Wednesday 23 March 2016

માનવતાનો મસિહા છે આ માણસ.......

એક યુવાન એના વૃધ્ધ માતા- પિતાને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે ગયો. આ યુવાન ખુબ ભણેલો ગણેલો અને સુખી સમૃધ્ધ હતો. એના પિતાજીએ પોતાની તમામ સંપતિ આ દિકરાના નામે કરી દીધી હતી. દિકરાને એના બાળપણમાં ખુબ લાડ લડાવેલા એટલે વૃધ્ધાવસ્થામાં દિકરો પણ લાડલડાવશે એવી એના મા-બાપને દિકરા પાસે અપેક્ષા હતી. એકના એક દિકરાના લગ્ન પણ ખુબ જ ધામધૂમથી કર્યા હતા પરંતું એ જ દિકરો અને એની વહુને હવે બા-બાપુજીની ઘરમાં સતત હાજરી ખૂંચતી હતી એટલે એમને વૃધ્ધાશ્રમમાં મુકવા માટેનું નક્કી કર્યુ. માતા-પિતાએ દિકરાની વાત કોઇ જાતની આનાકાની વગર સ્વિકારી લીધી એટલે આજે દિકરો એમની પત્નિ સાથે બા-બાપુજીને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે આવ્યો હતો. વૃધ્ધાશ્રમમાં આવીને દિકરો તથા એની વહુ મેનેજરની ઓફીસમાં ગયા અને બા-બાપુજી ઓફીસની બહાર બેઠા. આશ્રમમાં રહેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને દિકરો-વહુ હરખાતા હરખાતા મેનેજરની સાથે એની ઓફીસ બહાર આવ્યા. યુવાનના માતા-પિતા નીચુ માથુ રાખીને બેઠા હતા. મેનેજરે બહાર આવીને એમને જોયા એટલે મેનેજરે તુંરત જ કહ્યુ, " શેઠસાહેબ આપ અહીંયા ? " દિકરાએ આ સાંભળ્યુ એટલે એણે મેનેજરને પુછ્યુ, " તમે બાપુજીને ઓળખો છો ? " મેનેજરે આંખમાં આંસુ સાથે કહ્યુ, " આ માણસને કોણ ના ઓળખે. માનવતાનો મસિહા છે આ માણસ. વર્ષો પહેલા એક અનાથાશ્રમમાં બાળકને દતક લેવા આવેલા. હું તે સમયે ત્યાં મેનેજર હતો. અમારા અનાથાશ્રમનો એક બાળક અનેક પ્રકારના રોગથી પીડાતો હતો. આ ભલા માણસ બીજા સારા છોકરાને દતક લેવાને બદલે પેલા રોગીષ્ઠ છોકરાને દતક તરીકે લઇ ગયા હતા. એ છોકરાની સારવાર પાછળ એણે લાખો રૂપિયા ખર્ચી નાખ્યાં અને છોકરાને રોગમુક્ત કર્યો. એણે એ છોકરાને ક્યારેય એ જાણ થવા નથી દીધી કે એને અનાથાશ્રમમાંથી દતક લાવવામાં આવ્યો છે. વાત સાંભળીને યુવાનનું માથું શરમથી ઝુકી ગયું. મિત્રો, આપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા. આપણા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનાર માતા-પિતાને દુ:ખ ન પહોંચે એની તકેદારી રાખીએ કારણકે એમના ત્યાગની એવી ઘણીવાતો છે જે એ પેટમાં રાખીને બેઠા છે.

No comments: