Wednesday 16 March 2016

જે દિવસે અહંકાર જીવતો થાય ત્યારે માણસ મરી જાય છે.

એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ બનાવતો કે જોનારા બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ બંનેમાંથી પુતળું કયુ છે? અને સાચો માણસ ક્યો છે?

એક નિષ્ણાંત જ્યોતિષીએ આ મૂર્તિકારને કહ્યુ કે ભાઇ આજથી બરાબર 7 માં દિવસે તારુ મૃત્યું છે. હું મારી જ્યોતિષ વિદ્યામાં ક્યારેય ખોટો પડ્યો નથી એટલે તારી પાસે હવે જીવવા માટેના 7 દિવસ બાકી રહ્યા છે. શિલ્પકાર વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું આ 7 દિવસમાં ? એને અચાનક કંઇક સાવ જુદો જ વિચાર આવ્યો. ચાલોને એક કામ કરું આબેહુબ મારા જેવી જ 6 મૂર્તિઓ બનાવું અને આ બધી જ મૂર્તિઓની સાથે 7મો હું સુઇ જઇશ. જ્યારે યમદુતો મારો પ્રાણ લેવા આવશે તો મને ઓળખી જ નહી શકે અને મારો પ્રાણ લીધા વગર પાછા જતા રહેશે.

6
દિવસમાં આ મૂર્તિકારે બિલકુલ પોતાની ઝેરોક્ષ કોપી જેવી જ મૂર્તિઓ બનાવી. એના મૃત્યુંના દિવસે એ આ 6 મૂર્તિઓની સાથે સુઇ ગયો. સમય થયો એટલે યમદુતો એનો પ્રાણ લેવા માટે આવ્યા. જેવા મૂર્તિકારના ઘરમાં પહોંચ્યા કે બધા દુતોની આંખો પહોળી થઇ ગઇ કારણ કે 7 વ્યક્તિઓ એક જ સરખી હતી હવે આમાંથી કોના પ્રાણ લેવા.
યમદુતોએ અંદરો અંદર વાત શરુ કરી. એક દુતે બીજાને કહ્યુ , " આ શિલ્પકાર મૂર્તિઓ બનાવવામાં કેવો નિષ્ણાંત છે. બધી જ મૂર્તિઓ એક સરખી બનાવી છે જરા પણ ભુલ. મને લાગે છે કે આ મૂર્તિકાર દુનિયાનો સૌથી સારો શિલ્પકાર છે. " બીજા દુતે પહેલા દુતને અટકાવતા કહ્યુ , " ના ભાઇ ના , આ શિલ્પકાર કરતા તો આ ધરતી પર બીજા ઘણા સારા મૂર્તિકારો છે આ મૂર્તિકાર તો એની પાસે નાનુ બચોલિયું કહેવાય"

વાત સાંભળી રહેલો મૂર્તિકાર તુરંત જ ઉભો થયો અને બોલ્યો , " મારા કરતા વધુ સારો મૂર્તિકાર કોણ છે આ જગતમાં મારે એ જાણવું છે." બંને દુતો એકબીજા સામે જોઇને હસી પડ્યા અને મૂર્તિકારનો પ્રાણ લઇને જતા રહ્યા.

માણસ ત્યાં સુધી જ જીવી શકે છે જ્યાં સુધી એનો અહંકાર મરેલો હોય જે દિવસે અહંકાર જીવતો થાય ત્યારે માણસ મરી જાય છે.

No comments: