Thursday 30 June 2016

શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિકો તૈયાર કરી શક્તો નથી તેવી જ રીતે સંઘર્ષ વગરનુ જીવન માણસને જીવતી લાશ જ બનાવી દે છે. પડકારો અને પ્રશ્નો જ માણસને સતત જીવંત રાખે છે.



માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલી એક જાપાનીઝ કંપની થોડી મુશ્કેલીમાં હતી. મુશ્કેલીનું કારણ માત્ર એટલુ જ હતું કે એ જે પ્રકારની માછલીઓનું વેચાણ કરતી હતી એવી માછલીઓ હવે જાપાનના સમુદ્રકિનારાથી ખુબ દુર હતી. આથી માછીમારી કરવા માટે દુર જવુ પડતુ હતુ અને દુરથી માછીમારી કરીને જ્યારે પરત ફરે ત્યારે આ વાસી માછલીનો સ્વાદ પણ ફરી જતો હતો અને લોકો તે ખરિદવાનું પસંદ કરતા ન હતા.

માછલીને વાસી થતી અટકાવવા માટે કંપનીએ એક મોટુ ડીપ-ફ્રિઝર લીધુ. માછીમારી કરવા જતી વખતે આ ડીપ-ફ્રિઝર પણ સાથે લઇ જવાનું અને માછલીને પકડીને આ ફ્રિઝરમાં મુકી દેવાની જેથી તે એવીને એવી તાજી રહે. થોડા સમયમાં જ કંપનીને સમજાઇ ગયુ કે લોકોને ફ્રિઝ કરેલી આ માછલી પણ પસંદ પડતી નથી કારણકે એને ફ્રીઝ કરવાથી તાજી માછલી જેવો સ્વાદ નથી આવતો.

કંપની પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માંગતી હતી આથી હવે એક બીજો રસ્તો અપનાવ્યો. વહાણમાં જ પાણીની ટેંક બનાવી અને માછલીને પકડીને આ ટેંકમાં નાખવામાં આવે આથી માછલી જીવતી રહે અને કાંઠા સુધી જીવતી જ લાવી શકાય અને તાજી માછલીઓ ગ્રાહકને પુરી પાડી શકાય. કંપનીની આ તરકીબ પણ નિષ્ફળ રહી કારણકે માછલીઓ જીવતી તો હતી પરંતું નાની ટેંકમાં પડી રહેવાના કારણે એ સાવ જીવવગરની થઇ જતી એનામાં કોઇ તરવરાટ જોવા ન મળતો જેની તેના સ્વાદ પર પણ અસર થતી.

કોઇ એક કર્મચારીએ કંપનીને એક સુચન કર્યુ કે જે ટેંકમાં માછલીઓ રાખવામાં આવે છે એ ટેંકમાં એક નાની શાર્ક પણ રાખવી.” . મેનેજમેન્ટે કહ્યુ , “ પણ આનાથી શું ફેર પડશે?” . કર્મચારીએ જવાબ આપ્યો કે માછલીઓ ટેંકમાં નિષ્ક્રિય પડી રહે છે એટલે એની તાજગી જતી રહે છે. જો ટેંકમાં તેની સાથે નાની શાર્ક હશે તો એણે શાર્ક સાથે પોતાના અસ્તિત્વ માટે સતત લડાઇ કરવી પડશે અને એની આ સંઘર્ષયાત્રા જ માછલીને છેક સુધી તાજી રાખશે.આ સુચન સ્વિકારવામાં આવ્યુ અને કંપની પોતાની મુશ્કેલીમાંથી બહાર પણ આવી ગઇ.

શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિકો તૈયાર કરી શક્તો નથી તેવી જ રીતે સંઘર્ષ વગરનુ જીવન માણસને જીવતી લાશ જ બનાવી દે છે. પડકારો અને પ્રશ્નો જ માણસને સતત જીવંત રાખે છે.

No comments: