Thursday 4 February 2016

જીવનની જરુરી અને બિનજરુરી બાબતો.........

બિમારીમાં પટકાયેલી એક સ્ત્રીને તપાસવા માટે એક ડોકટરને વિઝીટ પર બોલાવવામાં આવ્યા. ડોકટર આ સ્ત્રીના ઘેર આવ્યા અને જે રૂમમાં સ્ત્રી આરામ કરી રહી હતી તે રૂમમાં ગયા. પેલી સ્ત્રીના પતિને થોડી વાર માટે બહાર બેસવાનું કહ્યુ એટલે એનો પતિ બહાર બેસીને રાહ જોઇ રહ્યો હતો.

થોડીવાર પછી ડોકટર રૂમની બહાર આવ્યા અને પુછ્યુ , " ભાઇ , તમારા ઘરમાં સ્ક્રુડ્રાઇવર હોઇ તો આપોને ? " એ સ્ત્રીના પતિ દોડતા જઇને સ્ક્રુડ્રાઇવર લઇ આવ્યા અને ડોકટરને આપ્યુ એટલે ડોકટર એ લઇને રૂમમાં જતા રહ્યા.

થોડીવાર પછી ડોકટર ફરીથી રૂમમાંથી બહાર આવ્યા અને પેલા બહાર બેઠેલા ભાઇને પુછ્યુ, " ભાઇ, તમારા ઘરમાં નાની હથોડી છે ? " એ ભાઇ હથોડી પણ લાવ્યો અને ડોકટરને આપી. ડોકટર તો હથોડી લઇને રુમમાં જતા રહ્યા. પેલા ભાઇ એકદમ ચિંતામાં પડી ગયા.

થોડીવાર પછી ડોકટર પાછા રૂમમાંથી બહાર આવ્યા. આ વખતે તો એ પરસેવે રેબઝેબ હતા. બહાર આવીને તુંરત જ કહ્યુ , " મને પક્ક્ડ અને સાણચી લાવી આપોને. " પેલા ભાઇથી હવે ના રહેવાયુ એટલે એણે ડોકટરને પુછ્યુ કે મારી પત્નિ કેમ છે ? એને શું થયુ છે ?

ડોકટરે કહ્યુ કે હજુ તો મે એને તપાસી જ નથી ભાઇ, હું તો હજુ મારી બ્રિફકેસ ખોલવાની ટ્રાઇ કરુ છુ બ્રિફકેસ લોક થઇ ગઇ છે અને એ ખુલતી જ નથી.

આપણામાંથી મોટાભાગના લોકો પણ બિનજરુરી બાબતોમાં જ સમય વ્યતિત કરીએ છીએ અને એમાંને એમાં જીવનની જરુરી બાબતો ચુકી જઇએ છીએ.

No comments: