Friday 5 February 2016

કોઇના વિષે ખરાબ બોલતા પહેલા સાડી સતર વાર વિચાર કરજો.

એક યુવાનને પોતાના પડોશમાં રહેતા એક ભાઇ સાથે કોઇ બાબતે બોલચાલ થઇ. આ યુવાન પેલા ભાઇને હવે પોતાના દુશ્મનની નજરથી જ જોતો હતો અને હંમેશા કોઇ એવી તકની રાહ જોતો કે જેનો લાભ લઇને એ ભાઇને સમાજમાં ઉતારી પાડી શકાય. એકવખત એને કોઇએ એની પડોશમાં રહેતા આ ભાઇના ચારિત્ર્ય વિષે વાત કરી અને કોઇપણ જાતની તપાસ વગર આ યુવાને પોતાના પડોશી ચારિત્ર્યહિન છે એ વાત વાયુવેગે બધે જ પ્રસરાવી દીધી.

પડોશી ભાઇની કોઇ સામાન્ય બાબતમાં ધડપકડ થયેલી હતી અને હવે તો ન્યાયાલય દ્વારા એને નિર્દોષ સાબિત પણ કરી દેવામાં આવ્યા. એ ભાઇ જ્યારે ઘેર આવ્યા ત્યારે આ પડોશીએ એની ઇજ્જતનો કરી નાખ્યો હતો આથી બધા લોકો આ નિર્દોષ માણસને પણ ગુનેગારની દ્રષ્ટિએ જોવા લાગ્યા. આ ભાઇએ ખોટી અફવાઓ ફેલાવીને પોતાને બદનામ કરનાર યુવાન પર ન્યાયાલયમાંમાનહાનિનો દાવો દાખલ કર્યો.

આ બાબતનો કેઇસ ચાલ્યો ત્યારે ન્યાયધિશે યુવાનને પુછ્યુ , “ ભાઇ, તમે આ ભાઇના ચારિત્ર્ય વિષે ખોટી અફવાઓ ઉડાડી હતી એ વાત સાચી છે ? “ યુવાને કહ્યુ , “ હા , જજ સાહેબ વાત સાચી છે પણ એમા મારો કોઇ વાંક નથી મેં તો માત્ર જે વાત સાંભળી હતી એ જ વાત બધે કરી હતી. સમાજમાં એની પ્રતિષ્ઠા ખરડાઇ હોય તો એ માટે કંઇ હું જવાબદાર નથી.

ન્યાયધિશે આ યુવાનને એક કાગળ આપીને કહ્યુ કે તે જે કંઇ પણ વાત આ મહાશય વિષે સાંભળી હતી તે આ કાગળમાં લખ. પેલા યુવાને કાગળમાં લખાણ કર્યુ એટલે જજ સાહેબે એ લખાણવાળા કાગળના નાના નાના ટુકડાઓ કરીને પછી યુવાનને પાછા આપતા કહ્યુ , “ આ કેઇસનો ચુકાદો હું કાલે આપીશ પણ આજે જ્યારે તમે તમારા ઘેર જાવ ત્યારે રસ્તામાં થોડા થોડા અંતરે આ કાગળના ટુકડાઓ મુકતા જજો.

બીજા દિવસે જ્યારે કોર્ટની કાર્યવાહી શરુ થઇ ત્યારે જજ સાહેબે પેલા યુવાનને કહ્યુ , “ ભાઇ મેં કાલે તમને કાગળના ટુકડાઓ આપ્યા હતા રસ્તામાં જુદી જુદી જગ્યાએ મુકવા માટે એ ટુકડાઓ મને પાછા લાવી આપોને મારે ચુકાદો આપવા માટે એની જરુર છે.યુવાન આ વાત સાંભળીને હસવા લાગ્યો અને જજને કહ્યુ , “ સાહેબ આપ પણ કેવી ગાંડા જેવી વાત કરો છો એ કાગળના ટુકડા તો અત્યાર સુધીમાં કયાંયના ક્યાંય જતા રહ્યા હશે. પવન ન જાણે એને ક્યાં ક્યાં લઇ ગયો હશે ! એ પાછા લાવવા શક્ય જ નથી.

મિત્રો , આપણે ઘણી વખત વાતની સચ્ચાઇની ખાત્રી કર્યા વગર કોઇના વિષે કોઇ પ્રકારનો દોષરોપણ કરીએ છીએ અરે ઘણીવાર તો સાવ મજાકમાં કોઇના વિષે અમુક પ્રકારની વાતો કરીએ છીએ ત્યારે એ વિચારતા જ નથી કે આપણી આ વાતો ઉડીને ન જાણે ક્યાંની ક્યાં પહોંચશે અને પેલા માણસને કેટલું મોટું નુકશાન કરશે. હવે પછી કોઇના વિષે ખરાબ બોલતા પહેલા સાડી સતર વાર વિચાર કરજો.

 

No comments: