Saturday 18 June 2016

દરેક માણસ પોતાની તમામ શક્તિઓ માત્ર અને માત્ર પોતાના કામમાં જ કેન્દ્રિત કરે તો પરિણામ કંઇક જુદુ જ મળે.



એક ભાઇએ માલસામાનની હેરફેર કરવા માટે ગધેડો પાળ્યો હતો અને ઘરની ચોકી કરવા માટે કુતરો પાળ્યો હતો. એકવાર રાતના સમયે માલિક સુતો હતો. ગધેડો અને કુતરો પણ આરામ કરતા હતા. ફળીયામાં કંઇક ખખડવાનો અવાજ આવ્યો. ગધેડો અને કુતરો બંને જાગી ગયા. કુતરો તુરંત ઉભો થયો આસ-પાસ જોયુ અને પાછો બેસી ગયો અને આંખ મીંચી દીધી.

આ જોઇને ગધેડાને ગુસ્સો આવ્યો. એણે કુતરાને જગાડ્યો અને કહ્યુ , “ આ અવાજ આવ્યો તો પણ તું કેમ સુઇ ગયો. કદાચ આ ઘરમાં કોઇ ચોર ઘુસ્યા હોય એવુ બને માટે તારી ફરજ છે કે તારે ભસીને ઘરના માલિકને જગાડવા જોઇએ. આવું કંઇ કરવાના બદલે તું તો છાનોમાનો સુઇ જાય છે આતો કામચોરી કહેવાય.

કુતરાએ ગધેડાને કહ્યુ , “ ઘરની ચોકી કરવાની જવાબદારી મારી છે તારી નહી સમજ્યો ? મારે શું કરવું એ મને બહુ સારી રીતે ખબર છે માટે મહેરબાની કરીને મારા કામમાં વચ્ચે ટાંગ ન અડાડ. તું તારુ કામ સંભાળગધેડાને આ જવાબ ન ગમ્યો એણે વિચાર્યુ કે આ કુતરાનું કામ હું કરુ અને માલિકને જગાડુ એટલે ગધેડો તો મોટા મોટા અવાજથી ભુંકવા માંડયો. ઘરનો માલિક થાકીને ઘસઘસાટ ઉંઘતો હતો. ગધેડાના ભુંકવાના અવાજથી એ જાગી ગયો અને હાથમાં દંડો લઇને ગધેડા પર તુટી પડ્યો. ગધેડાને ખુબ માર પડ્યો.

પીડાથી કણસતા ગધેડાને જોઇને કુતરાએ કહ્યુ , “ મેં તને કહ્યુ હતુ કે તું તારું કામ કર પણ તેં મારી વાત ન માની તો હવે પરિણામ ભોગવ.

દરેક વ્યક્તિનું પોતાનું કામ નક્કિ થયેલું હોય છે. આપણે ખરેખર આપણા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ પણ એમ કરવાને બદલે બીજાના કામમાં સમજ ન પડતી હોવા છતા પણ દખલ કરીએ છીએ. દરેક માણસ પોતાની તમામ શક્તિઓ માત્ર અને માત્ર પોતાના કામમાં જ કેન્દ્રિત કરે તો પરિણામ કંઇક જુદુ જ મળે.
 

No comments: