Monday 14 December 2015

વડીલોની હાજરી માત્રથી જ કેટલાય વિકટ પ્રશ્નો સાવ સહજતાથી ઉકલી જતા હોય છે.

શહેરમાં ખુબ સારી નોકરી કરતો એક યુવાન પરિવાર સાથે પોતાની માલિકીના આલીશાન મકાનમાં રહેતો હતો. પરિવાર ખુબ નાનો હતો. પતિ-પત્નિ , એકનો એક 10 વર્ષની ઉંમરનો દિકરો અને વૃધ્ધ પિતાજી. માતા તો થોડા વર્ષો પહેલા જ સ્વર્ગે સિધાવ્યા હતા. દાદીજીના અવસાન બાદ દાદાને લાડલડાવવાનું અને સાચવવાનું કામ એનો લાડકો પૌત્ર કરતો હતો.
સસરાજીની હાજરીથી પોતાની સ્વતંત્રતા છીનવાતી હોય એવુ લાગવાથી પત્નિએ એકદિવસ પતિને એમના પિતાને વૃધ્ધાશ્રમમાં રહેવાની સગવડ કરી આપવાની વાત કરી. દિકરાને પણ આ વાત ગમી. પતિ-પત્નિ બંનેએ સાથે મળીને દાદા માટે એક સુવિધાથી સજ્જ વૃધ્ધાશ્રમની પસંદગી કરી અને દાદાએ એમની ઇચ્છા વિરુધ્ધ વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યા.
નાના પૌત્ર શાળાએથી ઘરે આવ્યો ત્યારે નોકરાણીએ એમને આ વાત કરી. નાનો બાળક દાદાજીને યાદ કરીને ને ખુબ રડ્યો. પતિ-પત્નિ દાદાને વૃધ્ધાશ્રમમાં મુકીને ઘરે આવ્યા ત્યારે એમનો દિકરો કલર અને પીંછી લઇને પોતાના કાળાવાળને ધોળા કરી રહ્યો હતો. આ જોઇને પતિ-પત્નિ બંનેને આશ્વર્ય થયુ. પિતાએ પોતાના આ લાડલા દિકરાને પુછ્યુ, “ બેટા આ શું કરે છે ? તારા કાળા વાળને ધોળા કેમ કરે છે? લોકો તો પોતાના ધોળા વાળને કાળા કરતા હોય છે તુ તો ઉલટુ કરે છે ! “
નાના બાળકે વાળ ધોળા કરવાનું કામ ચાલુ જ રાખ્યુ અને કહ્યુ , “ પપ્પા. તમે જે ગુરુજીનો ઘરમાં ફોટો રાખીને રોજ પુજા કરો છો એ ગુરુજી તો એકવાર એવુ કહેતા હતા કે ઘરને સાચા અર્થમાં ઘર બનાવવુ હોય તો ઘરમાં એક વડીલ તો હોવા જ જોઇએ. તમે દાદાને આજે વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યા એટલે આપણું ઘર તો હવે વડીલ વગરનું થઇ ગયુ માટે હું મારા વાળ ધોળા કરી રહ્યો છું જેથી આપણું ઘર વડીલ વગરનું ન રહે.”
મિત્રો, ઇંટ, સીમેન્ટ, રેતી કે પથ્થરમાંથી તો માત્ર મકાન જ બને જો એને ઘર બનાવવું હોય તો વડીલોની હુંફ બહુ જરુરી છે. વડીલોની હાજરી માત્રથી જ કેટલાય વિકટ પ્રશ્નો સાવ સહજતાથી ઉકલી જતા હોય છે.

2 comments:

Unknown said...

100 & 10 % right...

Dileep said...

Really good story