Thursday 4 February 2016

કર્તવ્યનિષ્ઠા

આજે એક કર્મવિર વ્યક્તિની વાત આપને કરવી છે.

મારી રાજકોટની ઓફિસમાં પટાવાળા તરીકે એક ભાઇ ફરજ બજાવતા હતા એનું નામ ઇસુબ યુનુસ કુરેશી. એક સાચો મુસ્લીમ બીરાદર. માત્ર પટાવાળા જેવા સામાન્ય હોદા પર હોવા છતા કર્તવ્યપાલનની એની રીત સૌને એક નવી પ્રેરણા આપે.

પટાવાળાના કામ ઉપરાંત કે અમારી હોસ્ટેલની દેખરેખ રાખે. નિયમિત રીતે બેડસીટ અને ઓસીકાના કવર બદલાવીએ એને ધોવાની વ્યવસ્થા કરે. અને આ બધુ જ કામ એના ફરજ ઉપરાંતના સમયમાં કરે. રજાનો દિવસ હોય તો પણ કુરેશી એક વાર તો ઓફિસમાં આવે જ કારણકે માછલીઘરના માછલાઓને નિયમિત ખોરાક આપવાની જવાબદારી પણ એને સ્વેચ્છાએ સંભાળેલી.

મારી ઓફીસ સાંજે 5.10 વાગે પુરી થાય પરંતું હું રોજ 7 વાગ્યા સુધી બેસુ કારણકે માર્ગદર્શન માટે આવતા વિદ્યાર્થીઓને હું 5.10 પછી જ બોલાવું જેથી ઓફિસના કામમાં ડીસ્ટર્બના થાય. હું 7 વાગ્યા સુધી બેસુ કે 8 વાગ્યા સુધી બેસુ કુરેશી પણ બેઠો જ હોય હું એને જતા રહેવાનું કહું પણ એ જાય નહી અને મળવા આવનાર બધાને હું ન કહું તો પણ પ્રેમથી પાણી પીવડાવે.

કુરેશી મળવા આવનારા વિદ્યાર્થીઓ કે મુલાકાતીઓનું પણ ખુબ ધ્યાન રાખે. જો હું ક્યાંય બહાર જાવ તો બધુ જ પુછી લે કે ક્યારે પાછા આવશો ? કોઇ મળવા આવે તો એને શું જવાબ આપુ ? અરે ત્યાં સુધી કે કોઇને તકલીફ ન પડે એટલે પોતાનો મોબાઇલ નંબર એને આપે અને કહે કે તમે આવો એ પહેલા મને આ નંબર પર ફોન કરજો એટલે સાહેબ હાજર છે કે કેમ એ હું તમને કહી શકું.

સામાન્ય પટાવાળા હોવા છતા મુસ્લીમધર્મના દરેક તહેવાર વખતે એ પોતાનાથી બનતી બધી જ મદદ બીજાને કરે. રમઝાન દરમ્યાન રોજ પોતાની ઘરેથી શરબત બનાવીને બધા માટે લઇ જાય. દિવાળી પછી મેં મારી ઓફીસના બધા જ કર્મચારીઓને સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામીના ફોટા વાળું કેલેન્ડર આપ્યું પણ કુરેશીને ન આપ્યું કારણકે એના ધર્મના સિધ્ધાંત પ્રમાણે મૂર્તીપૂજાનો નિષેધ છે. એણે સામેથી મારી પાસેથી કેલેંડર માંગ્યુ. મેં એને આપતી વખતે પુછ્યુ કે તું મુસ્લીમ છો તો તમારા ઘરમાં યોગ્ય ન લાગે માટે મે નહોતું આપ્યું. એણે મને જવાબ આપ્યો કે સાહેબ હું તમારા ભગવાનમાં અને ફકિરમાં મારા અલ્લાહના દિદાર કરીશ.

આ બધુ એટલા માટે લખું છું કારણ કે કુરેશી આજે નથી રહ્યો. જન્માષ્ટમીના દિવસે જ થયેલા એક્સીડેંટમાં એનું અવસાન થયું છે.અલ્લાહ એને જન્નતનું સુખ આપે એમ નહી કહું કારણ કે એના કર્મો જ એવા હતા કે અલ્લાએ એ માણસને પોતાના સાનિધ્યનું સુખ આપવું જ પડશે.
પ્રભુને એટલી જ પ્રાર્થના કે એના જેવી કર્તવ્યનિષ્ઠા મને પણ આપે........................

No comments: