Thursday 24 December 2015

આપણને આપનું મુલ્ય સમજાતું નથી.

એક કુંભારે ગધેડો પાળેલો હતો પરંતું આ ગધેડો કુંભારને બીલકુલ પસંદ નહોતો. એકવખત તો એણે નક્કિ કરી નાખ્યુ કે આ ગધેડાને વેંચી જ નાખવો છે. વહેલી સવારે પત્નિને જાણ કર્યા વગર એ ગધેડાને લઇને વેંચવા માટે ગુજરી બજારમાં પહોંચી ગયો. સાંજે ઘેર આવીને ઘરમાં પગ મુકતાની સાથે જ એ નાચવા લાગ્યો. પત્નિએ પુછ્યુ, “ કેમ આજે આટલા બધા આનંદમાં છો અને આજ સવારના ક્યાં ચાલ્યા ગયા હતા ? “ “ અરે, ગાંડી આજે તો હું બહું જ ખુશ છું કારણકે જે ગધેડાથી મને બહુ ચીડ હતી એ ગધેડાને આજે વેંચીને આવ્યો છું.” “ ઓહ , શું વાત કરો છો ? કેટલામાં વેંચ્યો ?” “ તું કલ્પના પણ ના કરી શકે એવી કિંમત ઉપજી છે આપણા એ ગધેડાની. હરાજીમાં બોલી બોલનારો ખુબ સારો હતો. એણે આપણા ગધેડાના ખુબ વખાણ કર્યા એટલે લોકો ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા.” “ પણ એ તો કહો કે કેટલા રૂપિયા આવ્યા?” ” હું તને એ જ કહું છું તું સાંભળ તો ખરી. બોલીની શરૂઆત તો માત્ર 1000 રૂપિયાથી જ થઇ હતી. પણ પછી હરરાજીમાં બોલી બોલનારે કહ્યુ કે આ કેટલો તંદુરસ્ત ગઘેડો છે. ગમે તેટલું કામ કરાવો તો પણ થાકે તેમ નથી. આ વખાણ સાંભળીને લોકો આગળની બોલી બોલતા ગયા. પેલો ગધેડાની એક એક ખાસીયત કહેતો ગયો અને લોકો વધુ મોટી બોલી બોલતા ગયા.” “ ઓહ , બહું સરસ. તો પછી કેટલા 2000 રૂપિયા તો ઉપજ્યા જ હશે કેમ?” ના , 3000 પુરા.” “ ઓહ, આટલી મોટી રકમ આપીને આપણા એ ગધેડાને કોણે ખરીદ્યો ?” કુંભાર હજુ જવાબ આપે તે પહેલા જ દરવાજા બહાર ગધેડો ભૂંકવા લાગ્યો. પેલી બાઇ ગધેડાનો અવાજ ઓળખી ગઇ. બહાર જઇને જોયુ તો ખબર પડી કે કુંભાર પોતે જ પોતાના ગધેડાના વધુ વખાણ સાંભળીને ખરીદી લાવ્યો હતો. આપણું પણ આ કુંભાર જેવું જ છે આપણી પાસે જે કંઇ પણ છે એના વખાણ જ્યાં સુધી બીજા કોઇ પાસે ના સાંભળીયે ત્યાં આપણને તેનું મુલ્ય સમજાતું નથી.

No comments: