Friday 5 February 2016

પ્રારંભિક નિષ્ફળતાઓને ગણકાર્યા વગર પ્રયાસો ચાલુ જ રાખવા.

આજે પરિચય કરાવવો છે સમસ્યાઓને સફળતામાં બદલનાર "વિલ્મા રૂડોલ્ફ " નામની એક વિરાંગનાનો
.

અમેરિકામાં રેલ્વેમાં નોકરી કરતા પિતા અને નોકરાણી તરિકે કામ કરતી માતાને ત્યાં 23-6-1940ના રોજ જન્મેલી વિલ્મા રૂડોલ્ફ તેના માતા-પિતાના 22 સંતાનો પૈકીનું 20મું સંતાન હતી. એનો જન્મ અધુરા મહિને થયો હતો આથી એ ખુબ નબળી હતી છતા થોડી સારવારથી એ જીવી ગઇ. 4 વર્ષની ઉંમરે એને ભયંકર ઝેરી તાવ આવ્યો અને સાથે સાથે પોલિયોના વાયરસને કારણે એના ડાબા પગે લકવો થઇ ગયો.

લકવાગ્રસ્ત ડાબા પગે ધાતુની પ્લેટ લગાવવામાં આવી. પ્લેટને કારણે એને ખાસ ઓર્થોપેડીક શુઝ પહેરવા પડતા ત્યારે એ ચાલી શકતી. વિલ્માની મોટી બહેન બાસ્કેટબોલ પ્લેયર હતી અને વિલ્મા પણ બહેનની જેમ જ બાસ્કેટબોલ રમવા ઇચ્છતી હતી પરંતું એના માટે એ શક્ય નહોતું.પોતાના સંકલ્પને સાકાર કરવા 9 વર્ષની ઉંમરે એણે ધાતુની બ્રેસ કઢાવી નાંખી અને બ્રેસ વગર જ એક સામાન્ય માણસની જેમ ચાલવાનું શરુ કર્યુ. શરુઆતમાં એને ખુબ જ તકલીફ પડતી આથી ચાલવા માટે સહારો લેવો પડતો.

12
વર્ષની ઉંમરે તે કોઇપણ જાતના સહારા વગર લંગડાતા -લંગડાતા ચાલવા લાગી અને સતત પ્રેકટીશ કરવાથી એ બાસ્કેટબોલ પણ રમવા લાગી. એ જ્યારે હાઇસ્કુલમાં હતી ત્યારે બર્ટ હાઇસ્કુલને એણે બાસ્કેટબોલમાં સ્ટેટ ચેમ્પિયન બનાવેલી. પણ વિલ્માને આટલાથી સંતોષ નહોતો એ તો ઉંચી ઉડાન ભરવા ઇચ્છતી હતી. એણે ઓલમ્પિકમાં દોડની હરીફાઇમાં ભાગ લેવાનું નક્કિ કર્યુ.

પહેલા નાની નાની દોડની સ્પર્ધામાં ભાગ લેવાની શરુઆત કરી ત્યારે એ હંમેશા છેલ્લા નંબર પર આવતી. લોકો એને ગાંડી સમજતા કારણકે લકવાગ્રસ્ત પગથી ઓલમ્પિક તો શું, દોડની સામાન્ય સ્પર્ધા પણ ન જીતી શકાય. વિલ્મા કોઇનું સાંભાળ્યા વગર પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાની દિશામાં પ્રયાસો કરતી રહી અને 1960માં રોમમાં રમાયેલી વિશ્વઓલમ્પિકમાં વિલ્મા રૂડોલ્ફે 3 ગોલ્ડમેડલ મેળવીને વિશ્વચેમ્પિયનનો ખિતાબ જીતી સમગ્ર વિશ્વને આશ્વર્ય ચકિત કરી દીધુ. જગત એને " The fastest woman in the history " તરિકેના બિરુદથી નવાજે છે.

મિત્રો,જીવનમાં ધ્યેય નક્કિ હોય અને એ ધ્યેયને પાર પાડવા માટે પૂર્ણ સમર્પણ સાથેનો પુરુષાર્થ કરવામાં આવે તો ધ્યેય પ્રાપ્ત કરવું શક્ય છે. બસ શરત માત્ર એટલી જ છે કે પ્રારંભિક નિષ્ફળતાઓને ગણકાર્યા વગર પ્રયાસો ચાલુ જ રાખવા.

 

No comments: