Monday 14 December 2015

હાથધરવામાં આવેલા કોઇપણ કાર્યમાં જ્યારે ‘હેતના ટેભા’ ભરવામાં આવે ત્યારે એ કાર્યની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે અને એ કાર્ય દિપી ઉઠે છે.

એકવખત ભાવનગરના મહારાજા વખતસિંહ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા. ભગવાનની મનોહર મૂર્તિ એમને જેટલા આકર્ષતી હતી એના કરતા વધુ ભગવાને પહેરેલી ડગલી( એક પ્રકારનું શરીર પહેરવાનું વસ્ત્ર) એમને ખેંચતી હતી. જીંદગીમાં પહેલીવાર એમણે આટલી આકર્ષક ડગલી જોઇ હતી. મહારાજાનું ધ્યાન વારે વારે ડગલી પર જતુ હતુ.
મહેલમાં પરત ફર્યા બાદ સતત તે ડગલીનો જ વિચાર આવે કારણકે ખરેખર એ ડગલી અદભૂત હતી. મહારાજાએ એક ખાસ માણસને બોલાવીને એ ડગલી ભગવાન પાસે ક્યાંથી આવી એની તપાસ કરવાનું કામ સોંપ્યુ. તપાસ કરનારે થોડા દિવસમાં જ ભાવનગર નરેશને સમાચાર આપ્યા કે આ ડગલી બનાવનારો દરજી આપણા રાજ્યની જ રૈયત છે.
વખતસિંહ બાપુના આદેશથી એ દરજીને દરબારમાં બોલાવવામાં આવ્યો. દરજી તો આવીને ઉભો રહ્યો. મહારાજાએ એને પ્રશ્ન પુછ્યો, “ સ્વામીનારાયણ ભગવાન જે ડગલી પહેરે છે એ તે બનાવી છે ?” દરજીએ હાથ જોડીને કહ્યુ , “ હા, માંઇબાપ મેં જ બનાવી છે.” મહારાજાએ કહ્યુ, “ ભાઇ, મને બિલકુલ એના જેવી જ એક ડગલી બનાવી આપ. એ માટે જે ખર્ચ થાય એ તું લઇ લે જે પણ ડગલી એવી જ બનવી જોઇએ જેવી ભગવાને પહેરી છે.”
દરજીએ વિનમ્રતાથી કહ્યુ, “ મહારાજા સાહેબ, મને માફ કરજો પણ હું એવી જ ડગલી તો નહી બનાવી શકુ.” મહારાજે થોડા કડકાઇ ભર્યા અવાજે કહ્યુ, “ કેમ એલા ના પાડે છે ?” દરજીએ કહ્યુ, “ હું ના નથી પાડતો બાપુ, પણ બીલકુલ એવી જ ડગલી તો મારાથી નહી જ બની શકે?” મહારાજાએ પુછ્યુ , “ પણ તારાથી હવે એવી જ ડગલી કેમ નહી બને?” દરજીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, “ બાપુ, તમે જે ડગલી જોઇ એ તો મેં મારા ભગવાન માટે બનાવી હતી અને એમાં મેં ‘હેતના ટેભા’ ભર્યા હતા.”
મિત્રો, હાથધરવામાં આવેલા કોઇપણ કાર્યમાં જ્યારે ‘હેતના ટેભા’ ભરવામાં આવે ત્યારે એ કાર્યની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે અને એ કાર્ય દિપી ઉઠે છે.

No comments: