાવ ઉજ્જડ અને વેરાન વગડા જેવો બની ગયો છે. કારણકે અહિંયા ચુકાદાઓ ઉલ્લુઓની તરફેણમાં જ આપવામાં આવે છે. માત્ર વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ પણ સમજવી.

વંદે માતરમ........ભારત માતાકી જય..........