Friday 5 February 2016

સુખ-શાંતિના પ્રદેશમાં આપણી હોડી ક્યાંથી પહોંચે????

એકવાર ચાર મિત્રોએ સાથે ફરવા જવા માટેનું આયોજન કર્યુ. આ માટે એક સરસ મજાનું નાનું વહાણ ભાડે કર્યુ. ફરવા માટેનો રૂટ પણ નક્કિ કરી લેવામાં આવ્યો. એક ખુબ મોટા સરોવરની વચ્ચોવચ એક નાનો ટાપુ હતો. થોડા દિવસ આ ટાપુ પર જ વિતાવવા એવું નક્કી કર્યુ. જીવન જરુરિયાતની તમામ સાધન સામગ્રી સાથે લીધી અને ચારે મિત્રોએ ટાપુની યાત્રા પર જવા માટેની બધી જ તૈયારી પૂર્ણ કરી.

ઉનાળાનો સમય હતો એટલે દિવસમાં મુસાફરી કરે તો તાપની સાથે સાથે થાક લાગે માટે રાતની મુસાફરી કરવાનું નક્કી કર્યુ. સાંજનું ભોજન લઇને ચારે મિત્રો વહાણમાં બેસીને ટાપુ તરફ નિકળી પડ્યા. બે મિત્રો હલેસા મારતા હતા અને બીજા બે શાંતિથી પગ લાંબા કરીને બેઠા હતા. થોડા સમય પછી હલેસા મારવાવાળા બંને મિત્રો આરામ કરવા ગયા અને જે આરામ કરતા હતા તે હલેસા મારવા આવ્યા. આમ આખી રાત વારાફરતી હલેસા મારતા રહ્યા.

મુસાફરીની ખુબ મજા આવી રહી હતી કારણકે ઘણા સમય પછી ચારે મિત્રો આટલ નિરાંતની પળો માણી રહ્યા હતા. વાતોની સાથે સાથે હળવો નશો પણ ચાલુ જ હતો એટલે એમને થોડી વધુ મજા આવી રહી હતી. આખી રાતની મુસાફરી પછી વહેલી સવારે એ ટાપુ પર પહોંચવાના હતા. સવાર પડવા આવી પણ ટાપુ ક્યાંય દેખાય જ નહી.

સવારે અજવાળુ થયુ તો ખબર પડી કે પોતે તો જ્યાંથી મુસાફરી શરુ કરી હતી ત્યાંના ત્યાં જ છે. અરે.... આખી રાત આ હલેસા મારવાની મહેનત કરી તો પણ આપણું વહાણ આગળ કેમ ન વધ્યુ? તપાસ કરી તો ખબર પડી કે વહાણની સાથે બાંધેલા દોરડાઓ છોડવાના જ રહી ગયા હતા.

મિત્રો , આપણે સૌએ પણ સુખ અને શાંતિ નામના ટાપુ પર પહોંચવાની યાત્રા શરુ કરી છે અને આપણી સ્થિતી પણ આ ચાર મિત્રો જેવી જ છે કારણકે આપણી જીવન રુપી હોડી સાથે બાંધેલા ક્રોધ , લોભ , અહંકાર જેવા દોરડાઓ છોડ્યા જ નથી અને હલેસા માર્યા કરીએ છીએ અને એમાં પણ માન-સન્માનનો હળવો નશો ......પછી સુખ-શાંતિના પ્રદેશમાં આપણી હોડી ક્યાંથી પહોંચે ?

No comments: