Thursday 30 June 2016

બીજા માટે કરવાના દરેક કામ પોતાના માટે જ છે એ ભાવથી કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે..



હમેશા શ્રેષ્ઠ કરતા રહેવાની પ્રેરણાદાયી વાર્તા...
♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♠♣

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે.

પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી. માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એમણે કામ ચાલુ રાખવા માટે ખુબ સમજાવ્યો પણ કારીગર પોતાના નિર્ણયમાં મક્કમ હતો. નાછુટકે માલિકે એને કામ છોડવાની મંજુરી આપી પણ એક શરત મુકી કે તારે જતા પહેલા એક છેલ્લુ કામ કરવાનું એ કામ પુરુ થયા બાદ તને તારા કામમાંથી મુક્તિ આપવામાં આવશે. કારીગરે માલિકની વાત માન્ય રાખી.

માલિક દ્વારા અંતિમ કામ તરીકે એક સુંદર ભવનના નિર્માણનું કામ આ કારીગરને સોંપવામાં આવ્યું. આખુ મકાન લાકડામાંથી તૈયાર કરવાનું હતુ અને ગમે તેટલો ખર્ચ થાય પાછુ વાળીને જોવાનું ન હતું. કારીગર માટે આ આખરી કામ હતું આથી કામમાં એનું બહુ મન લાગતું ન હતું એના હાથ પણ હવે ઢીલા પડી ગયા હતા.

પહેલા એ પોતાની જાતે ઉત્તમ લાકડાની પસંદગી કરતો હતો પણ આ મકાન માટે એણે ઘણુ ખરુ કામ બીજા પર જ છોડી દીધુ હતું. જેમ તેમ કરીને એણે પોતાને સોંપાયેલા આ અંતિમ કામને પૂર્ણ કર્યુ અને એ પોતાના માલિકને મળવા માટે ગયો. તૈયાર થયેલા નવા ભવનની ચાવી એણે માલિકના હાથમાં મુકી અને હવે કામમાંથી નિવૃત કરવા માટે વિનંતી કરી.

માલિક પોતાના આ સૌથી પ્રિય કારીગર પાસે ગયા એને પ્રેમથી ભેટ્યા અને પછી કહ્યુ , “ ભાઇ તે વર્ષો સુધી મારા માટે કામ કર્યુ છે આથી તારી નિવૃતિ વખતે મારે એવી ભેટ આપવી છે જે તને જીવનભર યાદ રહે. નવા ભવનની આ ચાવી હવે તારી પાસે જ રાખ કારણ કે મારા તરફથી તને અને તારા પરિવારને હું એ ભેટમાં આપુ છું.

કારીગર તો આ વાત સાંભળીને સુનમુન થઇ ગયો. એને ખુબ પસ્તાવો થયો કે મેં બીજા માટે કેવા સુંદર ઘર બનાવ્યા પણ મારુ જ ઘર સારુ ન બનાવી શક્યો. કાશ મને પહેલેથી ખબર હોત કે આ ભવન મને જ ભેટમાં મળવાનું છે.
♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣

શીખ :
===

બીજા માટે કરવાના દરેક કામ પોતાના માટે જ છે એ ભાવથી કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે..
 

No comments: