Saturday 18 June 2016

જ્યારે કોઇનું સારુ કામ જોઇએ ત્યારે દિલથી એની પ્રસંશા કરવી.



19મી સદીની આ વાત છે. પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગ્રેબિયલ રાઝોટીને એક આધેડવયનો ચિત્રકાર મળવા માટે આવ્યો હતો. ચિત્રકાર પોતાની સાથે કેટલાક ચિત્રો લાવ્યો હતો. દાંતેને આ ચિત્રો બતાવીને કહ્યુ , “ મહાશય , મેં ખુબ મહેનત કરીને આ ચિત્રો તૈયાર કર્યા છે. આપ આ ક્ષેત્રના શહેનશાહ છો એટલે મારા ચિત્રો માટે આપનો અભિપ્રાય લેવા માટે આવ્યો છું.

દાંતેએ ધ્યાનથી ચિત્રો જોયા પછી ચિત્રો પેલા આધેડના હાથમાં પરત આપતા કહ્યુ , “ આપે , ચિત્રો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે પણ મારે દુ:ખ સાથે કહેવુ પડે છે કે બધા જ ચિત્રો સાવ સામાન્ય છે એમાં કોઇ વિશેષતા જોવા મળતી નથી.આધેડ માણસે થોડા દુ:ખ સાથે દાંતેના હાથમાંથી ચિત્રો લઇ લીધા. પોતાની પાસેના થેલામાંથી એક ફાઇલ કાઢી અને એ દાંતેના હાથમાં આપતા કહ્યુ , “ આ એક યુવાને તૈયાર કરેલા ચિત્રો છે જરા આપ આ જોઇને આપનો અભિપ્રાય આપો.

ફાઇલનું એક એક પાનું ફરતુ ગયુ તેમ દાંતેના ચહેરા પરની પ્રસન્નત પણ વધતી ગઇ. ફાઇલમાં રહેલા બધા જ ચિત્રો દાંતેએ બીજી વખત જોયા. આધેડની સામે જોઇને કહ્યુ, “ ભાઇ , આ ચિત્રો તો અદભૂત છે. કલાકારે પોતાનો જીવ નીચોવી દીધો છે આ ચિત્રો તૈયાર કરવામાં જો આ ચિત્રકારને થોડી તાલીમ આપવામાં આવે તો એ મારા કરતા પણ વધુ સારો ચિત્રકાર બની શકે એમ છે. આ ચિત્રો દોરનાર યુવાન છે કોણ? તમારો દિકરો ?”

આધેડ માણસે આંખમાં આંસુ સાથે કહ્યુ , “ આ ચિત્રો દોરનાર યુવાન હું જ છું. આજથી 30 વર્ષ પહેલા મેં આ ચિત્રો બનાવેલા હતા. પરંતું આજે આપે જે રીતે મારા ચિત્રોની પ્રસંશા કરીને મને પ્રોત્સાહન પુરુ પાડ્યુ એવું કોઇએ 30 વર્ષ પહેલા કર્યુ હોત તો આજે હું પણ આપના જેવો ચિત્રકાર હોત.

જ્યારે કોઇનું સારુ કામ જોઇએ ત્યારે દિલથી એની પ્રસંશા કરવી. આપણી સામાન્ય પ્રસંશા એ વ્યક્તિના માટે પ્રોત્સાહનનું કામ કરે છે. બીજા કોઇ માટે ના કરીએ તો કંઇવાંધો નહી પણ પરિવારના સભ્યો અને મિત્રોના સારા કામની પ્રસંશા કરીને એની પીઠ થાબડવાનું ના ભુલતા.પ્રોત્સાહનના અભાવે જ ઘણી પ્રતિભાઓ મુરઝાઇ જાય છે.
 

No comments: