Thursday, 4 February 2016

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે....

આ લેખ વાંચતા માત્ર 37 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે ..

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી

બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….

એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.

બારી પાસેનો પલંગ ખાલી પડયો!

થોડા દિવસો પછીબીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?

.

.

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!

ઉપસંહાર:

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી

અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!

આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present” કહેવાય છે.

જો જવાબ હા હોઇ તો આપણને પણ નિશાન પાર પાડવાની ચાવી મળી ગઇ છે.

પશ્ચિમના કોઇ દેશમાંથી એક યુવાન બાણવિદ્યા શિખવા માટે ભારત આવ્યો. ભારતના બાણવિદ્યાના નામાંકિત શિક્ષકનો એણે સંપર્ક કર્યો અને કહ્યુ કે મારે આપની પાસેથી બાણવિદ્યા શિખવી છે. પેલા શિક્ષકે આ યુવાનને એટલું જ કહ્યુ કે બાણવિદ્યા શિખવા માટે સૌથી મહત્વની બાબત નિરિક્ષણ છે. હું વિદ્યાર્થીઓને શિખવી રહ્યો છું તું નિરિક્ષણ કર.

ગુરુજી રોજ પોતાના વિદ્યાર્થીઓને બાણવિદ્યા શિખવે અને આ પશ્ચિમમાંથી આવેલો યુવાન એ ધ્યાનથી જુવે. ધીમે ધીમે એને સમજાવા લાગ્યુ કે બાણ કેમ ચડાવવાનું , પણછ કેમ ખેંચવાની, ક્યાં સુધી ખેંચવાની, વગેરે. એણે પોતે હવે નિશાનને પાર પાડવા માટે પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો. ગુરુજીએ માત્ર એટલું જ કહ્યુ કે બેટા હજુ વધુ નિરિક્ષણ કરવાની જરુર છે.

યુવાન વધુ પ્રેકટીસ કરવા લાગ્યો અને એક દિવસ એણે નિશાન પાર પાડ્યુ એ તો એકદમ રાજી થઇ ગયો અને નાચવા કુદવા લાગ્યો. ગુરુજી પાસે જઇને કહ્યુ કે મને હવે બાણવિદ્યા આવડ ગઇ છે હું નિશાન પાર પાડી શકુ છું. ગુરુજી એ કહ્યુ કે ચાલ મને પ્રેકટીકલ કરીને બતાવ એમ કહીને ગુરુજીએ નિશાન જે જગ્યાએ હતું તે બદલ્યુ. પેલા યુવાને હાથમાં બાણ લીધુ અને નિશાન તાકતો હતો ત્યાં જ ગુરુજી બોલ્યા કે તને બાણવિદ્યા આવડતી જ નથી હજું તું નિરિક્ષણથી કંઇ જ શિખ્યો નથી.

યુવાન મુંઝાયો કે હજુ તો મે નિશાન પાર પાડ્યુ પણ નથી ત્યાં તો ગુરુજીએ એમ પણ કહી દીધુ કે તને બાણવિદ્યા આવડતી પણ નથી. એણે નિશાન તાક્યુ પણ તીર નિશાના પર ના લાગ્યું. એ વિચારમાં પડી ગયો કે બાકીના બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે નિશાન પાર પાડી શકે છે મારાથી જ કેમ નથી થતું ? એણે વધુ એકાગ્રતા સાથે નિશાન તાકી રહેલા ગુરુજી અને અન્ય વિદ્યાર્થીઓનું નિરિક્ષણ કરવાનું નક્કી કર્યુ.

થોડા સમય બાદના એકાગ્રતાપૂર્વકના નિરિક્ષણથી એને સમજાઇ ગયુ કે એ લોકો શા માટે નિશાન તાકવામાં સફળ જાય છે. યુવાને ગુરુજીને કહ્યુ કે હવે મને પણ સમજાઇ ગયુ છે અને હું પણ નિશાન તાકી શકીશ. ગુરુજીએ એને નિશાન તાકવા માટે કહ્યુ. યુવાને હાથમાં બાણ લીધુ અને નિશાન તાક્યુ ત્યાં જ ગુરુજી બોલ્યા , “ સાબાસ , બેટા હવે તને બાણવિદ્યા આવડી ગઇ છે.એ યુવાનને હવે સમજાયુ કે નિશાન તાકતી વખતે સૌથી મહત્વનું તમે કેવા રીલેક્સ છો એ છે જો તમે ચિંતામુક્ત બનીને રીલેક્સ મુડમાં નિશાન તાકો તો ચોક્કસ તે નિશાન પાર પડે જ એમા શંકાને કોઇ સ્થાન નથી.

મિત્રો, આપણે પણ આપણા જીવનમાં ઘણાબધા નિશાન તાકવાના છે. આ નિશાન તાકતી વખતેનું વાતાવરણ કેવું છે એ મહત્વનું છે. જ્યારે જીવનના આ ધ્યેયોને પાર પાડવા માટેના પ્રયાસો કરીએ ત્યારે આપણે શાંત અને ચિંતામુકત બની શકીએ છીએ ? જો જવાબ હા હોઇ તો આપણને પણ નિશાન પાર પાડવાની ચાવી મળી ગઇ છે.

 

કોઇનું કંઇ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.

એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશિષ્ટ પ્રકારની હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું. સરોવરની બરાબર વચ્ચે એક વર્ષો જુનો થાંભલો હતો. સતત ઝરમર વરસાદને કારણે આ થાંભલા પર લીલ બાઝી ગઇ હતી અને એકદમ ચીકણો થઇ ગયો હતો. સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલાની ટોચ પર પહોંચવાનું હતું.

આ સ્પર્ધામાં ઘણાબધા દેડકાઓએ ભાગ લીધો. હરીફાઇનો દિવસ પણ આવી ગયો. સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકાઓ થાંભલાની ટોચે પહોંચવા માટે થનગની રહ્યા હતા. દેડકાઓની આ હરીફાઇ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓએ અંદરો અંદર વાતો ચાલું કરી.

આ રેસ જીતવી શક્ય જ નથી.
થાંભલો એટલો ચીકણો થઇ ગયો છે કે ટોચ પર કોઇ નહી પહોંચી શકે
જો થોડે ઉંચે જઇને નીચે પડશે તો તો રામ રમી જાશે

ભાગ લેનારા દેડકાઓ આ સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળીને થોડાએ તો રેસમાં ભાગ લેવાનું માંડી જ વાળ્યું. જેઁમણે ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચઢ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા. એકત્ર થયેલા દેડકાઓ સહીતના બધાજ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુવો અમે કહેતા જ હતા કે આ શક્ય નથી તો પણ ચડ્યા તો પડ્યાને હેઠા. કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચઢ્વાનું માંડી વાળ્યું.

એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતા ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો. એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા. પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતા એણે ચાલું રાખેલા પ્રયાસોના કારણે એ થાંભલાની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો.

જ્યારે એને શિલ્ડ આપવામાં આવ્યુ ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી પત્રકારોએ એની માને પુછ્યુ કે વારંવાર નિષ્ફળ જવા છતા એ ઉપર ચડવાના પ્રયાસ કરતો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતા એ કેમ કોઇની વાત માનતો નહોતો ? દેડકાની માં એ હસતા હસતા કહ્યુ કે એ ક્યાંથી કોઇનું માને કારણકે એ તો બેરો છે એને કંઇ સંભળાતું જ નથી.

મિત્રો, કોઇ કાર્ય હાથમાં લઇએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઇશું પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઇનું કંઇ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.

કર્તવ્યનિષ્ઠા

આજે એક કર્મવિર વ્યક્તિની વાત આપને કરવી છે.

મારી રાજકોટની ઓફિસમાં પટાવાળા તરીકે એક ભાઇ ફરજ બજાવતા હતા એનું નામ ઇસુબ યુનુસ કુરેશી. એક સાચો મુસ્લીમ બીરાદર. માત્ર પટાવાળા જેવા સામાન્ય હોદા પર હોવા છતા કર્તવ્યપાલનની એની રીત સૌને એક નવી પ્રેરણા આપે.

પટાવાળાના કામ ઉપરાંત કે અમારી હોસ્ટેલની દેખરેખ રાખે. નિયમિત રીતે બેડસીટ અને ઓસીકાના કવર બદલાવીએ એને ધોવાની વ્યવસ્થા કરે. અને આ બધુ જ કામ એના ફરજ ઉપરાંતના સમયમાં કરે. રજાનો દિવસ હોય તો પણ કુરેશી એક વાર તો ઓફિસમાં આવે જ કારણકે માછલીઘરના માછલાઓને નિયમિત ખોરાક આપવાની જવાબદારી પણ એને સ્વેચ્છાએ સંભાળેલી.

મારી ઓફીસ સાંજે 5.10 વાગે પુરી થાય પરંતું હું રોજ 7 વાગ્યા સુધી બેસુ કારણકે માર્ગદર્શન માટે આવતા વિદ્યાર્થીઓને હું 5.10 પછી જ બોલાવું જેથી ઓફિસના કામમાં ડીસ્ટર્બના થાય. હું 7 વાગ્યા સુધી બેસુ કે 8 વાગ્યા સુધી બેસુ કુરેશી પણ બેઠો જ હોય હું એને જતા રહેવાનું કહું પણ એ જાય નહી અને મળવા આવનાર બધાને હું ન કહું તો પણ પ્રેમથી પાણી પીવડાવે.

કુરેશી મળવા આવનારા વિદ્યાર્થીઓ કે મુલાકાતીઓનું પણ ખુબ ધ્યાન રાખે. જો હું ક્યાંય બહાર જાવ તો બધુ જ પુછી લે કે ક્યારે પાછા આવશો ? કોઇ મળવા આવે તો એને શું જવાબ આપુ ? અરે ત્યાં સુધી કે કોઇને તકલીફ ન પડે એટલે પોતાનો મોબાઇલ નંબર એને આપે અને કહે કે તમે આવો એ પહેલા મને આ નંબર પર ફોન કરજો એટલે સાહેબ હાજર છે કે કેમ એ હું તમને કહી શકું.

સામાન્ય પટાવાળા હોવા છતા મુસ્લીમધર્મના દરેક તહેવાર વખતે એ પોતાનાથી બનતી બધી જ મદદ બીજાને કરે. રમઝાન દરમ્યાન રોજ પોતાની ઘરેથી શરબત બનાવીને બધા માટે લઇ જાય. દિવાળી પછી મેં મારી ઓફીસના બધા જ કર્મચારીઓને સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામીના ફોટા વાળું કેલેન્ડર આપ્યું પણ કુરેશીને ન આપ્યું કારણકે એના ધર્મના સિધ્ધાંત પ્રમાણે મૂર્તીપૂજાનો નિષેધ છે. એણે સામેથી મારી પાસેથી કેલેંડર માંગ્યુ. મેં એને આપતી વખતે પુછ્યુ કે તું મુસ્લીમ છો તો તમારા ઘરમાં યોગ્ય ન લાગે માટે મે નહોતું આપ્યું. એણે મને જવાબ આપ્યો કે સાહેબ હું તમારા ભગવાનમાં અને ફકિરમાં મારા અલ્લાહના દિદાર કરીશ.

આ બધુ એટલા માટે લખું છું કારણ કે કુરેશી આજે નથી રહ્યો. જન્માષ્ટમીના દિવસે જ થયેલા એક્સીડેંટમાં એનું અવસાન થયું છે.અલ્લાહ એને જન્નતનું સુખ આપે એમ નહી કહું કારણ કે એના કર્મો જ એવા હતા કે અલ્લાએ એ માણસને પોતાના સાનિધ્યનું સુખ આપવું જ પડશે.
પ્રભુને એટલી જ પ્રાર્થના કે એના જેવી કર્તવ્યનિષ્ઠા મને પણ આપે........................

જીવનની જરુરી અને બિનજરુરી બાબતો.........

બિમારીમાં પટકાયેલી એક સ્ત્રીને તપાસવા માટે એક ડોકટરને વિઝીટ પર બોલાવવામાં આવ્યા. ડોકટર આ સ્ત્રીના ઘેર આવ્યા અને જે રૂમમાં સ્ત્રી આરામ કરી રહી હતી તે રૂમમાં ગયા. પેલી સ્ત્રીના પતિને થોડી વાર માટે બહાર બેસવાનું કહ્યુ એટલે એનો પતિ બહાર બેસીને રાહ જોઇ રહ્યો હતો.

થોડીવાર પછી ડોકટર રૂમની બહાર આવ્યા અને પુછ્યુ , " ભાઇ , તમારા ઘરમાં સ્ક્રુડ્રાઇવર હોઇ તો આપોને ? " એ સ્ત્રીના પતિ દોડતા જઇને સ્ક્રુડ્રાઇવર લઇ આવ્યા અને ડોકટરને આપ્યુ એટલે ડોકટર એ લઇને રૂમમાં જતા રહ્યા.

થોડીવાર પછી ડોકટર ફરીથી રૂમમાંથી બહાર આવ્યા અને પેલા બહાર બેઠેલા ભાઇને પુછ્યુ, " ભાઇ, તમારા ઘરમાં નાની હથોડી છે ? " એ ભાઇ હથોડી પણ લાવ્યો અને ડોકટરને આપી. ડોકટર તો હથોડી લઇને રુમમાં જતા રહ્યા. પેલા ભાઇ એકદમ ચિંતામાં પડી ગયા.

થોડીવાર પછી ડોકટર પાછા રૂમમાંથી બહાર આવ્યા. આ વખતે તો એ પરસેવે રેબઝેબ હતા. બહાર આવીને તુંરત જ કહ્યુ , " મને પક્ક્ડ અને સાણચી લાવી આપોને. " પેલા ભાઇથી હવે ના રહેવાયુ એટલે એણે ડોકટરને પુછ્યુ કે મારી પત્નિ કેમ છે ? એને શું થયુ છે ?

ડોકટરે કહ્યુ કે હજુ તો મે એને તપાસી જ નથી ભાઇ, હું તો હજુ મારી બ્રિફકેસ ખોલવાની ટ્રાઇ કરુ છુ બ્રિફકેસ લોક થઇ ગઇ છે અને એ ખુલતી જ નથી.

આપણામાંથી મોટાભાગના લોકો પણ બિનજરુરી બાબતોમાં જ સમય વ્યતિત કરીએ છીએ અને એમાંને એમાં જીવનની જરુરી બાબતો ચુકી જઇએ છીએ.