Thursday 24 December 2015

જે માણસ પરિસ્થિતીને સમજી નાનો બનીને નમી જાય એ વિપરિત પરિસ્થિતીના વેગની સામે ટકી રહે અને જો આંકડાની જેમ અટંટ બનીને ઉભો રહે તો તણાય જાય.

એકવાર યુધિષ્ઠિર ભિષ્મ પિતામહને મળવા માટે આવ્યા. એમણે કોઇ સંદેશો આપવા માટે દાદાને વિનંતી કરી. ભિષ્મએ કહ્યુ બેટા હું તને એક કથા કહું છું જીવનપર્યંત આ કથાને યાદ રાખજે અને એનું
અનુસરણ કરજે. વેત્રવતી નદી જ્યારે સમુદ્રને મળવા માટે ગઇ ત્યારે સમુદ્ર એના પર ગુસ્સે થયો. બધી જ નદીઓ જ્યારે મને મળવા માટે આવે છે ત્યારે મારા માટે કંઇકને કંઇક ભેટ લઇને આવે છે. કોઇ રસ્તામાંથી મોટા ઝાડને લાવે છે તો કોઇ મોટા પથરાઓ પણ લાવે છે. બધી જ નદીઓ પોતાના પ્રદેશમાંથી પોતાની સાથે ભેટ લાવે છે અને તું સાવ કોરી કટ આવે છે. વેત્રવતી નદીએ દુખી થતા કહ્યુ કે સ્વામી, હું શું કરું હું જે પ્રદેશમાંથી આવું છું ત્યાં તો માત્ર ધ્રો ( એક પ્રકારનું ઘાસ) થાય છે. સમુદ્રએ વચ્ચેથી જ વાત કરતા અટકાવીને કહ્યુ કે તો તારે મારા માટે એ ધ્રો લાવવી જોઇએ.નદીએ દુખી થતા કહ્યુ મારા નાથ હું ખુબ પ્રયત્ન કરું છું ધ્રો ને ઉપાડીને મારી સાથે લાવવા માટે પણ એ આવતી જ નથી તો હું શું કરુ ? સમુદ્રએ આશ્વર્ય સાથે પુછ્યુ , “ એવું કેમ બને , તું એને ઢસડીને તારી સાથે લાવે તો એ આવે જ.વેત્રવતી નદીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યુ , “ દેવ , હું જયારે અત્યંત વેગથી આપને મળવા માટે દોડુ કે હું જ્યારે ગાંડી થાવ ત્યારે મારા પ્રવાહના માર્ગમાં આવતી બધી જ ધ્રો નીચે નમી જાય છે એટલે એ મારી સાથે તણાવાને બદલે ત્યાં જ ટકી રહે છે અને જ્યારે મારો વેગ શાંત થાય એટલે એ ફરીથી ઉભી થઇ જાય છે.સમુદ્રએ વેત્રવતીને પોતાનામાં સમાવતા કહ્યુ કે તો તો એને કોઇ એના સ્થાન પરથી દુર નહી કરી શકે. જે માણસ પરિસ્થિતીને સમજી નાનો બનીને નમી જાય એ વિપરિત પરિસ્થિતીના વેગની સામે ટકી રહે અને જો આંકડાની જેમ અટંટ બનીને ઉભો રહે તો તણાય જાય.

No comments: