Thursday 4 February 2016

નિષ્ઠાપૂર્વક અને સમર્પણભાવે કામ કરવું ખુબ જરૂરી છે પણ પરિવાર અને મિત્રો પણ એટલા જ જરૂરી છે.

એકભાઇ પોતાના બિઝનેશમાં ખુબ જ વ્યસ્ત રહેતા હતા. સવારથી મોડી રાત સુધી બસ કામ , કામ ને કામ. એને પોતાના કામ સિવાય બીજી કોઇ બાબતમાં રસ નહોતો કે બીજા કોઇ માટે સમય પણ નહતો. પરિવાર કે મિત્રો માટે પણ એને સમય નહોતો એને તો બસ રૂપિયા કમાવાની લગન લાગી હતી. જેવી રીતે કુતરુ દોડાદોડી કરે બસ એવી જ રીતે પૈસા માટે સતત દોડાદોડી કર્યા કરે.

એક દિવસ એના દિકરાએ કહ્યુ કે પપ્પા તમે દિવસ રાત ખાધા-પિધા વગર દોડ્યા રાખો છો આ બધુ શા માટે ? પિતાએ એટલો જ જવાબ આપ્યો કે બેટા નામના માટે આ બધુ કરુ છું. તારા બાપના નામના સિક્કા પડવા જોઇએ બસ. છોકરાએ કહ્યુ કે પપ્પા તમે રૂપિયા કમાવ, કામ કરો એ બધુ બરાબર છે પણ થોડું અમારા માટે અને થોડું તમારા માટે પણ જીવવાની ઇચ્છા નથી થતી? એ ભાઇને વિગતવાર જવાબ આપવા જેટલો સમય પણ ક્યાં હતો એ તો ઉપડી ગયા બહાર બસ એટલું કહીને એ બેટા આ તને નહિ સમજાય.

એક દિવસ અચાનક એના કુટુંબમાં કોઇનું અવસાન થયું. આ ભાઇન ઓફિસ જવામાં મોડું થતું હતું. પણ જેનું અવસાન થયુ હતું તે સાવ નજીકના સગા હતા એટલે અંતિમ ક્રિયામાં હાજર પણ રહેવું પડે તેમ હતું. એણે ઘરેથી જ ફોન કરીને તપાસ શરું કરાવી. હોસ્પિટલમાં ફોન કર્યો , " અરે , તમે ડેડબોડી લઇને ક્યારે આવો છો ? " હોસ્પિટલમાંથી જવાબ મળ્યો કે હજુ તો પોસ્ટમોર્ટમ માટે લઇ જવાના છે પછી ઘેર આવીશું એટલે આ ભાઇએ સિવિલ હોસ્પિટલમાં ડોકટરને ફોન કર્યો , " ડોકટર સાહેબ મારા સગા વ્હાલા હમણા એક ડેડબોડી લઇને આવશે આપ જરા ઝડપથી પોસ્ટમોર્ટમની કામગીરી આટોપજો "

આ ભાઇનો દિકરો આ બધું સાંભળી રહ્યો હતો એણે પોતાના પિતાને કહ્યુ કે પપ્પા જે અંકલનું અવસાન થયું છે એને તમે નામથી કેમ નથી બોલાવતા? વારે વારે ડેડબોડી ડેડબોડી કેમ કહો છો ? પેલા ભાઇએ પોતાના દિકરાને કહ્યુ , " અક્કલના ઓથમિર માણસ મરી જાય પછી એને નામથી નહી.....ડેડબોડી ......... કહીને જ બોલાવાય " . પપ્પા માફ કરજો પણ તમારા મૃત્યું પછી તમે જે નામના મેળવવા માટે દિવસ રાત દોડાદોડી કરો છો એ નામથી લોકો બોલાવશે કે ડેડબોડી કહીને બોલાવશે ! "

મિત્રો, નિષ્ઠાપૂર્વક અને સમર્પણભાવે કામ કરવું ખુબ જરૂરી છે પણ પરિવાર અને મિત્રો પણ એટલા જ જરૂરી છે. ઘણીવાર એવું બને કે જીવનમાંથી અમુક વ્યક્તિ જતી રહે ત્યારે સમજાય છે કે આ વ્યક્તિઓનું સ્થાન ભેગા કરેલા કરોડો - અબજો રૂપિયા પણ લઇ શકે નહી.આપણી પોતાની વ્યક્તિઓને સમય આપીએ એની પાસે બેસીએ.

No comments: