Saturday 18 June 2016

ક્યાં જવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.



એક નગરમાં બે ભાઇઓ રહેતા હતા. એક બદમાશ અને દારુડીયો હતો તો બીજો નગરનો પ્રતિષ્ઠિત વેપારી હતો. બધા લોકોને એક જ સવાલ થતો કે બંને ભાઇઓ એક જ પિતાના સંતાન છે, એક જ ઘરમાં મોટા થયા છે, એક જ શાળામાં ભણ્યા છે અને આમ છતા બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે. નગરના એક સજ્જનને આ તફાવતનું કારણ જાણવાની ઇચ્છા થઇ આથી એમણે બંને ભાઇઓને રૂબરૂ મળવાનું નક્કી કર્યુ.

સજ્જન પ્રથમ દારુડીયાના ઘરે ગયા. પેલો તો દારુ ઢીંચીને પડ્યો હતો ઘરમાં. સજ્જને તો એના ઘરે જઇને આડીઅવળી વાતો કરવાને બદલે સીધુ જ પુછી નાખ્યુ , “ તમારી આવી ખરાબ પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે?” દારુડીયાએ કહ્યુ , “ મારી આવી પરિસ્થિતી માટે મારા પિતા જવાબદાર છે ?” સજ્જને કહ્યુ કે તમે મને સમજાવશો કે તમારી આવી ખરાબ હાલત માટે તમારા પિતા કેમ જવાબદાર છે ?”

પોતાનો બળાપો કાઢતા એ બોલ્યો , “ મારા પિતાને પણ દારુની અને જુગારની આદત હતી. કાયમ દારુ ઢીંચીને આવે અને ઘરમાં ઝગડાઓ થાય એની અસર મારા પર પડી અને હું પણ મારા બાપની જેમ આ દારુના રવાડે ચડી ગયો.

પેલા સજ્જન હવે ગામના પ્રતિષ્ઠિત વેપારીની ઘરે ગયો અને તેમને પણ આવો જ સવાલ પુછ્યો કે તમારી આવી સારી પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે?” નગરના એ વેપારીને એણે જવાબ આપ્યો , “ મારી આ સારી પરિસ્થિતી માટે મારા પિતા જવાબદાર છે.

જવાબ સાંભળીને સજ્જન ચોંકી ગયા. એક ભાઇની ખરાબ અને બીજા ભાઇની સારી સ્થિતી માટે એના પિતા કેવી રીતે જવાબદાર હોઇ શકે ? એણે જ્યારે આ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યુ ત્યારે વેપારીભાઇએ કહ્યુ , “ મારા પિતાને દારુ અને જુગારની આદત હતી. મેં મારા પિતાની આ સ્થિતી જોઇ ત્યારે જ નક્કી કર્યુ હતુ કે મારે મારા પિતા જેવું જીવન નથી જીવવું. મારે મારા પરિવારને એ તમામ ખુશીઓ આપવી છે જે મારા પિતા એમના પરિવારને નહોતા આપી શકતા અને આજે તમે એનું પરિણામ જોઇ રહ્યા છો.

જીવનની કોઇપણ ઘટનાને કેવી રીતે મુલવવી તે આપણા હાથની વાત છે. જો નકારાત્મક વિચારવાની ટેવ હશે તો એ આપણને દુ:ખોની ઉંડી ખીણ તરફ લઇ જશે અને જો હકારાત્મક રીતે વિચારવાની ટેવ હશે તો એ આપણને સુખના શિખરો તરફ દોરી જશે. ક્યાં જવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.
 

No comments: