Wednesday 16 March 2016

જે ક્ષેત્રમાં હોઇએ એ ક્ષેત્રમાં નિષ્ણાંત બનીએ....

એક બહુ મોટી કંપનીના ઉત્પાદન વિભાગમાં કાર્યરત એક મશીન કોઇ ટેકનિકલ ખામીને કારણે બંધ થઇ ગયુ. મશીન બંધ થવાના કારણે કંપનીનું ઉત્પાદન કાર્ય અટકી ગયુ જેના પરિણામે કંપનીને દર કલાકે ખુબ મોટુ નુકસાન થવા લાગ્યુ. કંપનીની નિષ્ણાંત ઇજનેરોની ટીમ કામે વળગી પણ કોઇ રીતે આ મશીન ચાલુ થતું ન હતું.

કંપનીના સંચાલકોએ નુકસાન અટકાવવા માટે એક ટેકનિકલ સલાહકારની મદદ લેવાનું નક્કી કર્યુ. ટેકનિકલ સલાહકારને કંપની પર બોલાવવામાં આવ્યા અને બંધ પડેલુ મશીન એમને બતાવવામાં આવ્યું. ટેકનિકલ સલાહકારે ધ્યાનથી મશીનનું નિરિક્ષણ કર્યુ. એકાદ-બે વખત મશીનને ચાલુ-બંધ કરાવ્યુ અને પછી એક નાની હથોડી મંગાવી. હથોડી આવી એટલે એ હાથમાં લઇને મશીનના એક ખાસ ભાગ પર હથોડીનો હળવો ઘા માર્યો અને પછી મશીન ચાલુ કરવાનું કહ્યુ. બધાના આશ્વર્ય વચ્ચે મશીન ચાલુ થઇ ગયુ.

બીજા દિવસે ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી એમની ફી નું બીલ આવ્યુ. બીલ જોઇને સંચાલકો સહિત બધાને આશ્વર્ય થયુ કારણકે માત્ર એક હથોડી મારવાનું બીલ 1000 ડોલર મોકલવામાં આવ્યુ હતું. કંપનીએ સામો પત્ર લખ્યો અને પુછાવ્યુ કે માત્ર હથોડીનો એક ટપોરો મારવાની ફી આટલી મોટી કેમ ?

ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી જવાબ આવ્યો હથોડીનો ટપોરો મારવાની ફી તો માત્ર એક ડોલર જ છે ટપોરો મારવાનું કામ તો કોઇ મજૂર પણ કરી શકતો હતો પરંતું એ એક ટપોરો ક્યાં મારવો એ નક્કી કરવાની ફી 999 ડોલર છે.

વિશ્વમાં ગમે તેવી મંદી ભલે હોય તો પણ નિષ્ણાંતોની કાયમ તંગી જ રહેવાની છે. જે ક્ષેત્રમાં હોઇએ એ ક્ષેત્રમાં નિષ્ણાંત બનીએ તો એક ડોલર વાળુ કામ કરવાની જરુર નહી પડે 999 ડોલર વાળુ કામ કરાવવા જગત સામે ચાલીને આપણી પાસે આવશે.

No comments: