Friday 5 February 2016

ભારતિય સંસ્કૃતિના સનાતન સિધ્ધાંતો અને વિચારો પણ આ સોનાના સિક્કા જેવા છે.

એક જાહેર કાર્યક્રમમાં પોતાના પ્રવચન દરમિયાન વ્યાખ્યાતાએ શ્રોતાઓને સોનાનો મોટો સિક્કો બતાવીને પછી કહ્યુ કે મારે આ સિક્કો અહિંયા ઉપસ્થિત શ્રોતાઓ પૈકી કોઇ શ્રોતાને આપવો છે. આપનામાંથી જેટલાને આ સિક્કો જોઇતો હોય તે પોતાનો હાથ ઉંચો કરો. સભાખંડમાં બેઠેલા લગભગ તમામ લોકોનો હાથ ઉંચો થયો.

પેલા વક્તા આ સોનાના સિક્કા પર થુંક્યા અને પછી પુછ્યુ કે હવે બોલો જોઇએ છે આ સિક્કો ? જવાબમાં બધી જ આંગળીઓ ઉંચી હતી. વક્તાએ નાની હથોડી મંગાવીને સોનાના સિક્કાને ટીંચવાનું શરુ કર્યુ અને એ સિક્કા પર કેટલાય ગોબા પાડી દીધા પછી ફરી એ જ સવાલ પુછ્યો અને જવાબમાં બધી જ આંગળીઓ ઉંચી હતી.

વકતાએ હવે સિક્કાના બે ટુકડા જ કરી નાંખ્યા અને એના પર થોડો ગંધાતો કાદવ કીચડ પણ નાંખ્યો અને પછી પુછ્યુ કે હવે આ સિક્કો લેવા કોઇ તૈયાર છે. જવાબમાં એટલી જ આંગળીઓ ઉંચી હતી જેટલી સૌથી પહેલી વખત થઇ હતી.

વક્તા સિક્કા પર કોઇ નવો પ્રયોગ કરે તે પહેલા જ એક શ્રોતા ઉભો થયો અને એણે કહ્યુ , " મહાશય , આપ આ સિક્કા સાથે જેટલું ખરાબ કરવું હોઇ એટલું કરો પણ એની માંગમાં કોઇ ઘટાડો નહી થાય. કારણ કે સિક્કાને ગમે તેટલો બદસુરત કરવાથી પણ સોનાના મૂલ્યમાં કોઇ ઘટાડો થવાનો નથી. સોનું એ તો સોનું જ છે. સિક્કો સારો દેખાય છે એટલે એને લેવા માટે લોકો હાથ ઉંચો નથી કરતા પણ સિક્કો સોનાનો છે માટે હાથ ઉંચા થાય છે."

મિત્રો , ભારતિય સંસ્કૃતિના સનાતન સિધ્ધાંતો અને વિચારો પણ આ સોનાના સિક્કા જેવા છે. લોકોને એના પર જેટલું થુંકવું હોઇ એટલું થુંકે પોતાની વિદ્વતા સાબિત કરવા જેટલો કાદવ ઉછાળવો હોય એટલો કાદવ ઉછાળે કે એને ટીંચીને કે એના ટુકડા કરીને મૂલ્યહિન કરવાના જેટલા પ્રયાસો કરવા હોય એટલા પ્રયાસો ભલે કરે પણ મહાન ઋષિમુનિઓએ આપેલા એ વિચારોના મૂલ્યમાં સોનાના સિક્કાની જેમ કોઇ જ ઘટાડો નહી થાય.

No comments: