Tuesday 15 March 2016

જીવનમાં ધ્યેય નક્કી હોય અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની તિવ્ર ઝંખના હોય તો....

પાંચમાં ધોરણના એક વર્ગમાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચાનો વિષય હતો " મારુ ભાવી સ્વપ્ન " . શિક્ષકે એક વિદ્યાર્થીનીને પ્રશ્ન પુછ્યો , " બેટા , તું તારા જીવનમાં શું બનવા માંગે ? પેલી છોકરીએ ફટાક કરતો જવાબ આપ્યો , " સર , મારે પાઇલોટ બનવું છે. "

છોકરીની આ વાત સાંભળીને વર્ગના બધા જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ હસે એ પણ સ્વાભાવિક હતુ કારણ કે પાઇલોટ બનવાના સપના જોતી આ છોકરીને જન્મથી જ બે હાથ નહોતા. લોકો એને " Arm less girl " (હાથ વગરની છોકરી) કહેતા હતા. જેને બે હાથ જ ન હોય એ છોકરી વિમાન કેવી રીતે ઉડાડી શકે ?

શિક્ષક એ દિકરી પાસે ગયા. પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યુ , " બેટા, તું ચોક્ક્સ પાઇલોટ બની શકીશ કારણકે તારુ ધ્યેય નક્કિ છે. તારી પાસે હાથ નથી તો શું થયુ ? પગથી પણ વિમાન ઉડાડી શકાય તું તારા પગને જ તારા હાથ બનાવી દે. સામાન્ય માણસ જે કામ હાથથી કરતો હોય તે બધા જ કામ તું પગથી કરતા શીખી જા. તારે પાઇલોટ બનવું જ હશે તો તને દુનિયાની કોઇ તાકાત પાઇલોટ બનતા નહી અટકાવી શકે."

શિક્ષકની આ પ્રેરણાને કારણે અને એ છોકરીના સખત પુરુષાર્થને કારણે અમેરિકન સરકારે એને પગથી વિમાન ઉડાડવા માટેનું લાઇસન્સ આપ્યુ છે અને સમગ્ર વિશ્વની એ એકમાત્ર મહિલા છે જે પગથી વિમાન ઉડાડે છે.

દુનિયા આ છોકરીને આજે જેસિકા કોક્સના નામથી ઓળખે છે.

જીવનમાં ધ્યેય નક્કી હોય અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની તિવ્ર ઝંખના હોય તો જેસીકા માત્ર અમેરિકામાં નહી દુનિયાના દરેક ઘરમાં છે.

No comments: