Thursday 17 December 2015

કમાયેલા રૂપિયા ખર્ચવા છતા પણ ગુમાવેલ પ્રેમ પાછો ના મળે!

એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા.વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે
ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8
વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘેર આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ.પુત્રએ પોતાના પિતાને પુછ્યુ, " પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે ?" પેલા ભાઇએ જવાબ આપ્યો કે બેટા મને કલાક પર પગાર મળે છે હું એક કલાક કામ કરું એટલે મને 500 રૂપિયા મળે. પુત્રએ પોતાના પિતાને કહ્યુ ," પાપા મને 300 રુપિયા આપોને મારે જોઇએ છે." રૂપિયા આપવાની વાત તો દુર રહી પરંતું બાળકને તો ગાલ પર નાનો તમાચો મળ્યો. બાળક રડતા રડતા જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઇને વિચાર આવ્યો કે મારા આ દિકરાએ કોઇદિવસ પાંચ પૈસા પણ નથી માંગ્યા અને આજે આટલી મોટી રકમ કેમ માંગી હશે ? એ પુત્ર પાસે ગયા એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી 300 રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા. પછી પુછ્યુ ," બેટા મને એ તો કહે કે તારે આ 300 રૂપિયાને શું કરવા છે ? "છોકરો ઉભો થયો પોતાની ગલ્લાપેટી ખોલીને તેમાથી બધુ પરચુરણ કાઢ્યુ અને આ પરચુરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા 300 રૂપિયા ઉમેર્યા. ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો , "પપ્પા મારી ગલ્લા પેટીમાં 200 રૂપિયા ભેગા કર્યા હતા અને તમે 300 આપ્યા એટલે આ 500 રૂપિયા થયા. હમણા તમે એમ કહેતા હતા કે તમે એક કલાક કામ કરો એટલે તમને કંપની 500 રૂપિયા પગાર આપે. પપ્પા આ તમારા એક કલાકના 500 રૂપિયા હું તમને આપુ છું તમે મને તમારો એક કલાક આપો. મારી સાથે બેસો અને વાતો કરો." સંતાનને માત્ર સુવિધાઓ જ નહીં સમય અને પ્રેમની પણ જરુર હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરીએ કે રૂપિયા કમાવા જતા ક્યાંક કંઇક એવું ના ગુમાવી બેસીએ જેથી કમાયેલા રૂપિયા ખર્ચવા છતા પણ પેલું ગુમાવેલું પાછું ના મળે!

No comments: