Thursday 30 June 2016

માત્ર પૈસો કે પદના આધારે જ વ્યક્તિને નાની કે મોટી સમજવાની ભુલ ક્યારેય ન કરવી.



શહેરની એક નામાંકિત શાળામાં વાર્ષિક પરિક્ષાઓ પુરી થયા બાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ક્વિઝ રાખવામાં આવી. શિક્ષકે પ્રથમ વર્ષ પૂર્ણ કરેલ બધા જ વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભેગા કર્યા. વિદ્યાર્થીઓને સુચના આપતા કહ્યુ , “ આપના માટે એક નાની ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. તમને બધાને એક પ્રશ્નપત્ર આપવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં જુદી-જુદી બાબતોને લગતા માત્ર 10 પ્રશ્નો પુછવામાં આવ્યા છે. જે તમામ પ્રશ્નોના સાચા ઉતરો આપશે એને ઇનામ આપવામાં આવશે.

પ્રશ્નપત્ર હાથમાં આવતા જ બધા વિદ્યાર્થીઓ ફટાફટ જવાબ આપવા લાગ્યા. વર્ગના સૌથી હોશિયાર વિદ્યાર્થીએ તો માત્ર 9 મિનિટમાં જ 9 પ્રશ્નોના જવાબ આપી દીધા પણ 10માં પ્રશ્નનો ઉતર આપવા માટે એ 10 મિનિટથી વિચાર કરતો હતો પણ એને જવાબ યાદ જ નહોતો આવતો. વર્ગના તમામ વિદ્યાર્થી આ 10માં નંબરના પ્રશ્ન પર આવીને અટકી ગયા.

એક વિદ્યાર્થી તો પોતાની જગ્યા પર ઉભો જ થઇ ગયો અને કહ્ય , “ સર, 10માં નંબર પરના પ્રશ્નનો જવાબ ન આપીએ તો ચાલે?” શિક્ષકે વળતો ઉતર આપ્યો , “ ના બેટા , નહી ચાલે. એ પ્રશ્ન બાકીના પ્રશ્ન જેટલો જ અગત્યનો છે. બાકીના બધા જ પ્રશ્નોના જવાબ સાચા હશે પરંતું જો 10માં નંબરના પ્રશ્નનો જવાબ નહી આપ્યો હોય કે ખોટો આપ્યો હશે તો ઇનામ નહી મળે.

પ્રશ્નપત્રનો છેલ્લો સવાલ કંઇક આવો હતો.
પ્રશ્ન નંબર. 10. – આપણી શાળાના દરવાજા પર બેસીને તમારા બધાનું ધ્યાન રાખનાર વોચમેનનું પુરુ નામ લખો.

આપણી આ જીવનયાત્રામાં અનેક લોકોનો નાનો મોટો ફાળો હોય છે. આ બધા જ લોકો આપણી હુંફ અને પ્રેમ ઝંખતા હોય છે. માત્ર પૈસો કે પદના આધારે જ વ્યક્તિને નાની કે મોટી સમજવાની ભુલ ક્યારેય ન કરવી.
 

No comments: