Friday 25 December 2015

અડધું છોડી પુરા માટે દોડે! ના અડધુ રહે ના પુરુ પામે.

એક ગામમાં એક કુતરો રહેતો હતો. એક દિવસ સદનસિબે આ કુતરાને કોઇએ સરસ મજાની મોટી રોટલી આપી. આખી રોટલી મળતા કુતરો તો આનંદમાં આવી ગયો. નાચવા અને કુદવા લાગ્યો. હરખાતો હરખાતો મોઢામાં રોટલી લઇને એ ગામથી સીમ તરફ ચાલ્યો.

રસ્તામાં એક નાની નદી આવી. નદીમાં થોડું પાણી હતું. કુતરો આ પાણીમાંથી પસાર થતો હતો ત્યારે એને પાણીમાં પોતાનો પડછાયો જોયો.નદીમાં દેખાતા આ પડછાયાને જોઇને કુતરો તો ત્યાં જ ઉભો રહી ગયો. બીજાના મોઢામાં પણ પોતાની પાસે છે એવી રોટલી જોઇ એટલે એ રોટલી પડાવી લેવાનો વિચાર આવ્યો. કુતરો તો તુરંત જ વિચારવા લાગ્યો કે પાણીમાં બીજો કોઇ કુતરો પણ મારા જેવી જ રોટલી લઇને જઇ રહ્યો છે જો હું એની રોટલી પડાવી લઉં તો મારી પાસે બે રોટલી થઇ જાય.

કુતરાએ પડછાયામાં દેખાતા કુતરાની રોટલી પડાવી લેવા માટે પોતાનું મોઢું ખોલ્યું કે તરત જ તેના મોઢામાં રહેલી રોટલી પાણીમાં પડી ગઇ. ના બીજા કુતરાની રોટલી મળી કે ના પોતાની ટકી. કુતરો તો ભોઠોં પડી ગયો અને ઉદાસ પણ થઇ ગયો.

આપણા બધાનું પણ આ કુતરા જેવું જ છે જે મળ્યું તેનો આનંદ લેવાને બદલે બીજાનું પણ પડાવી લેવાના પ્રયત્નો કરીએ છીએ અને સમુળગું પોતાનું પણ ખોઇ બેસીએ છીએ.

અડધું છોડી પુરા માટે દોડે!
ના અડધુ રહે ના પુરુ પામે.

 

No comments: