Thursday 30 June 2016

કોઇપણ કામ હોય કે પછી સંબંધોની જાળવણી હોય, જો તમારુ એ બાબતમાં 100% યોગદાન હશે તો તમે ઘસઘસાટ ઉંઘી શકશો નહિતર શંકાશિલ બનીને પડખા જ બદલ્યા કરશો.



એક છોકરો અને છોકરી ખુબ સારા મિત્રો હતા. બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને એકબીજાની વસ્તુઓની આપ-લે કરતા. છોકરા પાસે રંગબેરંગી પથ્થરો હતા જે છોકરીને ખુબ ગમતા હતા અને છોકરી પાસે જુદા-જુદા પ્રકારની લખવાની પેનો હતી જે છોકરાને ખુબ ગમતી.

દિવાળીના તહેવાર પર બંને ભેગા થયા. છોકરા એ છોકરીને કહ્યુ , “ તારી પાસે જે વિદેશી પેનો છે એ મને ખુબ ગમે છે તું મને તારી બધી જ પેનો આપી દે તો બદલામાં હું તને મારી પાસે છે એ બધા જ રંગબેરંગી પથ્થરો આપુ.છોકરીને તો આ જ જોઇતું હતુ એણે તો તરત જ હા પાડી દીધી.

ઘર પર જઇને છોકરાએ વિચાર્યુ કે મેં ભલે બધા જ પથ્થર આપવાનું કહ્યુ હોય પણ એને ક્યાં ખબર છે કે મારી પાસે કેટલા પથ્થર છે ?. થોડા પથ્થર હું મારી પાસે રાખુ અને બાકીના એને આપી દઉં. બીજા દિવસે બંને મળ્યા. છોકરીએ છોકરાને પોતાની પાસેની પેનો આપી અને બદલામાં મનગમતા પથ્થરો લીધા. બંને એકબીજાનો આભાર માનીને છુટા પડ્યા.

છોકરી તો આજે ખુબ આનંદમાં હતી એને જોઇતી વસ્તુ આજે એના હાથમાં હતી. રાત્રે એ ઘસઘસાટ ઉંઘી ગઇ. છોકરાને ઉંઘ આવતી નહોતી એ પડખા બદલી રહયો હતો અને વિચારતો હતો કે મેં થોડા પથ્થરો મારી પાસે રાખ્યા એમ છોકરીએ પણ થોડી પેન કદાચ પોતાની પાસે રાખી લીધી હશે. એણે પણ મારી સાથે છેતરપીંડી કરી હશે. આ વિચારમાં ને વિચારમાં એ ઉંઘી જ ન શક્યો.

બીજા દિવસે છોકરીને મળીને છોકરાએ પુછ્યુ , “ ગઇકાલે તને ઉંઘ આવી હતી?” છોકરીએ જવાબ આપ્યો , “ હાં બહુ સારી ઉંઘ આવી હતી.છોકરાએ છોકરીને બધી જ સાચી વાત કરી એટલે છોકરી એ કહ્યુ , “ જો દોસ્ત , મારી પાસે જે હતુ તે મે 100% તને આપી દીધુ એટલે મને ઉંઘ આવી ગઇ અને તારી પાસે જે હતુ તેમાંથી તે થોડુ તારી પાસે રાખ્યુ એટલે તને મારા પ્રત્યે પણ શંકા જન્મી અને તું ઉંઘી ના શક્યો.

કોઇપણ કામ હોય કે પછી સંબંધોની જાળવણી હોય, જો તમારુ એ બાબતમાં 100% યોગદાન હશે તો તમે ઘસઘસાટ ઉંઘી શકશો નહિતર શંકાશિલ બનીને પડખા જ બદલ્યા કરશો.
 

No comments: