Friday 5 February 2016

નાનુ એવુ એક કામ ખાસમ ખાસ કરજો, તમારી જ અંદર તમારી તપાસ કરજો.....

સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીએ એકવાર મનુષ્યને પોતાની પાસે બોલાવીને પૂછ્યુ , " મે તમને આ ધરતી પર મોકલ્યા છે હવે મારે એ જાણવું છે કે તમારી ઇચ્છા શું છે ? તમે શું ચાહો છો ?" મનુષ્યએ કહ્યુ , " મારે જીવનમાં ખુબ પ્રગતિ કરવી છે, સુખ-શાંતિ જોઇએ છે અને બધા જ લોકો મારી પ્રશંસા કરે અને મારો આદર કરે એવુ ચાહુ છું "

બ્રહ્માજીએ મનુષ્યની સામે બે થેલા મુક્યા અને પછી કહ્યુ , " તમારે તમારી સાથે આ બે થેલા લઇ જવાના છે. એક થેલામાં તમારા પરિચિતોની ખરાબ બાબતો અને એના દોષો ભરેલા છે. એ થેલાને તમારે તમારી પીઠ પર લાદવાનો છે. એ થેલાને ક્યારેય ખોલવાનો નથી ખાસ કરીને બીજાલોકોની હાજરીમાં તો એ થેલાને ખોલવો જ નહી એને હંમેશા બંધ રહેવા દેવાનો છે. એ થેલામાનું કંઇ તમે પણ ન જોશો અને બીજાને પણ ન બતાવશો. "

મનુષ્યએ જીજ્ઞાશાવશ પૂછ્યુ , " આ બીજા થેલામાં શું છે ? " બ્રહ્માજીએ કહ્યુ , " આ બીજા થેલામાં તમારા પોતાના દોષો અને દુર્ગુણો ભરેલા છે. એ થેલાને તમારે આગળના ભાગે લટકાવવાનો છે. તમારા આ થેલાને તમારે વારંવાર ખોલીને જોવાનો છે અને બીજાને પણ જોવા દેવાનો છે. "

મનુષ્ય તો બંને થેલા ઉપાડીને ચાલતો થયો. પરંતુ ઉતાવળમાં તેનાથી એક ભુલ થઇ ગઇ. મનુષ્યએ પરિચિતોના દોષોનો થેલો આગળ લટકાવ્યો અને એને વારંવાર ખોલીને જોવા લાગ્યો તથા બીજાને બતાવવા પણ લાગ્યો. પોતાના દોષોનો થેલો પીઠ પાછળ રાખી દીધો અને આ થેલાનું મોઢુ તો બરોબર કસકસાવીને બાંધી દીધુ.

થેલા ઉલટ-સુલટ થવાને કારણે બ્રહ્માજીએ આપેલ વરદાન પણ ઉલટ-સુલટ થઇ ગયુ. મનુષ્યને પ્રગતિને બદલે અધોગતિ મળી , સુખ -શાંતિને બદલે દુ:ખ-અશાંતિ ભેટમાં મળ્યા અને લોકો પાસેથી આદરને બદલે અનાદર મળ્યો. લોકો પ્રશંસા કરવાને બદલે ટીકા કરવા લાગ્યા.

મિત્રો , જો આપણે મનુષ્યએ કરેલી આ ભુલને સુધારી લઇશું તો બ્રહ્માજી પાસે મનુષ્યએ કરેલી માંગણી મુજબ આપણા જીવનમાં પ્રગતિ , સુખ-શાંતિ અને આદર-સન્માન અચૂક આવશે. નાનુ એવુ એક કામ ખાસમ ખાસ કરજો તમારી જ અંદર તમારી તપાસ કરજો

No comments: