Saturday, 18 June 2016

ક્યાં જવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.



એક નગરમાં બે ભાઇઓ રહેતા હતા. એક બદમાશ અને દારુડીયો હતો તો બીજો નગરનો પ્રતિષ્ઠિત વેપારી હતો. બધા લોકોને એક જ સવાલ થતો કે બંને ભાઇઓ એક જ પિતાના સંતાન છે, એક જ ઘરમાં મોટા થયા છે, એક જ શાળામાં ભણ્યા છે અને આમ છતા બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે. નગરના એક સજ્જનને આ તફાવતનું કારણ જાણવાની ઇચ્છા થઇ આથી એમણે બંને ભાઇઓને રૂબરૂ મળવાનું નક્કી કર્યુ.

સજ્જન પ્રથમ દારુડીયાના ઘરે ગયા. પેલો તો દારુ ઢીંચીને પડ્યો હતો ઘરમાં. સજ્જને તો એના ઘરે જઇને આડીઅવળી વાતો કરવાને બદલે સીધુ જ પુછી નાખ્યુ , “ તમારી આવી ખરાબ પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે?” દારુડીયાએ કહ્યુ , “ મારી આવી પરિસ્થિતી માટે મારા પિતા જવાબદાર છે ?” સજ્જને કહ્યુ કે તમે મને સમજાવશો કે તમારી આવી ખરાબ હાલત માટે તમારા પિતા કેમ જવાબદાર છે ?”

પોતાનો બળાપો કાઢતા એ બોલ્યો , “ મારા પિતાને પણ દારુની અને જુગારની આદત હતી. કાયમ દારુ ઢીંચીને આવે અને ઘરમાં ઝગડાઓ થાય એની અસર મારા પર પડી અને હું પણ મારા બાપની જેમ આ દારુના રવાડે ચડી ગયો.

પેલા સજ્જન હવે ગામના પ્રતિષ્ઠિત વેપારીની ઘરે ગયો અને તેમને પણ આવો જ સવાલ પુછ્યો કે તમારી આવી સારી પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે?” નગરના એ વેપારીને એણે જવાબ આપ્યો , “ મારી આ સારી પરિસ્થિતી માટે મારા પિતા જવાબદાર છે.

જવાબ સાંભળીને સજ્જન ચોંકી ગયા. એક ભાઇની ખરાબ અને બીજા ભાઇની સારી સ્થિતી માટે એના પિતા કેવી રીતે જવાબદાર હોઇ શકે ? એણે જ્યારે આ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યુ ત્યારે વેપારીભાઇએ કહ્યુ , “ મારા પિતાને દારુ અને જુગારની આદત હતી. મેં મારા પિતાની આ સ્થિતી જોઇ ત્યારે જ નક્કી કર્યુ હતુ કે મારે મારા પિતા જેવું જીવન નથી જીવવું. મારે મારા પરિવારને એ તમામ ખુશીઓ આપવી છે જે મારા પિતા એમના પરિવારને નહોતા આપી શકતા અને આજે તમે એનું પરિણામ જોઇ રહ્યા છો.

જીવનની કોઇપણ ઘટનાને કેવી રીતે મુલવવી તે આપણા હાથની વાત છે. જો નકારાત્મક વિચારવાની ટેવ હશે તો એ આપણને દુ:ખોની ઉંડી ખીણ તરફ લઇ જશે અને જો હકારાત્મક રીતે વિચારવાની ટેવ હશે તો એ આપણને સુખના શિખરો તરફ દોરી જશે. ક્યાં જવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.
 

એક બહેન તો હોવી જ જોઈએ.



DEDICATE TO LOVELY SISTERS & CUTE BROTHERS

એક બહેન તો હોવી જ જોઈએ :
=================

જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો.
જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો.
જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો.
કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો.
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો.
જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે.
જે નવા વર્ષના દિવસે તમારા તૂતિયારા વેળાનેલીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય.
જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય.
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય.
જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે મારો ભાઈ બાકી છે એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય.
જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય.
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય.
તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય.
બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય.
આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

જો એક બહેન હોય….

તો જ સંવેદનાની અનુભૂતિ આવે.
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે.
તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે.
 
 
 
 

શાંતિ કે આનંદ માત્ર અને માત્ર પરિવાર અને મિત્રો સાથેના મજબુત સંબંધોમાં ખોવાયુ છે અને આપણે એને શોધીએ છીએ પદ , પૈસા અને પ્રતિષ્ઠાના ઝગમગાટમાં.



એક દિવસ સાંજના સમયે મશાલના અજવાળામાં રાબિયાજી કંઇક શોધતા હતા. ત્યાથી થોડા યુવાનો પસાર થયા એમણે જોયું કે રાબિયાજી કંઇક શોધી રહ્યા છે આથી મદદ કરવાની ભાવનાથી યુવાનો એ રાબિયાજીને પુછ્યુ , " આપ શું શોધો છો ? આપનું કંઇ ખોવાયું છે ? શું અમે આપને મદદ કરીએ ? " રાબિયાજી એ કહ્યુ , " બેટા મારી કપડા સાંધવાની સોઇ ખોવાઇ છે એ શોધુ છુ ...આપ મને મદદ કરશો તો હું આપ બધાની આભારી રહીશ. " બધા યુવાનો સોઇ શોધવા લાગ્યા.

થોડા સમય સુધી પ્રયત્ન કરવા છતા સોય ન મળી ત્યારે યુવાનો એ રાબિયાજીને પુછ્યુ કે, " આપની સોઇ ખોવાઇ છે ક્યા એ તો કહો ?" ત્યારે રાબિયાજી એ ગામથી દુર રહેલી પોતાની ઝુંપડી તરફ હાથ ચિંધીને કહ્યુ કે, "સોઇ તો મારી ઝુંપડીમાં ખોવાઇ છે . પરંતું ઝુપડામાં અંધારુ છે અને અહિ સરસ અજવાળું છે માટે અહિયા શોધું છું." 

યુવાનો પેટ પકડીને હસવા લાગ્યા. યુવાનોને હસતા જોઇને રાબિયાજીએ એનું કારણ પુછ્યુ ત્યારે યુવાનોએ હસતા હસતા જ કહ્યુ કે તમે પણ કેવી મુર્ખા જેવી વાત કરો છો. સોઇ જ્યાં ખોવાઇ હોય ત્યાં જ મળે પછી ભલે ત્યા અંધારું હોય જ્યાં ખોવાય જ નથી ત્યા આ મશાલ નહી, સુર્યપ્રકાશ હોય તો પણ ન મળે. આ સાંભળતા જ રાબિયાજી એ કહ્યુ કે હું એકલી ક્યા મુર્ખી છું આખી દુનિયા પણ મુર્ખી જ છે ને ? બધાનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઇ જુદી જગ્યાએ અને શોધે છે કોઇ જુદી જગ્યાએ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
આપણું સાચુ સુખ , શાંતિ કે આનંદ માત્ર અને માત્ર પરિવાર અને મિત્રો સાથેના મજબુત સંબંધોમાં ખોવાયુ છે અને આપણે એને શોધીએ છીએ પદ , પૈસા અને પ્રતિષ્ઠાના ઝગમગાટમાં.