Monday 14 December 2015

દુનિયાને દેખાડવા માટે આપણા સંતાનો માટે ઘણુ કરીએ છીએ અને એ દ્વારા આપણે આદર્શ માતા-પિતા છીએ એ સાબિત કરવાનો પ્રયાસ કરીએ છીએ ખરેખર સંતાનો માટે દિલથી આપણે શું કરીએ છીએ ?

એક ખુબ નાનો પરિવાર હતો. પતિ, પત્નિ અને 5 વર્ષની ઉંમરનો એક નાનો દિકરો. પતિ-પત્નિ બંને પોતાના કામમાં ખુબ વ્યસ્ત રહેતા. નાનો બાળક મમ્મી-પપ્પાના પ્રેમ માટે વલખા મારતો પણ પપ્પાને પોતાનો બિઝનેશ અને સામાજીક જવાબદારીઓ હતી અને મમ્મી પોતાના ઘરકામમાં વ્યસ્ત રહેતી.
કોઇ બાબતને લઇને પતિ-પત્નિ વચ્ચે ઝગડો થયો. વાત છેક છુટાછેડા સુધી પહોંચી. નાનો બાળક ઘરમાં ચાલતો આ ખેલ મુક પ્રેક્ષક બનીને જોયા કરે. છુટાછેડા લેવા માટે કોર્ટમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો. બંનેમાંથી કોઇને બાળક માટે સમય નહોતો પણ પોતે બાળકને પ્રેમ કરે છે એવુ સમાજને બતાવવા માટે બાળકની કસ્ટડી પોતાને સોંપવા બંને દ્વારા કોર્ટને રજુઆત કરવામાં આવી.
કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે બાળકને પ્રથમ 3 દિવસ એના મમ્મી પાસે અને પછીના 3 દિવસ એના પપ્પા સાથે રાખવામાં આવે જેથી બાળક મમ્મી-પપ્પા એની કેવી સંભાળ લે છે એ અનુભવી શકે. અઠવાડીયા પછી બાળકની મરજી જાણીને કોર્ટ ચૂકાદો આપશે.
બાળક પ્રથમ ત્રણ દિવસ એની મમ્મી સાથે રહ્યો. મમ્મીએ ઘરકામને ગૌણ કરીને બાળકને સમય આપ્યો. બાળક માટે નવી નવી રસોઇ બનાવીને એને જમાડે આવુ કરવા પાછળનું કારણ એટલુ જ હતુ કે જો બાળકનો કબજો એને મળે તો એ સાબિત થઇ જાય કે મમ્મી વધુ સારી છે. બીજી બાજુ પિતાને બાળકનો કબજો મળ્યો એટલે એણે પણ નોકરીમાંથી ત્રણ દિવસની રજા મુકી દીધી. બાળકને ફરવા માટે બહાર લઇ જાય એની સાથે બેસીને રમતો રમે અને એ રીતે વધુમાં વધુ સમય બાળક સાથે વિતાવે.
એક અઠવાડીયા પછી કોર્ટે પોતાનો ચુકાદો આપવાને બદલે ફરીથી એક અઠવાડીયુ આવી જ રીતે પસાર કરવાનું કહ્યુ અને આવુ 3-4 અઠવાડીયા સુધી ચાલ્યુ. બાળકને તો બહુ મજા આવી ગઇ. આ 3-4 અઠવાડીયાના સમયમાં વડીલોની સમજાવટથી છુટાછેડા લેવાના બદલે પતિ-પત્નિ સાથે રહેવા સંમત થયા.
બાળકને આ વાતની ખબર પડી એટલે એ સીધો જ ભગવાનના મંદિરમાં પહોંચી ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, " હે પ્રભુ, મેં ક્યારેય કોઇ પાપ નથી કર્ય. મેં કોઇ દિવસ તમારી પાસેથી કંઇ જ નથી માંગ્યુ મારી એક વાત માનો. મમ્મી અને પપ્પા આવી જ રીતે છુટા રહે એવુ કંઇક કરો. એ બંને છુટા છે તો મને કેટલો સાચવે છે પણ જો બંને ભેગા થઇ જશે તો હું પાછો ભૂલાઇ જઇશ."
મિત્રો, દુનિયાને દેખાડવા માટે આપણા સંતાનો માટે ઘણુ કરીએ છીએ અને એ દ્વારા આપણે આદર્શ માતા-પિતા છીએ એ સાબિત કરવાનો પ્રયાસ કરીએ છીએ ખરેખર સંતાનો માટે દિલથી આપણે શું કરીએ છીએ ?

No comments: