Monday 28 March 2016

ક્યારેક માણસે ધાર્યું હોય એથી તદ્દન ઊંધું બને ત્યારે એ હતાશામાં ડૂબીને બેસી રહે એના કરતા બમણા ઝનૂનથી પ્રયાસો શરૂ કરી દે તો એણે પોતે પણ કલ્પના ના કરી હોય એવી સફળતા તેને મળે છે! !!!!!!!

અમેરિકાના એક સ્ટેટમાં રહેતો યુવાન કલર્ક તરીકે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો. તે યુવાન બહુ મહેનતુ અને હોશિયાર હતો પણ તે ગરીબ કુટુંબમાંથી આવતો હતો. એટલે તેણે બહુ સાધારણ કપડાં પહેર્યાં હતાં. તેનો ઈન્ટરવ્યૂ લેનારા સાહેબોએ જાતભાતના સવાલ પૂછ્યા. યુવાને એ તમામ સવાલોના સંતોષકારક ઉત્તર આપ્યા. ઈન્ટરવ્યૂ પૂરો થયા પછી ઈન્ટરવ્યૂ લેનારાઓ પૈકી એક સાહેબે તેને કહ્યું, ‘ઠીક છે. અમે તમને ફોનથી જાણ કરી દઈશું કે તમને અમારી કંપનીમાં નોકરી આપવામાં આવી છે કે નહીં.

યુવાને ખચકાઈને કહ્યું, ‘પણ સાહેબ, મારા ઘરમાં ફોન નથી.

કંઈ વાંધો નહીં અમે તમને તમારા મોબાઈલ ફોન પર જાણ કરી દઈશું,’ એક વાચાળ અધિકારીએ કહ્યું, ‘પણ સાહેબ મારી પાસે તો મોબાઈલ ફોન પણ નથી,’ યુવાને કહ્યું.

ઈન્ટરવ્યૂ લેનારા અધિકારીઓએ એકસાથે કહ્યું, ‘સોરી. પણ અમે ઈચ્છીએ ત્યારે તમારો સંપર્ક ન કરી શકીએ તો તમને નોકરીએ રાખવાનો કોઈ અર્થ નથી.

એ યુવાને વીલા મોંએ ત્યાંથી નીકળી જવું પડ્યું, પરંતુ એ હિંમત હાર્યો નહીં. તેણે નોકરી ન મળે ત્યાં સુધી બીજી કોઈ પ્રવૃત્તિ કરવાનો વિચાર કર્યો. અને થોડા દિવસમાં એણે નાના પાયે ધંધો શરૂ કરી દીધો. તે ફેરિયા તરીકે સાઈકલ પર રોજિંદા ઉપયોગમાં લેવાતી જીવનોપયોગી ચીજવસ્તુઓ વેચવા નીકળી પડતો. સવારથી સાંજ સુધી તે જુદા જુદા વિસ્તારોમાં ફરતો રહેતો. એની મહેનત, સરળતા અને પ્રામાણિકતા અને સરળ સ્વભાવને લીધે થોડા સમયમાં તે જ્યાં જ્યાં ફરીને ચીજવસ્તુઓ વેચતો હતો ત્યાં એટલો લોકપ્રિય બની ગયો કે લોકોએ તેને સામે ચાલીને મદદની ઓફર કરી. યુવાને તેના ગ્રાહકોની સહાયથી એક નાનકડી દુકાન ભાડે લીધી અને ત્યાંથી ધંધો ચલાવવા માંડ્યો.

યુવાને પોતાના જેવા બે મહેનતુ અને સરળ સ્વભાવના બે માણસોને નોકરીએ રાખ્યા. તેણે તે કર્મચારીઓને કહ્યું કે, ‘હું આર્થિક રીતે સધ્ધર નથી કે તમને બંનેને ઊંચો પગાર આપી શકું. હું તમને પગાર ઓછો આપીશ, પણ તમે જે વસ્તુઓ વેચશો એના નફામાંથી હું તમને ત્રીજો ભાગ કમિશન તરીકે આપીશ’.

બંને કર્મચારીઓ વધુ કમિશન મેળવવાના આશયથી અને દુકાનદાર બનેલા યુવાનના પ્રોત્સાહનને કારણે ખંતથી કામ કરવા લાગ્યા. અને દુકાનદાર બની ગયેલા યુવાનની આવક ખાસ્સી વધી ગઈ. અગાઉ તે પોતે એકલો સાઈકલ પર સામાન વેચતો હતો. અને હવે તેના બે કર્મચારીઓ સાઈકલ ઉપર ફરીને ચીજવસ્તુઓ વેચતા હતા એટલે તેઓ નવા વિસ્તારો પણ આવરી લેતા હતા. એ ઉપરાંત ગ્રાહકો તેની દુકાને આવીને પણ ખરીદી કરી જતા હતા. આમ દિનપ્રતિદિન યુવાનનો ધંધો વિકસવા લાગ્યો. એ પછી તેના જ બે કર્મચારીઓ સાઈકલ પર ફરીને સામાન વેચતા હતા એમને યુવાને ભાગીદારી આપીને એમની બીજી દુકાન શરૂ કરાવી દીધી. અને તેમની જગ્યાએ નવા કર્મચારીઓને નોકરી પર રાખ્યા.

રીતે એ યુવાનની અનેક દુકાનો અને પછી શો-રૂમ્સ ખૂલવા માંડ્યા. પાંચેક વર્ષમાં તો તે યુવાનના અનેક શો-રૂમ્સ ધમધમતા થઈ ગયા. હવે તે યુવાન અત્યંત સફળ અને ધનાઢ્ય માણસ બની ગયો. તેને અનેક સમારંભોમાં અતિથિવિશેષ કે મુખ્ય મહેમાન કે ઉદ્ઘાટક તરીકે આમંત્રણ મળવા માંડ્યુ. જોકે તે બહુ ઓછા સમારંભોમાં હાજરી આપવા જતો હતો.

એક દિવસ એ યુવાનને એક સમારંભમાં પેલી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મળી ગયા જેમણે ફોન કે મોબાઈલ ન હોવાને કારણે આ યુવાનને નોકરી નહોતી આપી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી એ અધિકારીએ તેને કહ્યું કે આપણે સાથે મળીને કોઈ ધંધો વિકસાવીએ. વાસ્તવમાં એ કંપનીનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં હતાં એટલે આવા કોઠાસૂઝવાળા યુવાનની સાથે જોડાણ કરીને કંપનીને ફરી વાર સધ્ધર બનાવવાનો વિચાર એ મેનેજિંગ ડિરેક્ટરસાહેબના મનમાં રમી રહ્યો હતો. એમને તો આ યુવાનનો ચહેરો પણ યાદ નહોતો. અને તેમણે ક્યારેક એ યુવાનને નોકરી આપવાની ના પાડી હતી એ વાત પણ એમના દિમાગમાંથી નીકળી ગઈ હતી. પરંતુ, યુવાનને એ સજ્જનનો ચહેરો બરાબર યાદ હતો. જોકે એમ છતાંએ યુવાને મોકળા મનથી એ સજ્જન સાથે ધંધા વિશે વાત કરી.

છૂટાં પડતી વખતે એ સજ્જન એટલે કે મેનેજિંગ ડિરેક્ટરે યુવાન પાસે તેનો મોબાઈલ નંબર માગ્યો. પણ એ યુવાન મોબાઈલ નંબર રાખતો નહોતો. તેણે જીવનમાં ઘણો સંઘર્ષ જોયો હતો અને તેના કારણે તેણે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાનો નિયમ અપનાવ્યો હતો. એટલે તેણે નમ્રતાથી કહ્યું, ‘સાહેબ, હું મોબાઈલ ફોન વાપરતો જ નથી.

પેલા સજ્જન આશ્ર્ચર્યચકિત થઈ ગયા. તેમણે યુવાનને કહ્યું કે, ‘ભલા માણસ મોબાઈલ વિના તમે આટલી સફળતા મેળવી શક્યા છો તો વિચારો કે તમારી પાસે મોબાઈલ ફોન હોત તો તમે આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત!

તો હું મામૂલી કારકુન તરીકે આપની કંપનીમાં નોકરી કરતો હોત!યુવાને સરળતાથી જવાબ આપ્યો. ક્યારેક માણસે ધાર્યું હોય એથી તદ્દન ઊંધું બને ત્યારે એ હતાશામાં ડૂબીને બેસી રહે એના કરતા બમણા ઝનૂનથી પ્રયાસો શરૂ કરી દે તો એણે પોતે પણ કલ્પના ના કરી હોય એવી સફળતા તેને મળે છે! !!!!!!!

Thursday 24 March 2016

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે..............!!!!!!!!!!!

16-17 વર્ષની ઉંમરનો એક ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના આ લાડકવાયા દિકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દિકરાને એનો બાપ પોતાની બાંહોમાં ઉપાડીને ડોકટર પાસે લાવ્યા. આ છોકરાને તપાસ્યા બાદ ડોકટરો અંગ્રેજીમાં અંદરોઅંદર વાત કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળે એ પહેલા જ એના પિતાએ ડોકટરને વાત કરતા અટકાવ્યા.છોકરો પણ હોશિયાર હતો અને અંગ્રેજી સારુ જાણતો હતો એટલે ડોકટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા બાપને સમજતા વાર ન લાગી કે દિકરાને પણ સમજાઇ ગયુ છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દિકરાને એટલું કહ્યુ કે બેટા તારી મમ્મીને આ વાતની ખબર ન પડવા દેતો.છોકરાએ એના પપ્પાને હિંમત આપતા એટલું જ કહ્યુ કે પપ્પા ચિંતા ના કરશો મમ્મીને આ બાબતે કંઇ જ ખબર નહિ પડે.
છોકરાને હોસ્પિટલથીઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબધ ધરાવતા એક ડોકટરને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર છોકરાને રુબરુ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઇને પુછ્યુ , " બેટા , જીવવું છે ? "

છોકરાએ આંખમાં આંસું સાથે જવાબ આપ્યો , " હા અંકલ , બહુ જ ઇચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઇ છોકરીએ મારા હદય રૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઇચ્છા છે. "

ડોકટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ , " બેટા , જો તારી જીવવાની ઇચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યું સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમા જીતીશું " ડોકટર પોતાના ઘેરથી વીસીઆર અને કેટલીક વિડીયો કેસેટ લઇ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ પ્રકારની આ કેસેટો હતી. ક્યારેક ડોકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે જો બેટા આ ફિલ્મના આ પાત્રને કેટલું દુખ પડે છે પણ એ કોઇ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.

જીંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફુંક્યા.ડોકટરોના તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દુર ઠેલતો રહ્યો. રીલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. અને પ્રેમના ફળ સ્વરૂપે એક દિકરી અને એક દિકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું.

આજે આ યુવાન 42 વર્ષનો છે અને રિલાયન્સની નોકરી છોડીને નાણાકિય સલાહકાર તરિકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારિરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે. અને છતાય આ યુવાન મોજથી જીંદગી જીવે છે કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર.

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના રહેવાસી અને હાલમાં રાજકોટ ઇન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને જીંદગીની જંગ લડવામાં સહાય કરનાર પેલા ડોકટર એટલે ડો. આઇ. કે. વિજળીવાલા.

Wednesday 23 March 2016

માનવતાનો મસિહા છે આ માણસ.......

એક યુવાન એના વૃધ્ધ માતા- પિતાને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે ગયો. આ યુવાન ખુબ ભણેલો ગણેલો અને સુખી સમૃધ્ધ હતો. એના પિતાજીએ પોતાની તમામ સંપતિ આ દિકરાના નામે કરી દીધી હતી. દિકરાને એના બાળપણમાં ખુબ લાડ લડાવેલા એટલે વૃધ્ધાવસ્થામાં દિકરો પણ લાડલડાવશે એવી એના મા-બાપને દિકરા પાસે અપેક્ષા હતી. એકના એક દિકરાના લગ્ન પણ ખુબ જ ધામધૂમથી કર્યા હતા પરંતું એ જ દિકરો અને એની વહુને હવે બા-બાપુજીની ઘરમાં સતત હાજરી ખૂંચતી હતી એટલે એમને વૃધ્ધાશ્રમમાં મુકવા માટેનું નક્કી કર્યુ. માતા-પિતાએ દિકરાની વાત કોઇ જાતની આનાકાની વગર સ્વિકારી લીધી એટલે આજે દિકરો એમની પત્નિ સાથે બા-બાપુજીને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે આવ્યો હતો. વૃધ્ધાશ્રમમાં આવીને દિકરો તથા એની વહુ મેનેજરની ઓફીસમાં ગયા અને બા-બાપુજી ઓફીસની બહાર બેઠા. આશ્રમમાં રહેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને દિકરો-વહુ હરખાતા હરખાતા મેનેજરની સાથે એની ઓફીસ બહાર આવ્યા. યુવાનના માતા-પિતા નીચુ માથુ રાખીને બેઠા હતા. મેનેજરે બહાર આવીને એમને જોયા એટલે મેનેજરે તુંરત જ કહ્યુ, " શેઠસાહેબ આપ અહીંયા ? " દિકરાએ આ સાંભળ્યુ એટલે એણે મેનેજરને પુછ્યુ, " તમે બાપુજીને ઓળખો છો ? " મેનેજરે આંખમાં આંસુ સાથે કહ્યુ, " આ માણસને કોણ ના ઓળખે. માનવતાનો મસિહા છે આ માણસ. વર્ષો પહેલા એક અનાથાશ્રમમાં બાળકને દતક લેવા આવેલા. હું તે સમયે ત્યાં મેનેજર હતો. અમારા અનાથાશ્રમનો એક બાળક અનેક પ્રકારના રોગથી પીડાતો હતો. આ ભલા માણસ બીજા સારા છોકરાને દતક લેવાને બદલે પેલા રોગીષ્ઠ છોકરાને દતક તરીકે લઇ ગયા હતા. એ છોકરાની સારવાર પાછળ એણે લાખો રૂપિયા ખર્ચી નાખ્યાં અને છોકરાને રોગમુક્ત કર્યો. એણે એ છોકરાને ક્યારેય એ જાણ થવા નથી દીધી કે એને અનાથાશ્રમમાંથી દતક લાવવામાં આવ્યો છે. વાત સાંભળીને યુવાનનું માથું શરમથી ઝુકી ગયું. મિત્રો, આપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા. આપણા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનાર માતા-પિતાને દુ:ખ ન પહોંચે એની તકેદારી રાખીએ કારણકે એમના ત્યાગની એવી ઘણીવાતો છે જે એ પેટમાં રાખીને બેઠા છે.

Saturday 19 March 2016

કોઇપણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડુ એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુ:ખદ હશે.

એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે. એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.પેલા બહેનને આ કંઇ સમજાયુ નહી.

બીજા દિવસે ભિખારી પાછો આવ્યો. પેલી સ્ત્રી રોટલી મુકે તેની રાહ જોઇને બેઠો જેવી રોટલી મુકી કે ફટાક દઇને ઉઠાવી લીધી અને બોલ્યો જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.પેલી સ્ત્રી વિચારવા લાગી કે એણે મારો આભાર માનવો જોઇએ કે કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ એને બદલે એ તો રોજ એક સરખો ઉપદેશ આપે છે.

હવે તો આ રોજનો ક્રમ બની ગયો. જેવી રોટલી બારી પર મુકાય કે ભિખારી એ ઉઠાવીને ચાલતી પકડે. પેલી સ્ત્રીને હવે ગુસ્સો આવ્યો. રોજ મારી રોટલી લઇ જાય છે પણ આભારના બે શબ્દો પણ બોલતો નથી. એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી પર ઝેર ચોપડીને બારી પાસે મુકવા ગઇ. ભિખારી ત્યાં રાહ જોઇને બેઠો જ હતો. રોટલી બારી પર મુકતા એ સ્ત્રીનો જીવ ન ચાલ્યો એણે ઝેરવાળી રોટલીને ચુલામાં નાખીને સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બહાર મુકી જે લઇને ભિખારીએ ચાલતી પકડી.

થોડા સમય પછી કોઇએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો. એણે દરવાજો ખોલ્યો તો એ ફાટી આંખે સામે ઉભેલી વ્યક્તિને જોઇ જ રહી. ઘણા સમય પહેલા ઘર છોડીને જતો રહેલો એનો યુવાન દિકરો સામે ઉભો હતો. ભિખારી કરતા પણ ખરાબ હાલત હતી. આખુ શરિર ધ્રુજતું હતું. સ્ત્રી તો પોતાના દિકરાને ભેટીને રડી જ પડી.

છોકરાએ કહ્યુ , “ હું ઘણા દિવસનો ભુખ્યો હતો. માંડ માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો. વધુ ચાલવાની મારી કોઇ જ ક્ષમતા ન હતી. હું બેભાન જેવી અવસ્થામાં પડેલો હતો. ત્યારે ત્યાંથી એક ભિખારી પસાર થયો એના હાથમાં એક રોટલી હતી. હું ટીકી ટીકીને એ રોટલી જોવા લાગ્યો. ભિખારીએ રોટલી મને આપી અને કહ્યુ , “ હું રોજ આ રોટલી ખાઉં છું પણ આજે મારા કરતા આ રોટલીની તને વધારે જરૂર છે. માટે તું ખાઇ જા.

પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઇ પડી. અરે મારા પ્રભુ ! આજે ગુસ્સામાં ને ગુસ્સામાં ઝેરવાળી રોટલી એ ભિખારીને આપી હોત તો ?........હવે મને સમજાય છે એ જે બોલતો હતો તે બિલકુલ સાચુ હતુ.

કોઇપણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડુ એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુ:ખદ હશે.

'તથાસ્તુ' ભગવાનના આશીર્વાદ

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, " બેટા, મને તારી નોટબુક અને  પેન જોઇએ છે." છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " બેટા, આજે મારે ત્યાં  બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી પારંપરિક માન્યતાઓ પ્રમાણે આજે વિધાતા બાળકના લેખ લખવા માટે આવશે અને એ માટે વિધાતાને કાગળ અને કલમની જરૂર પડે. છોકરાને સમજાય ગયુ કે ભગવાન પહેલેથી જ દરેક માણસનું ભવિષ્ય લખી નાંખે છે. એકદિવસ આ બાળકને સપનું આવ્યુ અને સપનામાં એ ભગવાન પાસે પહોંચી ગયો. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો ? " ભગવાને હસતા હસતા કહ્યુ, " બેટા, તે જે સાંભળ્યુ છે એ સાચુ જ છે. હું માણસના જન્મના છઠ્ઠા દિવસે જ એનુંભવિષ્ય લખી નાંખું છું." બાળકે ભગવાનને કહ્યુ, " પ્રભુ, મારે એ ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે જેમાં તમે દરેક બાળકનું ભવિષ્ય લખો છો."ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાંલઇ ગયા જ્યાં અનેક ચોપડાઓ હતા. ભગવાને કહ્યુ, " આ બધા જ ચોપડા ધરતી પરના માણસના ભવિષ્યના ચોપડાઓ છે તારે જે જોવો હોય એ લઇને તું જોઇ શકે છે." બાળકે એક ચોપડો ઉપાડ્યો. ચોપડામાં જુદા-જુદા માણસના નામ લખેલા હતા પરંતું નામ પછી આખુ પાનું કોરુ જ હતું.  બાળકે બીજો ચોપડો ઉપાડ્યો તો એમાં પણ એમ જ હતું. દરેક પાના પર માણસનું નામ  લખેલુ પણ ભવિષ્ય સાવ કોરું. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આ ચોપડાઓમાં તો આપે કોઇનું ભવિષ્ય લખેલું જ નથી, પાનાઓ સાવ કોરા છે. " ભગવાને બાળકના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યુ, " બેટા, હું છઠ્ઠના દિવસે ભવિષ્યના ચોપડામાં વાંચી ન શકાય  એવી શાહીથી માત્ર એક જ શબ્દ લખુ છું તથાસ્તુ' બાકીના કોરા પાનામાં શું લખવું છે એ દરેક માણસે પોતે જ નક્કી કરી લેવાનું. હું તો માત્ર એ જે લખશે એ જ એનું ભવિષ્ય બનશે એવા આશીર્વાદ જ આપુ છું." મિત્રો, ભગવાનના આશીર્વાદ તો જન્મના છઠ્ઠા દિવસથી જ આપણી સાથે છે આપણે શું જોઇએ છે એ આપણે જ નક્કી કરવાનું છે.

દીકરી નો ભાર.....

નાનકડા એક ગામમાં એક બાપ-માં અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ એક ટંક નું ભોજન મેળવી ગુજરાન કરતુ હતું. સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ ? તે પ્રશ્નને પોતાના લલાટ માં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા.



એક દિવસની વાત છે. છોકરીની માતા ખુબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે. એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબી ની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું..??? બાપ પણ વિચારમાં પડ્યો. બંને એ હદય પર પત્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને દાટી દઈએ.



બીજા દિવસનો સુરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરી ને સરસ નવડાવી, માથા માં તેલ નાંખી આપ્યું વારંવાર તેની આલિંગન આપી ચુમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું :- માં, મને ક્યાંક દુર મોકલે છે કે શું ??? નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી. માતા ચુપ થઇ માત્ર રડવા લાગી. તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઇ આવ્યા. માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તા માં ચાલતા ચાલતા તેના પિતાના પગ માં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઇ ગઈ. એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરુ કર્યું. દીકરી સામે બેસી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લુછી આપ્યો. બાપે ધક્કો મારી તેને દુર બેસવા કહ્યું. ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતાં બોલી :- પિતાજી તમે આરામ કરો હું તમને ખાડો ખોદવા માં મદદ કરું. મારા થી તમારું દુ:ખ જોવાતું નથી. આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઇ લીધી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યો. તેનું હદય પરિવર્તન થયું. તે બોલ્યો :- દીકરા, મને માફ કરી દે, ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ??? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ થી કરાવીશ. ત્યાર બાદ માં-બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા. અને સમય આવ્યે દીકરીના ધામ-ધૂમ થી લગ્ન પણ થઇ ગયા..