Saturday 6 February 2016

સમસ્યાની અસર હકારાત્મક વિચારોના અભાવને કારણે જ વધુ અનુભવાતી હોય છે.

સમસ્યાઓથી ઘેરાયેલો એક યુવાન પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક વિદ્વાન પાસે ગયો. આ યુવાનની વાતો સાંભળતા જ વિદ્વાનને સમજાઇ ગયુ કે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઇ ગયો છે.

વિદ્વાને આ યુવાનને પાણીનો એક ગ્લાસ આપ્યો અને આ ગ્લાસમાં મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ. યુવાને તો એને સાદા પાણીનો ગ્લાસ સમજીને મોઢે માંડ્યો. હજુ તો સહેજ પાણી મોઢામાં ગયુ કે તુરંત જ ઉભો થઇ ગયો અને ' થું.....થું......' કરવા લાગ્યો. વિદ્વાને પુછ્યુ , " કેમ ભાઇ શું થયું ? કેમ ઉભો થઇને પાણી બહાર થુકી આવ્યો ? " યુવાને ગુસ્સા સાથે કહ્યુ, " તમે પણ શું પંડીત થઇને આવી મશ્કરી કરો છો ! આટલુ ખારુ પાણી તે મોઢામાં જતુ હશે ?"

પંડીતે યુવાનની માફી માંગી અને પછી કહ્યુ " ચાલ આપણે બહાર ફરવા માટે જઇએ. તારા બધા જ સવાલના જવાબ તને ત્યાં આપીશ અને તારી સમસ્યાઓના ઉકેલ પણ તને બતાવીશ. " યુવાન અને પંડીત ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું તળાવ હતુ એ તળાવના કાંઠા પર બંને બેઠા. વિદ્વાને પોતાના કોટના અંદરના ખીસ્સામાંથી એક નાની થેલી બહાર કાઢી તો તેમાં મીઠું હતુ.

યુવાન વિચારમાં પડી ગયો કે અહિયા તે મીઠાને શું કરવું હશે ? પેલા વિદ્વાને આ થેલીમાંથી એક મુઠી ભરીને મીઠુ તળાવમાં નાખ્યું. થોડીવાર પછી યુવાનને કહ્યુ " બેટા હવે જરા આ તળાવનું પાણી પી અને મને જણાવ કે તને પાણી કેવુ લાગે છે." યુવાને તળાવમાંથી ખોબો ભરીને પાણી પીધુ અને પછી વિદ્વાનને કહ્યુ , " પંડીતજી પાણી સરસ મીઠું છે અને તમે જે મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ તળાવમાં એની કોઇ અસર આ પાણીની મીઠાશ પર થઇ નથી. "

વિદ્વાને યુવાનને કહ્યુ " અરે, ભાઇ ઘરે પાણીના ગ્લાસમાં પણ એક મુઠી મીઠું નાખ્યુ હતું ત્યારે તો મીઠાની અસર થઇ હતી તો અત્યારે કેમ ના થઇ? " યુવાન કહે, " પંડીતજી તમે પણ કેવી વાત કરો છો ! ઘરે જે પાણીમાં એક મુઠી મીઠુ નાખ્યુ તે પાણીનો જથ્થો ઓછો હતો એટલે અસર થઇ અને અહિંયા પાણીનો જથ્થો વધુ છે એટલે અસર ન થઇ. "

વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડી અને પ્રેમથી કહ્યુ , " બેટા સમસ્યા તો આ મુઠીભર મીઠા જેટલી એક સરખી જ હોય છે પણ જો આપણે આપણા વિચારોનું વાસણ મોટુ કરી દઇએ તો એ સમસ્યાની કોઇ અસર ન થાય. "

મિત્રો , આપણા વિચારોરુપી જળનો જથ્થો જો પુરતા પ્રમાણમાં હશે તો આવનારી સમસ્યાની કોઇ વિપરિત અસર જીવન પર નહી પડે. સમસ્યાની અસર હકારાત્મક વિચારોના અભાવને કારણે જ વધુ અનુભવાતી હોય છે.

No comments: