Saturday 15 September 2018

કવિ બોટાદકરનું એક પ્રસિધ્ધ કાવ્ય છે, “જનની જોડ સખી નહી જડે રે લોલ...” માતાના સંતાન પરના અદભૂત પ્રેમનું વર્ણન આ કાવ્યમાં કર્યુ છે. હવે જરા કલ્પના કરો કે આવી અનંત માતાઓ સાથે મળે તો બાળકને કેટલો પ્રેમ કરે ? પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અનંત માતાઓ જેવુ છે. આ માત્ર લખવા માટે લખેલા શબ્દો નથી મારા સહિત અનેક લોકોએ અનુભવેલી વાત છે. એક માતા જેટલી ઝીણવટથી એના સંતાનની સંભાળ ન રાખી શકે એથી અધિક ઝીણવટ સાથે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે અનેકની સાર સંભાળ રાખી છે.
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ એક વખત ઉકાઇ છાત્રાલયની મુલાકાતે ગયેલા. ઉકાઇમાં આદીવાસી વિસ્તારના બાળકો માટે શાળા અને છાત્રાલયની વયવસ્થા બીએપીએસ સંસ્થાએ ઉભી કરી છે. સામાન્ય આદીવાસી બાળક પણ ભણીગણીને સમાજમાં ગૌરવ સાથે ઉભો રહી શકે એવી સ્વાજીની એમ હતી. આ છત્રાલયમાં રહેલા કોઇ બાળક પાસે કોઇ પ્રકારની ફી લેવામાં નથી આવતી. મુલાકાત વખતે સ્વામીજીએ વ્યવસ્થાપકોને પુછ્યુ, “સવારે નાસ્તામાં બાળકોને દુધ આપો છો?” વ્યવસ્થાપકોએ કહ્યુ, “બાપા, પાઉડરમાંથી તૈયાર કરેલું દુધ નાસ્તામાં આપીએ છીએ.” આદીવાસી વિસ્તારના આ બાળકો માટે તો પાઉડરનું દુધ પણ મોટી વાત હતી પરંતું સ્વામીજીએ તુરંત જ ટકોર કરતા કહ્યુ, “બાળકો નાના છે. એમને પાઉડરનું દુધ ન ભાવે. એમના માટે જ્યાંથી પણ થઇ શકે ત્યાંથી દુધની વ્યવસ્થા કરો. ખર્ચાની બાબતની કોઇ ચીંતા ના કરશો એ તો અમે ઝોળી માંગી લઇશું પણ બાળકોને પાઉડરના દુધને બદલે સાચુ દૂધ આપો.”
આટલી સુચના આપીને સ્વામીજી છાત્રાલય જોવા માટે પધાર્યા. શીયાળો આવતો હોવાથી વિદ્યાર્થીઓને ઓઢવા માટે ધાબળા ખરીદેલા હતા. ઉનમાંથી બનાવેલા આ ધાબળા સ્વામીજીએ હાથમાં લઇને જોયા પછી વ્યવસ્થાપકને સુચના આપતા કહ્યુ, “ધાબળા બહુ જ સારા લાવ્યા છો. ઠંડીને નજીક આવવા જ ના દે એવા સરસ ધાબળા છે પરંતું આ બાળકો સાવ નાના છે એટલે એની ચામડી પણ ખુબ સુવાળી હોય. જો બાળકો આમ જ ધાબળા ઓઢે તો ધાબળાની બરછટ ઉન એની સુવાળી ચામડીને વાગે અને કરડ્યા કરે. બધા ધાબળા માટે કાપડના કવર કરાવી દો એટલે બાળકોને ઠંડીથી રક્ષણ મળે અને ઉન પણ ન વાગે”. બાળકોની આટલી ઝીણવટ ભરી સંભાળ રાખવાનું સ્વામીજી સિવાય બીજા કોને સુઝે ?
બાળકની જેમ વૃધ્ધોનું પણ એટલું જ ધ્યાન રાખે. રાજકોટના શાંતિલાલ જાદવજી છનિયારાના નામના એક હરિભક્ત દરવર્ષે નિયમિત રીતે અન્નકુટ ઉત્સવ માટે ગોંડલ ખાતેના અક્ષરમંદિરે આવે. જ્યારે અન્નકુટ ઉત્સવની પૂજન વિધી અને આરતી થાય ત્યારે છનીયારા કાકા પણ આ પૂજન આરતીના પ્રત્યક્ષ દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગમાં બેસે. મંદિરના અંદરના ભાગમાં ઘુમટ નીચે સંકડાશ ખુબ પડે એટલે મર્યાદીત લોકોને જ આ જગ્યાએ બેસવા માટેનો લાભ મળી શકતો. એકવર્ષે એવું થયુ કે મહાનુભાવોની સંખ્યા વધુ હશે એટલે છનિયારા કાકાને બેસવા માટેની જગ્યા ન મળી. સ્વામીજી જ્યારે પૂજનવિધી માટે આવ્યા ત્યારે એમણે ચારે તરફ નજર ફેરવી એમાં એની ચકોર નજર પારખી ગઇ કે છનિયારાકાકા આજે પુજનમાં નથી. ભીડને કારણે એને પ્રવેશ નહી મળ્યો હોય એ પણ સ્વામીજી સમજી ગયા.
સ્વામીજીએ બીજા કોઇને આ બાબતે કોઇ વાત ન કરી. પૂજનવિધી અને આરતી પુરી થઇ એટલે મંદીરમાંથી નીચે ઉતરતી વખતે સ્વામીએ સંતોને છનીયારા કાકાને શોધી લાવવા સુચના આપી. થોડી મીનીટોમાં છનીયારાકાકા આવી ગયા. સ્વામીબાપા એની રાહ જોઇ રહ્યા હતા. સ્વામીજીએ બે હાથ જોડીને છનીયારા કાકાની માફી માંગતા કહ્યુ, “આ વખતે વધુ માણસો હોવાથી સંતો આપને ઉપર પૂજનવિધીમાં બેસાડી શક્યા નથી. આપ દર વર્ષે બેસો છો પણ આ વખતે અમે આપની વ્યવસ્થા નથી કરી શક્યા તો અમને માફ કરજો. પૂજન વખતે ભગવાનને ખાસ આપના માટે પ્રાર્થના કરી છે અને આપના માટે હું સાચવીને પ્રસાદીના ફુલ પણ લાવ્યો છું.” આટલુ કહીને પ્રસાદીના હાથમાં રાખેલા ફુલ સ્વામીજીએ છનીયારા કાકાના હાથમાં મુકી દીધા. છનીયારા કાકા પાસે બોલવા માટે કોઇ શબ્દો જ નહોતા, સ્વામીજીનો માથી અધિક પ્રેમ જોઇને એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
1988ની સાલમાં સ્વામીબાપા લંડનમાં હતા ત્યારે નટુભાઇ નામના એક હરીભક્ત નિયમિત રીતે સ્વામીજીના દર્શન કરવા માટે આવતા. એકદિવસ સ્વામીજી જમતા હતા. એમણે નટુભાઇને પાછળ બેઠેલા જોયા એટલે સેવામાં રહેલા બ્રહ્મતીર્થ સ્વામીને કહ્યુ, “જો પાછળ પેલા ચશ્માવાળા હરિભકત બેઠા છે એને પ્રસાદ આપી આવો.” સ્વામીજીનો આદેશ થતા બ્રહ્મતીર્થ સ્વામીએ પાછળ જોયુ અને હરીભક્તને પ્રસાદ આપવા માટે થાળમાંથી મીઠાઇ લેવા માટે હાથ લંબાવ્યો. સ્વામીજીએ તુરંત એમને અટકાવ્યા અને કહ્યુ, “એમને ડાયાબીટીસ છે એટલે મીઠાઇનો પ્રસાદ નહી, ફરસાણનો પ્રસાદ આપો.” લાખોની સંખ્યામાં હરીભક્તો છે પરંતું ક્યા હરીભક્તને કેવા પ્રકારની તકલીફ છે એની સ્વામીજીને ખબર છે.
લાલકૃષ્ણ અડવાણી એકવખત સ્વામીજીને મળવા માટે આવવાના હતા. એમના માટે પ્રસાદની વ્યવસ્થા કરવાની હતી. સ્વામીજીએ વ્યવસ્થા કરનાર સંતને આદેશ આપ્યો કે પ્રસાદના ટુકડા બહુ મોટા નહી કરતા, નાના ટકડા રાખજો. કોઇએ વળી દલીલ કરી ‘બાપા, સાવ નાના ટુકડા રાખીએ તો સારુ ન લાગે.” સ્વામીજીએ કહ્યુ, “તમારી વાત સાચી છે પણ અડવાણી સાહેબનું મોઢું બહુ ખુલતું નથી એટલે મોટો ટુકડો એના મોઢામાં નહી જાય તો નાનો ટુકડો હોય તો સરળતાથી એ મોઢામાં મુકી શકે. જરા કલ્પના તો કરો કે કોનું મોઢું કેટલુ ખુલે છે એની પણ એને ખબર છે.
પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત કે ગરીબ તવંગર એવુ કંઇ જોયા વગર અનેક લોકોને અનહદ પ્રેમ આપ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ જગતમાંથી વિદાય લીધી એને આજે 2 વર્ષ પૂર્ણ થયા. પ્રમુખસ્વામી મહારાજે ભૌતિક દેહ થકી ભલે આ જગતમાંથી વિદાય લીધી પરંતું એના જીવન અને કાર્યો અનંતકાળ સુધી લોકોને સદમાર્ગે ચાલવાની અને જીવમાત્રને પ્રેમ કરવાની પ્રેરણા આપતા રહેશે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે એમના જેવા જ પ્રેમાળ અને વાત્સલ્યમૂર્તિ સત્પુરુષ પ.પૂ.મહંતસ્વામી મહારાજની ભેટ આપીને એમનો ખાલીપો ભરી આપ્યો છે.

No comments: