Saturday 26 December 2015

આપણામાં સફળ થવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાને કારણે પ્રયાસો જ છોડી દઇએ છીએ.

એક ખુબ મોટા શહેરમાં એક હાથી લાવવામાં આવ્યો હતો. માત્ર ચિત્રોમાં અને ફિલ્મોમાં જ હાથી જોવા ટેવાયેલા મહાનગરના માણસો આ હાથીને પ્રત્યક્ષ જોવા માટે પણ આવતા હતા. હાથી જોવા માટે આવી રહેલા લોકો પૈકી એક વ્યક્તિનું ધ્યાન ગયુ કે હાથીને પગથી બાંધવામાં આવ્યો હતો અને એ પણ સાવ નાના અને પાતળા દોરડા દ્વારા.

આ જોઇને પેલા ભાઇ તો આશ્વર્યમાં પડી ગયા કે આ હાથીને સાવ સામાન્ય દોરડા દ્વારા બાંધવામાં આવ્યો છે. આવા વિશાળકાય અને મહાબળવાન પ્રાણીને આવા સાવ સામાન્ય દોરડાથી કેમ બાંધવામાં આવ્યુ છે. જો હાથી ઇચ્છે તો માત્ર એક જ ઝાટકામાં આ બંધન તોડી શકે અને આઝાદ થઇ શકે.

હાથીના મહાવતને એ ભાઇએ આ બધુ પુછ્યુ , “ તમે, હાથીને સાવ પાતળા દોરડાથી બાંધેલો છે તો એ દોરડું તોડીને ભાગી ના જાય ? એના માટે આ દોરડું તોડવું બહું જ સામાન્ય છે!

મહાવતે કહ્યુ , “ આપનો પ્રશ્ન બિલકુલ વાજબી છે પણ આવું ક્યારેય ના થાય. કારણ કે હાથી જ્યારે નાનો હોય એટલે કે એ મદનિયુ હોય ત્યારે એના પગ આ જ દોરડાથી બાંધેલા હોય એ વખતે એ દોરડાને તોડવાના ખુબ પ્રયાસ કરે પરંતું તેની ઉંમરને કારણે એ દોરડું તોડવામાં સફળ ન થાય. પછી તો એ મનમાં એવી ગાંઠ વાળી લે કે મારાથી આ દોરડું તુટવાનું જ નથી અને એ દોરડાને તોડવાના પ્રયાસ છોડી દે છે. હાથીમાં દોરડું તોડવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાના કારણે એ પ્રયાસ જ કરતો નથી.

મિત્રો, આપણા બધાનું પણ આ હાથી જેવું જ છે. નાનીનાની નિષ્ફળતાને કારણે એવા તારણ પર આવી જઇએ છીએ કે હવે હું આ બાબતમાં સફળ નહિ થઇ શકું જ્યારે વાસ્તવિકતા એ હોય છે કે આપણામાં સફળ થવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાને કારણે પ્રયાસો જ છોડી દઇએ છીએ.

No comments: