Friday 5 February 2016

દરેક પ્રશ્નનો ઉકેલ સમય જ છે.

ધંધામાં આર્થિક નુકશાની જવાને કારણે એક પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો. સમૃધ્ધિના સમયે સદાય સાથે રહેનારા હવે મોઢુ પણ ફેરવી લેવા લાગ્યા. અરે કેટલાક લોકોએ તો બીચારા આ ભાઇના નંબરને બ્લોક જ કરી દીધો જેથી ફોન કરીને હેરાન જ ન કરે. એક દિવસ જેને નુકશાન ગયુ હતું તે ભાઇ પોતાની પત્નિ પાસે હૈયાવરાળ કાઢતા કહેતા હતા કે આપણી આવી પરિસ્થિતીને કારણે બીજા સાથ છોડે એ તો બરોબર પણ પોતાનાય પારકા બની ગયા.

નાનો બાળક આ બધુ સાંભળતો હતો એને તો કંઇ સમજ જ નહોતી પડતી કે આ પોતાના અને પારકાની શું વાત ચાલી રહી છે પરંતું નાનો હોવા છતા એને એટલું તો સમજાઇ ગયુ કે પોતાની ઘરે હવે કોઇ સગાવહાલા નથી આવતા એટલે મમ્મી-પપ્પા બહું દુ:ખી છે અને કોઇ મહત્વના મુદાની ચર્ચા કરી રહ્યા છે.

છોકરો બીજા દિવસે શાળાએ ગયો પણ એના મનમાં તો 'પોતાના અને પારકા' જ ઘુમી રહ્યુ હતું. એણે પોતાના શિક્ષકને પ્રશ્ન પુછ્યો , " સર , મને એ સમજાવોને કે પોતાના અને પારકા એટલે શું ? " શિક્ષક થોડીવાર તો મુંજાઇ જ ગયા બાળકનો આ સવાલ સાંભળીને કે આવા નાના બાળકને આવો વિચાર વળી ક્યાંથી આવ્યો?

શિક્ષક ખુબ અનુભવી હતા અને વિચારક પણ ખરા એમણે પેલા બાળકના માથા પર હાથ ફેરવીને કહ્યુ , " બેટા, પોતાના અને પારકા વચ્ચેનો ભેદ અત્યારે તને નહી સમજાય તારી ઉંમર હજુ નાની છે. પરંતું યોગ્ય સમયે તને આ સમજાઇ જશે. હાં અત્યારે હું તને એટલું કહે શકુ કે જીંદગીમાં સમયથી વધારે કોઇ પોતાનું કે પારકુ નથી હોતું સમય તમારો હોય તો બધા પોતાના અને સમય તમારો ના હોય તો બધા પારકા."

મિત્રો , જીવનનું આ સનાતન સત્ય પેલા બાળકને તો નહી જ સમજાયુ હોય પણ આપનામાંથી એક પણ એવી વ્યક્તિ નહી હોય જેને આ ના અનુભવાયુ હોય.જીવનમાં આવતા મુંઝવણોના પ્રસંગોએ સદાય યાદ રાખજો કે દરેક પ્રશ્નનો ઉકેલ સમય જ છે.

No comments: