Monday 14 December 2015

જે ઠંડો રહી શકે એ જ સાચો હીરો છે જે અમૂલ્ય છે અને જે તપી જાય એ પથ્થર છે જેનુ કોઇ મૂલ્ય નથી.

એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો. આ પથ્થર ચળકતો હતો આથી એ રાજાને ભેટ તરીકે આપવામાં આવ્યો. આ ચળકતો પથ્થર હીરો છે કે પથ્થર જ છે? તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું. રાજાએ આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના નિષ્ણાંતોને બોલાવ્યા. એક પછી એક નિષ્ણાંત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઇ નક્કિ ના કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે.
છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો. બધા નિષ્ણાંતો હસવા લાગ્યા કે આ આંધળો કેવી રીતે નક્કિ કરી શકશે. જેને ભગવાને બે આંખો આપી છે એવા લોકો પણ આ પથ્થરને નથી ઓળખી શક્યા તો આ માણસ શું ઓળખવાનો હતો ? પેલી અંધ વ્યક્તિએ રાજાને વિનંતી કરતા કહ્યુ, " રાજા સાહેબ, આ પથ્થરનું પરિક્ષણ કરવા માટે મારે એને ખુલ્લા મેદાનમાં લઇ જવો પડશે." રાજાએ આ માટે મંજૂરી આપી.
અંધ માણસે પેલા વિશિષ્ટ પથ્થરને ઘોમઘખતા તાપમાં ખુલ્લો રાખીને મુકાવ્યો. બધા લોકો આ માણસ શું કરી રહ્યો છે તે જોઇ રહ્યા હતા. એકાદ કલાક પછી એ અંધ માણસ ખુલ્લા રાખેલા પથથર પાસે ગયો. પથ્થર હાથમા લઇને ફેરવ્યો અને તુરંત જ કહ્યુ, " આ પથ્થર નથી પણ હીરો છે." બધાએ એક સાથે આશ્વર્યથી પુછ્યુ કે, " તમે તો આંખોથી જોઇ પણ નથી શકતા તો પછી તમે કેવી રીતે નક્કિ કર્યુ કે આ હીરો જ છે ! "
એમણે સ્પષ્ટતા કરતા કહ્યુ, " અત્યારે ઉનાળાની ભર બપોર છે અને સાવ ખુલ્લામાં આ પદાર્થ રાખેલો છે. આટલો બધો તાપ એના પર પડવા છતા એ ગરમ નથી થયો, એમ જ ઠંડો છે જે બતાવે છે કે એ પથ્થર નથી પણ હીરો છે કારણ કે હીરો ગરમીથી ગરમ ન થાય અને ઠંડીથી ઠંડો ન થાય. બહારના વાતાવરણની કોઇ અસર તેના પર ન થાય.
મિત્રો, જીવનમાં સમસ્યાઓ અને સંઘર્ષોનો સૂર્ય બરોબરનો તપતો હોય અને આમ છતા તેના આકરા તાપની જેના પર અસર ના થાય અને જે ઠંડો રહી શકે એ જ સાચો હીરો છે જે અમૂલ્ય છે અને જે તપી જાય એ પથ્થર છે જેનુ કોઇ મૂલ્ય નથી.

No comments: