Friday 5 February 2016

નીતિમય જીવનથી બીજા મને આદર આપે કે ના આપે પણ મારો અંતરાત્મા તો મને નોબેલ પારિતોષિક આપશે જ એમાં શંકાને કોઇ સ્થાન નથી.

એક પિતા પોતાના પુત્રને સાથે લઇને ખરીદી કરવા માટે નિકળ્યા. એક ફુટવેરની દુકાનમાં ગયા અને દુકાનદારને દિકરા માટે સારા બુટ બતાવવાનું કહ્યુ. દિકરાએ પોતાના પિતાને કહ્યુ , " પપ્પા , મારે નવા બુટ નથી લેવા. હજુ જુના બુટ ચાલે એવા જ છે અને મારા પગની સાઇઝમાં એવો વધારો નથી થયો કે મને જુના બુટ પહેરવામાં ડંખે. એક કામ કરો આ બુટની જે કિંમત છે તે કિંમતમાં દાદાજી માટે એક સારા ચશ્મા લઇ લઇએ એના જુના ચશ્માના કાચ ખુબ ખરાબ થઇ ગયા છે."

પિતા દિકરાના આ વિચાર પર ખુબ રાજી થયા અને ફુટવેરની દુકાનમાંથી નિકળીને કપડાની દુકાનમાં ગયા. પિતાએ ત્યાં દુકાનદારને દિકરાના માપના પેન્ટ-શર્ટ બતાવવાના કહ્યા. દુકાનદારે પેન્ટશર્ટ બતાવ્યા. છોકરાને બરાબર માપના જ થયા આમ છતા છોકરાએ કહ્યુ , પપ્પા, થોડો મોટો શર્ટ લઇએ કારણ કે આમ પણ શર્ટતો પેન્ટમાં ખોંસવાનો જ હોય છે. જો થોડો લાંબો શર્ટ હોય તો પછી આવતા વર્ષે પણ ઉપયોગમાં લઇ શકાય."

પિતા આ બધી વાતો સાંભળીને આશ્વર્યમાં પડી ગયા અને દિકરાને પુછ્યા વગર ન રહી શક્યા કે " બેટા , તને આવા વિચારો કોણે આપ્યા. આ કરકસરના પાઠ તને કોણે શિખવ્યા ?"

છોકરાએ પોતાના પિતા સામે જોઇને કહ્યુ, " પપ્પા, આપ પુરી પ્રામાણિકતાથી નોકરી કરો છો અને મર્યાદિત પગારમાં ઘર ચલાવો છો. આપની પ્રામાણિકતાની ઘણા બધા લોકો વાતો કરતા હોય છે. હું શેરીમાં રમવા માટે જાવ ત્યારે ઘણા લોકો આપના વખાણ કરે છે અને મને પણ આદર આપે છે કેવળ એટલા માટે કારણકે હું એક પ્રામાણિક બાપનો દિકરો છું. હું મારી જાતને ધન્ય સમજુ છુ, આપના જેવા પિતા મેળવીને. આપણી શેરીમાં જ રહેતા અને આપની સાથે જ નોકરી કરતા એક ભાઇએ અનીતિના માર્ગે ખુબ રૂપિયા ભેગા કર્યા છે. પપ્પા બધા એની હાજરીમાં તો વાહવાહ કરે છે એને સ્ટેજ પર પણ બેસાડે છે પણ પાછળથી એને 'ચોર' , 'હરામી', 'કુતરો', 'ભ્રષ્ટાચારી' વગેરે જેવા શબ્દોથી નવાજે છે."

થોડુ અટકીને દિકરાએ પોતાની વાત પુરી કરી "પપ્પા મને એક જોડી કપડા ઓછા હશે કે એક જોડી બુટ ઓછા હશે તો ચાલશે પણ મારા બાપને કોઇ ચોર , હરામી , કુતરો કે ભ્રષ્ટાચારી કે એ નહી ચાલે. પપ્પા આપની પ્રામાણિકતા એ મારા માટે બધુ જ છે બસ મને બીજુ કંઇ જ ન જોઇએ. I Love You "

મિત્રો, અનીતિના માર્ગે કમાયેલા રૂપિયા સુવિધા જરુર આપશે પણ સુખ નહી આપે એ વાત ચોક્કસ છે. દુનિયા પૈસાદાર લોકોના સન્માન ભલે કરે પણ પાછળથી એ જ વ્યક્તિને પેટ ભરીને ગાળો પણ દે છે. નીતિમય જીવનથી બીજા મને આદર આપે કે ના આપે પણ મારો અંતરાત્મા તો મને નોબેલ પારિતોષિક આપશે જ એમાં શંકાને કોઇ સ્થાન નથી.

No comments: