Thursday 4 February 2016

જીવનની પ્રત્યેક પળને મન ભરીને માણિએ........

એક બેકાર યુવાન નોકરીની શોધમાં બધે ભટકી રહ્યો હતો પરંતું એને ક્યાંય પણ નોકરી મળતી ન હતી. ખુબ પ્રયાસો કરવા છતા પણ નોકરી ન મળતી હોવાથી એ ખુબ હતાશ હતો. એકદિવસ એ ઘર છોડીને નિકળી ગયો. આમતેમ આંટા મારીને દિવસ પસાર કર્યો. ભુખ પણ ખુબ લાગી હતી એટલે અન્નક્ષેત્રમાં જઇને પેટ ભરીને જમી આવ્યો.

રાત્રીના સમયે એ નગરની બહાર એક સરોવરના કિનારા પર આંટા મારી રહ્યો હતો કે અચાનક એના પગમાં કોઇ થેલી અટવાઇ. એણે જોયુ તો એક નાની થેલી હતી. અંધારામાં કંઇ ખબર નહોતી પડતી કે આ થેલીમાં શું છે. એણે વિચાર્યુ કે જે હોય તે સવારે જોઇશ એમ નક્કિ કરીને થેલી હાથમાં લીધી અને એ થેલી પોતાની સાથે લઇને આગળ ચાલવા લાગ્યો.

એક જગ્યાએ સરોવરના કાંઠા પર એ બેઠો. એણે થેલીમાં હાથ નાખ્યો તો નાના નાના પથ્થર હોઇ એવું લાગ્યું. એણે એક પથ્થર ઉપાડ્યો અને સરોવરના શાંત જળમાં ફેંક્યો. પથ્થર પાણીમાં પડતા નિરવ શાંતિને કારણે સાંભળવો ગમે એવો મધુર અવાજ થયો. યુવાનને અવાજ સાંભળવો ગમ્યો એટલે થેલીમાંથી બીજો પથ્થર કાઢીને પાણીમાં ફેંક્યો.

એક એક પથ્થર પાણીમાં ફેંકતો ગયો અને મધુર અવાજનો આનંદ લેતો ગયો. થેલી માંનો છેલ્લો પથ્થર હાથમાં હતો અને સવારનું અજવાળું થયું. પથ્થરને સરોવરમાં ફેંકતા પહેલા સહેજ પથ્થર સામે જોયુ અને જોતો જ રહી ગયો. એ પથ્થર નહિં પરંતું અમૂલ્ય હિરો હતો. એ હવે રડવા લાગ્યો કે મેં આખી રાત આ અમૂલ્ય હિરા પાણીમાં ફેંકવાનું કામ કર્યુ.

મિત્રો, આપણે પણ આ યુવાનની જેમ આપણી પાસે રહેલા સમય ( Time) રૂપી હિરાને વેડફી રહ્યા છીએ અને કમનસિબી એ છે કે જ્યારે આપણને આ વાત સમજાય છે ત્યારે આપણી પાસે સમય જ નથી વધ્યો હોતો. જીવનની પ્રત્યેક પળને મન ભરીને માણિએ........

No comments: