Thursday 4 February 2016

આપણી આસપાસના આપણા ભાઇબહેનોને આ જ દૃષ્ટીથી જોવાનો પ્રયાસ કરીએ કદાચ ઉપરવાળો આપણો બાપ વધુ રાજી થશે.

એક ખુબ મોટું ચર્ચ હતું. અમિરોનું ચર્ચ. અમિરોનું એટલા માટે કારણ કે એ ચર્ચ અમિર-ઉમરાવો જે વિસ્તારમાં રહેતા હતા એ પોશ વિસ્તારમાં આવેલું હતું અને ચર્ચમાં પૈસાદાર લોકો જ પ્રાર્થના કરવા માટે આવતા હતા. પ્રાર્થના કરવા આવનાર તમામ લોકોના કપડા અને વર્તન પરથી જ તેની અમિરાતનો પરિચય મળતો હતો.

રવિવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે આવ્યા હતા. આખું ચર્ચ ખીચો-ખીચ ભર્યુ હતું. ચર્ચના પાદરી બધાને ધર્મસંદેશ આપી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સાવ ભિખારી જેવો માણસ રખડતો ભટકતો આ ચર્ચમાં આવી ચડ્યો. એને તો એવી કોઇ ખબર નહોતી કે આ ચર્ચમાં બધા ધનકુબેર જ આવતા હોય છે. ચર્ચમાં દાખલ થયેલો પેલો માણસ એના કપડાના પણ કોઇ ઠેકાણા ન હતા ફાટેલા-તુટેલા કપડા, વધી ગયેલી દાઢી, શરિરમાંથી આવતી દુર્ગંધ. એ દાખલ થયો એટલે બધા લોકો એની સામે જોવા લાગ્યા. પાદરીનું ધ્યાન પણ એના તરફ ગયુ. પાદરી સહિત બધાને આ માણસ પ્રત્યે અણગમો થયો પણ કોઇ બોલ્યુ નહિ.

પેલો માણસ તો ધીમે ધીમે આગળ વધ્યો. એક બેંચ પર સહેજ જગ્યા હતી એ બેસવા ગયો કે તુરંત જ ત્યાં બેઠેલી વ્યક્તિ પહોળી થઇને બેસી ગઇ જેથી આ માણસની બાજુમાં બેસવું ન પડે. અને બાકીના બધા પણ ફટાફટ પહોળા થઇ ગયા જેથી બેસવા માટે કોઇ જગ્યા જ ન મળે.
ભિખારી જેવો એ માણસ બેસવાની જગ્યા શોધતો શોધતો છેક આગળ આવી ગયો અને જગ્યા ન મળવાથી એ રસ્તામાં પાદરીની બરાબર સામે જ નીચે જમીન પર બેસી ગયો.

થોડીવારમાં પાછળથી એક વૃધ્ધ આગળ આવ્યો. એના હાથમાં લાકડી હતી. બધાને થયુ કે આ વૃધ્ધ પેલા ભિખારીને લાકડીથી ઠપકારશે અને બધા આવુ જ ઇચ્છતા હતા. ધીમે ધીમે પેલા વૃધ્ધ ભિખારી સુધી પહોંચ્યા. હવે તો પાદરીએ પણ પોતાનું પ્રવચન બંધ કરી દીધું બધા એ જોવા લાગ્યા કે આ વૃધ્ધ હવે શું કરે છે? વર્ષોથી ચર્ચમાં આવતા આ વૃધ્ધ પેલા ભિખારી પાસે આવીને એની બાજુમાં જ નીચે બેસી ગયા. એણે ભિખારીનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લીધો અને કહ્યુ , “ ભાઇ, તું ચર્ચમાં આવ્યો ત્યારે આ પાદરી પ્રભુનો સંદેશો આપીને સમજાવતા હતા કે દરેક માનવ પ્રભુનું સંતાન છે. એટલે એનો મતલબ એ કે તું પણ પ્રભુનું સંતાન અને હું પણ પ્રભુનું સંતાન અર્થાત આપણે બંને ભાઇ થયા કહેવાઇ. હું ઉભો થઇને તારી પાસે એટલા માટે આવ્યો કારણકે તને એકલું ના લાગે ભાઇ.

આપણે પણ આપણી આસપાસના આપણા ભાઇબહેનોને આ જ દૃષ્ટીથી જોવાનો પ્રયાસ કરીએ કદાચ ઉપરવાળો આપણો બાપ વધુ રાજી થશે.

No comments: