Thursday 4 February 2016

સફળતા ચોકકસ મળે.

પંડીત મદન મોહન માલવિયાજીનું એક સપનું હતું . હિંદુ યુનિવર્સિટી બનાવવાનું. આ માટે તેઓ ખુબ મહેનત કરતા હતા. અનેક પ્રશ્નો અને પડકારોનો સામનો કરવો પડતો. દાન મેળવવા માટે એ ભારત ભ્રમણ કરતા. શાહુકારો અને રાજા-મહારાજાઓને મળીને બનારસ હિંદુ યુનિવર્સિટી માટે દાન આપવા વિનંતી કરતા.

પંડીતજી દાન લેવા માટે હૈદરાબાદના નિઝામ પાસે ગયા. નિઝામને યુનિવર્સિટીની સ્થાપનાની વાત કરીને યથા યોગ્ય દાન આપવા માટે વિનંતિ કરી. નિઝામ તો એકદમ ચિડાઇ ગયા. પંડીતજીને મોઢા મોઢ સંભળાવી દીધુ " તમારી હિંમત કેવી રીતે થઇ મારી પાસે આવવાની ? હિંદુ યુનિવર્સિટી માટે નિઝામ પાસે દાન માંગતા પહેલા કોઇ વિચાર પણ ના આવ્યો ? " હજુ તો પંડીતજી જવાબ આપે તે પહેલા ગુસ્સે ભરાયેલા નિઝામે પોતાના પગની જુતી કાઢીને પંડીતજી પર ફેંકી અને બહાર જતા રહેવાનું કહ્યુ.

અપમાનિત થયેલા પંડીતજી નિઝામની જુતી લઇને નિકળી ગયા. હૈદરાબાદની મુખ્ય બજારમાં જઇને લોકોને એકઠા કર્યા અને કહ્યુ કે મારી પાસે નિઝામની એક બહુ જ સરસ મજાની જુતી છે અને મારે એની હરરાજી કરવી છે. નિઝામની જુતી હોવાથી ખરીદનારાની સંખ્યા વધી અને ભાવ પણ ઉંચા બોલાવા લાગ્યા.

નિઝામને આ બાબતના સમાચાર મળ્યા. નિઝામને લાગ્યુ કે જો પોતાની જુતી બીજા કોઇ ખરીદશે તો તેનુ અપમાન ગણાશે માટે ગમે તે કિંમતે જુતી ખરીદવી એટલે તુરંત જ પોતાના એક ખાસ માણસને મોકલ્યો અને હરરાજીમાં ભાગ લઇને ગમે તે ભાવે જુતી ખરીદી લેવાની સુચના આપી.
માલવિયાજીએ ખુબ ઉંચી કિંમતે નિઝામની જુતી નિઝામના માણસને જ વેંચી અને જે રકમ મળી એ રકમનો ઉપયોગ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો.

જીવનમાં નક્કિ કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરીએ ત્યારે અનેક પ્રકારના વિધ્નો અને પ્રશ્નો આવે પણ વિચલિત થયા વગર સતત પ્રયાસો ચાલુ રાખીએ અને આપણા વિરોધીઓએ આપણી સામે ફેંકેલી ઇંટો કે પથ્થરોને ધ્યેય પ્રાપ્તિની સીડી બનાવવામાં વાપરીએ તો સફળતા ચોકકસ મળે.

No comments: