Friday 5 February 2016

ઘણીવાર આપણે પરિસ્થિતીને સમજ્યા વગર જ સામેની વ્યક્તિ પર એને કોઇપણ જાતનો ખુલાસો કરવાની તક આપ્યા વગર જ તુટી પડીએ છીએ અને સામેવાળી વ્યક્તિ જ્યારે મુંગી રહે ત્યારે આપણો ગુસ્સો બેવડાય જાય છે.

પ્રથમ વિશ્વયુધ્ધના સમયની આ વાત છે.

એક કમાન્ડર પોતાના સૈનિકોને સુચના આપી રહ્યા હતા. સામાન્ય સુચનાઓ પુરી કરીને એણે સૈનિકોને સંબોધન કરતા કહ્યુ , " મારા શુરવિર નરબંકાઓ, યુધ્ધની વ્યુહરચનાના એક ભાગ તરિકે એક અત્યંત ખતરનાક કાર કરવું પડે તેમ છે અને મને તે માટે પાંચ સૌનિકોની જરૂર છે. આ કામ એવું છે કે એમાં જીવતા રહેવાની કોઇ જ સંભાવના નથી માટે હું એવું ઇચ્છુ છુ કે તમારામાંથી જે બલીદાન માટે તૈયાર હોય એ મિત્રો તમે જે હારમાં ઉભા છો એ હારમાંથી બે ડગલા સ્વેચ્છાએ આગળ આવે"

સૌનિકો કમાન્ડરની આજ્ઞાનું પાલન કરે તે પહેલા જ કમાન્ડરને કોઇ અતિ અગત્યનો સંદેશો લઇને કોઇ વ્યક્તિ મળવા માટે આવી. કમાન્ડરે બધા સૈનિકોને કહ્યુ કે હું એક અગત્યનું કામ પુરુ કરીને આવું છું ત્યાં સુધીમાં તમે નિર્ણય કરીને જે લોકો આ કામ માટે તૈયાર હોય એ, તમે જે હારમાં ઉભા છો તે હારમાંથી બે ડગલા આગળ આવી જજો.

કમાન્ડર જ્યારે કામ પુરુ કરીને આવ્યા ત્યારે એણે જોયુ કે એક પણ સૈનિક હારમાંથી આગળ આવ્યો નહોતો. આ દ્રશ્ય જોઇને કમાન્ડરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. સૈનિકો પર તોડુક્યા અને કહ્યુ , " કાયરો , નપુંસકો, શું તમારામાં કોઇ મર્દ નથી ? તમને તમારા દેશ કરતા પણ તમારો જીવ વધારે વહાલો લાગે છે તો પછી સૈન્યમાં ભરતી જ શું કામ થયા ? હાથમાં બંગડીઓ પહેરી લો બાયલાઓ........"

અપશબ્દોનો વરસાદ વરસી રહ્યો હતો અને બધા જ સૈનિકો મુંગા મોઢે સાંભળી રહ્યા હતા. બરાબર એ જ સમયે કમાન્ડરનું ધ્યાન ગયુ તો એની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ અને મોઢામાંથી એક પણ શબ્દ ના નિકળી શક્યો કારણકે એણે જોયુ બધા જ સૈનિકો પોતે ઉભા હતા એનાથી બે ડગલા આગળ વધ્યા હતા અને એટલે હાર અકબંધ હતી.

મિત્રો , આપણા જીવનમાં પણ એમ જ બને છે ઘણીવાર આપણે પરિસ્થિતીને સમજ્યા વગર જ સામેની વ્યક્તિ પર એને કોઇપણ જાતનો ખુલાસો કરવાની તક આપ્યા વગર જ તુટી પડીએ છીએ અને સામેવાળી વ્યક્તિ જ્યારે મુંગી રહે ત્યારે આપણો ગુસ્સો બેવડાય જાય છે. એવુ પણ બને કે સામે વાળી વ્યક્તિએ એવું કાર્ય કર્યુ હોય કે જેનાથી તમને એના પ્રત્યે આદર થાય પણ આપણને પહેલી નજરે એ કામ દેખાતું જ ન હોય.

No comments: