Thursday 24 December 2015

પ્રેમ

એક શેઠને પોતાના નોકર પર ખુબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે નોકરનું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા. નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ધન્ય સમજતો હતો અને આનંદથી પોતાની જીંદગીને જીવતો હતો. એકવાર સાંજના સમયે નોકર ખેતરમાંથી કામ કરીને થાક્યો પાક્યો ઘેર આવ્યો. શેઠે એને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યુ કે મેં તારા માટે એક તરબુચ રાખ્યુ છે ચાલ હું તને તેની ચીરીઓ કરીને આપું. શેઠે પોતાની જાતે જ તરબુચની એક ચીરી કરીને નોકરને ખાવા માટે આપી અને પછી પુછ્યુ કે કેવી લાગી ? પેલા નોકરે કહ્યુ , “ માલિક , બહું જ મીઠી છે. મારી અત્યાર સુધીની જીંદગીમાં આવું મીઠું તરબુચ મેં ક્યારેય ખાધું નથી. નોકરને તરબુચ ગમ્યુ એટલે શેઠ એક પછી એક ચીર કરીને નોકરને આપતા ગયા અને નોકર વખાણ કરતા કરતા આ ચીર ખાતો ગયો. શેઠના હાથમાં છેલ્લી ચીર હતી. નોકર પાસે આ તરબુચની મિઠાશના બહું વખાણ સાંભળ્યા એટલે શેઠને તરબુચ ચાખવાની ઇચ્છા થઇ. તરબુચની ચીર પોતાના મોઠામાં નાંખી ત્યાં તો થું થું કરતા બહાર પણ ફેંકી દીધી. નોકરને કહ્યુ કે આ તો કોઇપણ જાતના સ્વાદ વગરની છે અને ઉલટાની વિચિત્ર વાસ પણ આવે છે. તો પછી તું કેમ ખોટા વખાણ કરતો હતો.નોકરે કહ્યુ , “ માલિક હું તરબુચની ચીરના નહી પરંતું આપની લાગણી અને પ્રેમના વખાણ કરતો હતો. તરબુચ ભલેને સ્વાદ વગરનું હોય પણ તમારા હાથના સ્પર્શથી એ મીઠું થઇ જતું હતું. તમે મને ઘણીવાર ઘણું બધું સારુ સારુ ખવડાવ્યુ જ છે તો હવે હું આ એક સામાન્ય તરબુચને કેમ કરીને ખરાબ કહી શકું ?” રોજ પ્રેમથી રસોઇ બનાવીને જમાડનારી પત્નિ કે મા ની રસોઇ જો ક્યારેક સ્વાદ વિહોણી લાગે તો એ બનાવતી વખતની લાગણી અને પ્રેમને યાદ કરજો રસોઇનો સ્વાદ જ બદલાઇ જશે.

No comments: