Saturday 6 February 2016

આપણા આ ભજવાતા વિવિધ પ્રકારના વેશની લાજ ન જાય એનો વિચાર કર્યો છે ક્યારેય ?

એક બહુરુપી , રાજા ભોજના દરબારમાં આવ્યો અને રાજા પાસે 5 રૂપિયાની માંગ કરી. રાજાએ બહુરુપીને કહ્યુ , " હું કલાકારને પુરસ્કાર આપી શકુ , દાન નહી." બહુરુપીએ પોતાની કલાના પ્રદર્શન માટે રાજા ભોજ પાસેથી 3 દિવસનો સમય માંગ્યો.

બીજા દિવસે રાજધાનીની બહાર એક વૃક્ષ નીચે કોઇ અજાણ્યા મહાત્માએ આસન લગાવ્યુ. મહાત્મા આંખો બંધ કરીને સમાધીમાં બેસી ગયા. આસ-પાસ ગોવાળીયાઓ ભેગા થયા અને મહાત્માને પુછવા લાગ્યા , " મહારાજ આપ કોણ છો ? ક્યાંથી આવ્યા ? " મહાત્માએ કોઇ જ જવાબ ન આપ્યો બસ આંખો બંધ કરીને બેસી જ રહ્યા.

ગોવાળીયાઓએ ગામમાં જઇને બધાને આ મહારાજ વિષે વાત કરી. લોકો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા અને પોતાની સાથે ફળ-ફુલ પણ લાવતા હતા. મહાત્માની આજુબાજુ ફળફુલના ઢગલા થઇ ગયા પણ મહાત્મા તો આંખો બંધ કરીને બેસી જ રહ્યા.

બીજા દિવસે રાજ્યના પ્રધાનમંત્રીને આ સમાચાર મળ્યા એટલે એ મહાત્માના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને મહાત્માના ચરણે સૂવર્ણમુદ્રા ધરી અને આ ભેટ સ્વિકારવા મહાત્માને વિનંતિ કરી. પરંતુ મહાત્મા તો જાણે કંઇ જ સંભળાતુ ન હોય એમ મૌન જ બેસી રહ્યા.

ત્રીજા દિવસે રાજા ભોજ સ્વયં આ મહાત્માના દર્શન કરવા માટે આવ્યા. હિરા-મોતી અને માણેક ભેટમાં આપવા માટે લાવ્યા. આ કિમતી રત્નોનો મહાત્મા પાસે ઢગલો કર્યો અને મહાત્માને વંદન કરીને આશિર્વાદ આપવા માટે વિનંતિ કરી આમ છતા મહાત્મા મૌન રહ્યા અને આંખો પણ ન ખોલી.

ચોથા દિવસે પેલો બહુરુપી રાજા ભોજના દરબારમાં પહોંચ્યો અને રાજાને હાથ જોડીને વિનંતિ કરતા કહ્યુ , " મહારાજ, રાજધાનીની બહાર જે મહાત્મા બેઠા હતા એ હું પોતે જ હતો મારો મહાત્માનો વેશ ધરીને બેઠો હતો. હવે મને 5 રૂપિયાનું પુરષ્કાર આપો. ". રાજાએ બહુરુપીને કહ્યુ , " તું સાવ મુરખ છે. આખા રાજ્યનો વૈભવ તારા ચરણોમાં રાખ્યો હતો ત્યારે તો તે એકવાર પણ આંખ ન ખોલી કે એક શબ્દ પણ ન બોલ્યો હવે 5 રૂપિયા માંગે છે "

બહુરુપીએ ભોજને જવાબ આપતા કહ્યુ , " તે વખતે હું મહાત્માના વેશમાં હતો અને ત્યારે બધો જ વૈભવ મારા માટે વ્યર્થ હતો કારણ કે મારે મારા વેશની લાજ રાખવાની હતી. પરંતું હવે મારા પેટની આગ મારા શ્રમનું મુલ્ય માંગે છે"

મિત્રો આપણે બધા પણ જુદા જુદા વેશ ભજવી રહ્યા છીએ. મા કે બાપ નો વેશ - દિકરા કે દિકરીનો વેશ - મિત્ર કે પડોશીનો વેશ- ભાઇ કે બહેન નો વેશ - શિક્ષક કે વિદ્યાર્થીનો વેશ- કર્મચારી કે અધિકારીનો વેશ. આપણા આ ભજવાતા વિવિધ પ્રકારના વેશની લાજ ન જાય એનો વિચાર કર્યો છે ક્યારેય ?

No comments: