Saturday 18 June 2016

આપણા ભાગમાં આવેલા દરેક કામને પુરી નિષ્ઠાથી કરવું.



નાના ગામડામાં રહેતો એક છોકરો બાજુમાં આવેલા જંગલમાંથી લાકડા કાપીને નજીકમાં આવેલા શહેરમાં વેંચવા માટેનું કામ કરતો હતો. આ રીતે કામ કરવાથી જે આવક થતી તે આવકમાંથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. આખો દિવસ એ લાકડા કાપે અને સાંજે ભારો બાંધીને શહેરમાં વેંચવા માટે પહોંચી જાય.

એકદિવસ આ છોકરો પોતાના લાકડાનો ભારો લઇને રોજની જેમ શહેરમાં આવ્યો. એક સદગૃહસ્થનું ધ્યાન ગયુ કે આ બાળકે લાકડાના ભારાને બહુ વ્યવસ્થિત રીતે બાંધ્યો હતો. લાકડાનો ભારો બાંધવાનું કામ બહું સામાન્ય હતુ પણ આ બાળકે એ કામ એટલી ચિવટથી કર્યુ હતુ કે પેલા સદગૃહસ્થ પ્રભાવિત થયા.

બાળક પાસે જઇને પુછ્યુ , “ બેટા , આ લાકડાનો ભારો કોણે બાંધ્યો છે ?” બાળકે જવાબ આપ્યો , “ અરે શેઠ બીજુ કોણ બાંધે મેં મારી જાતે જ આ ભારો બાંધ્યો છે. આપને વિશ્વાસ ના આવતો હોઇ તો લો આપની સામે જ ફરીથી બાંધી બતાવું.આટલુ કહીને એ બાળકે લાકડાનો ભારો છોડી નાંખ્યો અને ફરીથી બાંધીને બતાવ્યો. પહેલા જેટલો સરસ રીતે બાંધ્યો હતો બીલકુલ એવી જ રીતે.

સદગૃહસ્થએ બાળકને પુછ્યુ , “ બેટા અહિં બીજા ઘણા લોકો લાકડાનો ભારો લઇને આવે છે કોઇ આટલી સરસ રીતે ભારો બાંધતું નથી અને મને લાગે છે કદાચ એની જરુર પણ નથી કારણ કે અહિંયા આવીને એ છોડવાનો જ છે તો એને બાંધવામાં વધુ સમય શા માટે બગાડવો ?” બાળકે કહ્યુ , “ બીજા લોકો શું કરે છે કે વિચારે છે એ મને ખબર નથી પણ હું મારા સાવ સામાન્ય અને નાના કામને ક્યારેય નાનું ગણતો જ નથી.

પેલા સદગૃહસ્થ બાળકની આ વાત સાંભળીને એના પર ખુબ પ્રસન્ન થયા અને પોતાના ખર્ચે આ બાળકને ભણાવવાની ઇચ્છા વ્યકત કરી. બાળક આ માટે તૈયાર થયો . લાકડા કાપવાનું બંધ કરીને એણે ભણવાનું શરુ કર્યુ .

લાકડા કાપનારો આ બાળક એટલે મહાન ગણિતજ્ઞ પાઇથાગોરસ અને પેલા સદગૃહસ્થ એટલે ડેમોક્રિટસ.

આપણા ભાગમાં આવેલા દરેક કામને પુરી નિષ્ઠાથી કરવું. નાના નાના કામો પણ પુરી લગન અને ઇમાનદારીથી કરવામાં આવે તો એનું પરિણામ આપણને અને સામાવાળાને બંનેને પ્રસન્નતા આપે છે.

No comments: