Thursday 30 June 2016

ઈશ્વરના સંકેતો



ઈશ્વરના સંકેતો :
==========

મનુ ખુબ ધાર્મિક હતો. ભગવાનમાં તેને ખુબજ શ્રદ્ધા હતી. તેને એટલી બધી આસ્થા હતી કે મનમાં ભગવાનની એક કાલ્પનિક તસવીર બનાવી રાખી હતી. મનુએ એવો વિશ્વાસ હતો કે એક દિવસ તો ભગવાન તેને મળશે જ. એક વાર તેને ભગવાનને મળવાની બહુજ તાલાવેલી થઇ.

તે શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને કહેવા લાગ્યો, “હે ભગવાન, મારી સાથે વાત કરો.બરાબર તેજ સમયે નજીકના વૃક્ષ પર બેઠેલી બુલબુલ ચહેકવા લાગી, પરંતુ મનુએ બુલબુલનો અવાજ સાંભળ્યો નહિ. તેને લાગ્યું કે ભગવાને તેની વાત સાંભળી નથી એટલે તે વધુ જોરથી બોલ્યો, “હે ઈશ્વર, મારી સાથે કઈક બોલો તો ખરા.તે સમયે આકાશમાં વાદળોનો ગડગડાટ થવા લાગ્યો, છતાં મનુના ધ્યાન પર આવ્યું નહિ અને તે તો ભગવાનને વિનવવામાંજ મસ્ત રહ્યો. તે તો ભગવાન આવીને તેની સાથે વાત કરે તેની રાહ જોવા લાગ્યો.

છેવટે થાક્યો ત્યારે બોલ્યો, “હે જગતના નાથ, દર્શન આપો.તે આવું બોલ્યો તેની સાથેજ વાદળોમાંથી સુરજે ડોકિયું કર્યું, પણ મનુનું ધ્યાન સુરજ પર ના પડ્યું. તે ખુબ મોટેથી બોલ્યો, ‘હે ભગવાન, મને કોઈ ચમત્કાર બતાવો.બરાબર ત્યારેજ એક શિશુનો જન્મ થયો અને તેના પ્રથમ રુદનનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો, પણ મનુને તે પણ સંભળાયું નહિ અને પછી તો તે રીતસર રડવા લાગ્યો અને યાચનાભરે કેહવા લાગ્યો, “હે ઈશ્વર, મને સ્પર્શ કરો. મને ખબરતો પડે કે તમે મારી આસપાસ છો કે નહિ.અને તે જ વખતે એક ચકલી આવીને તેના હાથ પર બેસી પણ તેણે ચકલીને ઉડાડી દીધી અને છેવટે નિરાશ થઈને ઘરે જતો રહ્યો.

આમ ભગવાને તેની સામે બુલબુલ-વાદળ-સુર્ય-શિશુ અને ચકલી સ્વરૂપે આવ્યા પરંતુ તે ઓળખીજ ન શક્યો.કારણ સ્પષ્ટ છે કે તેના મનમાં ભગવાનની એક કાલ્પનિક તસવીર હતી. મંદિરમાં મૂર્તિ ઓય છે એવા મનુષ્ય દેહરૂપી તસવીર કે પછી કોઈ કેલેન્ડરમાં હોય છે તેવી ભગવાનની તસવીર તે મનમાં ધરીને બેઠો હતો એટલે તે ભગવાનને એ જ સ્વરૂપે જોવા ઈચ્છતો હતો. ભગવાનના બીજા કોઈ સ્વરૂપની તે કલ્પના પણ ન કરી શક્યો.

બોધ :

ઈશ્વરને આપણે આપણી ધારણા મુજબ જોવા માંગીએ છીએ તેથી તે આસપાસ હોય તો પણ વ્યક્તિને દેખાતો નથી. આપણે જાણીએ છીએ કે ઇશ્વરતો પ્રકૃતિના કણે-કણમાં છે, અત્ર-તત્ર-સર્વત્ર છે. બસ, માત્ર તેના સંકેતો સમજવાની જરૂર છે.
 

No comments: