Thursday 4 February 2016

આપણા સદ્કર્મો દ્વારા ભગવાનના હાથને મજબુત બનાવીએ.

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન બનેલી આ ઘટના છે.

ઇંગલેંડ પર જર્મન બોમ્બરો ધડાધડ બોંબમારો કરી રહ્યા હતા. ઇંગલેંડ પર ફેંકાયેલા આ બોંબને કારણે ભારે નુકસાની થઇ હતી. અનેક મિલ્કતો નાશ પામી પણ સાથે સાથે અનેક ખ્રિસ્તીઓની આસ્થાને પણ ચોટ પહોંચી કારણ કે પ્રભુ ઇસુની એક પ્રસિધ્ધ મૂર્તિ પણ તુટી ગઇ હતી.

બધા લોકોએ સાથે મળીને નક્કી કર્યુ કે આપણે પ્રભુની આ મૂર્તિના એક એક ભાગને શોધીએ અને એ ભાગોને જોડીને ફરીથી મૂર્તિ બનાવીએ. મૂર્તિના ભાગોને શોધવાનું મિશન શરૂ થયું. ધીમે ધીમે ટુકડાઓ ભેગા કરતા કરતા મૂર્તિ ફરી આકાર લેવા લાગી. બધા જ ભાગો મળી ગયા પરંતું બંને હાથના કેટલાક ભાગો ન મળ્યા. હાથ વગરની મૂર્તિ તો કેવી લાગે ? અને આ મૂર્તિમાં નવા કોઇ ભાગો જોડવાના ના હતા.

મૂર્તિ તૈયાર કરી રહેલો શિલ્પકાર મુંજાયો કે હવે શું કરવું? એણે કરેલી ઉંડાણપૂર્વકની વિચારણાને અંતે એવુ નક્કિ કર્યુ કે મૂર્તિ હાથ વગરની જ રાખવી. એક ખુબ મોટા પથ્થર પર આ હાથ વગરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. અને એ મોટા પથ્થર પર એક ખુબ સરસ મજાનો સંદેશો લખવામાં આવ્યો
"
મારે કોઇ હાથ નથી મારા હાથ તમે જ છો "

મિત્રો , આપણે જ ભગવાનના હાથ છીએ અને આપણે જ ભગવાનના પગ છીએ. ભગવાન પાસેથી જે કામની અપેક્ષા રાખીએ છીએ એ આપણે જ કરવું પડશે. ભગવાનને હજાર હાથવાળો એટલે જ કહેવાયો છે કારણ કે સમગ્ર માનવજાતના હાથ એ એના હાથ છે. આવો આપણા સદ્કર્મો દ્વારા ભગવાનના હાથને મજબુત બનાવીએ.

No comments: