Thursday 4 February 2016

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી.

થોડો સમય આપીને આ વાતને પુરેપુરી વાંચજો.

16-17
વર્ષની ઉંમરનો એક ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના આ લાડકવાયા દિકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દિકરાને એનો બાપ પોતાની બાંહોમાં ઉપાડીને ડોકટર પાસે લાવ્યા. આ છોકરાને તપાસ્યા બાદ ડોકટરો અંગ્રેજીમાં અંદરોઅંદર વાત કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળે એ પહેલા જ એના પિતાએ ડોકટરને વાત કરતા અટકાવ્યા.છોકરો પણ હોશિયાર હતો અને અંગ્રેજી સારુ જાણતો હતો એટલે ડોકટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા બાપને સમજતા વાર ન લાગી કે દિકરાને પણ સમજાઇ ગયુ છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દિકરાને એટલું કહ્યુ કે બેટા તારી મમ્મીને આ વાતની ખબર ન પડવા દેતો. છોકરાએ એના પપ્પાને હિંમત આપતા એટલું જ કહ્યુ કે પપ્પા ચિંતા ના કરશો મમ્મીને આ બાબતે કંઇ જ ખબર નહિ પડે.

એ છોકરાને ઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબધ ધરાવતા એક ડોકટરને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર છોકરાને રુબરુ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઇને પુછ્યુ , " બેટા , જીવવું છે ? "

છોકરાએ આંખમાં આંસું સાથે જવાબ આપ્યો , " હા અંકલ , બહુ જ ઇચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઇ છોકરીએ મારા હદય રૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઇચ્છા છે. "

ડોકટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ , " બેટા , જો તારી જીવવાની ઇચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યું સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમા જીતીશું " ડોકટર પોતાના ઘેરથી વીસીઆર અને કેટલીક વિડીયો કેસેટ લઇ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ પ્રકારની આ કેસેટો હતી. ક્યારેક ડોકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે જો બેટા આ ફિલ્મના આ પાત્રને કેટલું દુખ પડે છે પણ એ કોઇ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.

હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફુંક્યા.ડોકટરોના તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દુર ઠેલતો રહ્યો. રીલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. અને પ્રેમના ફળ સ્વરૂપે એક દિકરી અને એક દિકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું.

આજે આ યુવાન 42 વર્ષનો છે. હમણા પોરબંદર એક કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે આ યુવાન સાથે સમય વિતાવવાની અને તેની સાથે વાતો કરવાની ખુબ જ મજા આવી.
આજે પણ એને ઘણી શારિરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે. અને છતાય આ યુવાન મોજથી જીંદગી જીવે છે કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર.

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી.

આ યુવાન એટલે પોરબંદરના રહેવાસી અને હાલમાં રાજકોટ ઇન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને પેલા ડોકટર એટલે ડો. આઇ. કે. વિજળીવાલા.

No comments: