Monday 14 December 2015

દિકરી માટે સંપતિવાળો નહી પણ નિર્વ્યસની છોકરો તો શોધીએ.........

આ એક સત્ય ઘટના છે.
રાજકોટની બાજુમાં લોધીકા નામનુ એક ગામ આવેલુ છે. આ ગામમાં એક છોકરી અનેક અરમાનો સાથે પરણીને સાસરે આવી. આ છોકરીના પતિને અમુક પ્રકારના વ્યસન હતા અને એની ખબર સાસરે આવ્યા પછી પડી. છોકરીએ પોતાના નસીબ સમજીને બધુ સ્વિકારી લીધુ.
લગ્નજીવનની ફળશ્રૃતિરુપે એમને ત્યાં એક દિકરાનો જન્મ થયો. દિકરાને બાપ બહુ લાડ ન લડાવી શક્યો કારણકે વ્યસનને કારણે એનુ અવસાન થયુ. નાના બાળક સાથે એની મા સાવ નોંધારી થઇ ગઇ. કોઇપણ જાતના વાંક વગર એને ભગવાને બહુ મોટી સજા આપી દીધી.
આ દિકરી જે નાતમાં પરણીને આવી હતી એ નાતમાં વિધવાના વિવાહ થઇ શકતા નથી. દિકરીને બહુ નાની ઉંમરે પરણાવેલી 20 વર્ષની ઉંમરે એના ખોળામાં દિકરો રમતો હતો પણ જેના ખોળામાં પોતાનું માથુ મુકવાનુ મન થાય એવો પતિ નહોતો. અનેક અરમાનોને ધરબી દઇને આ છોકરીએ વિધવાની એક નવી જીંદગી શરુ કરી.
છોકરો પણ ધીમે ધીમે મોટો થવા લગ્યો. દિકરો લગભગ 5 વર્ષનો થયો ત્યારે એક ઘટના બની. આજે ધુળેટીનો દિવસ હતો. બધા શેરીમાં ધુળેટી રમી રહ્યા હતા અને આ છોકરી બીચારી ઘરમાં બેસીને સંતાડેલા સપનાઓને બહાર કાઢીને કોઇને ખબર ન પડે એ રીતે જોઇ લેતી હતી.
5 વર્ષનો દિકરો અચાનક ઘરમાં આવ્યો. દિકરો જુદા જુદા રંગોથી રંગીન લાગતો હતો. મમ્મીની નજીક આવીને એણે પોતાની મા ને કહ્યુ , " મમ્મી બધા હોળી રમે છે તું જ નથી રમતી મારે આજે તારી સાથે હોળી રમવી છે." આટલુ બોલતા જ છોકરાએ પોતાની બન્ને બંધ મુઠ્ઠી મા તરફ આગળ કરી એટલે મા એ પોતાના હાથ લંબાવીને દીકરાની બંધ મુઠ્ઠી પકડી લીધી અને કહ્યુ, " બેટા, મને એ હક્ક નથી. ગમે એટલી ઇચ્છાઓ હોવા છતા આ સફેદ સાડી પર હવે બીજો કોઇ રંગ ન લગાડી શકાય."
છોકરાએ પણ બંને મુઠ્ઠી ખોલીને મુઠ્ઠીમાં રહેલ અબીલ બતાવતા કહ્યુ, " મમ્મી હું તારી સાથે રમવા માટે સફેદ રંગ જ લાવ્યો છુ. તું મારી સાથે રમી લે બીજા કોઇને કંઇ ખબર નહી પડે." મા દિકરાને ભેટીને હીબકે હીબકે રડી પડી.
વિધવાઓનો પતિ મરી જાય એનો મતલબ એમ નથી કે એની ઇચ્છાઓ પણ મરી જાય છે. વિધવા વિવાહની મનાઇ કરતા તો સતીપ્રથા સારી ગણાય બળીને મરી જાય એટલે વાત પતે. સતી થનારી સ્ત્રીએ તો એકવાર મરવુ પડે પણ વિધવાએ સફેદસાડીમાં રોજે રોજ કેટલી વાર મરવુ પડે ! દિકરીઓને આ અન્યાય કરવાનો ક્યાં સુધી ચાલુ રાખીશું ? બીજુ તો ઠીક દિકરી માટે સંપતિવાળો નહી પણ નિર્વ્યસની છોકરો તો શોધીએ.........

No comments: